મંદિર પરિસરમાં કચરો ન જાય તે માટે કરોડોનું આંધણ છતાં તંત્ર નિષ્ફળ
થૂકના સાંધા : રામનાથ મહાદેવને સ્વચ્છ રાખવા બેરિયર લગાવાયા
મંદિર પરિસર અને નદીના વિસ્તારને બેરિયરથી સ્વચ્છ રાખવાનો પ્રયાસ : નવતર પ્રયોગને સફળ ગણાવતી મહાપાલિકા
રિવરફ્રન્ટનો પ્રોજેકટ અધ્ધરતાલ : ચોમાસામાં જૈસે થે જેવી જ સ્થિતિ
અગ્ર ગુજરાત, રાજકોટ
આજી નદીમાં બિરાજમાન રામનાથ મહાદેવ મંદિર સુધીનો કચરો દૂર કરવામાં નિષ્ફળ રહેલ તંત્ર દ્વારા વધુ એક પ્રયોગ કરવામાં આવ્યો છે. જેમાં ચોમાસા દરમિયાન મંદિર નજીક કચરો ન પહોંચે તે માટે બેરિયર લગાવવામાં આવ્યાં છે. રામનાથ મંદિર નજીકના પટાંગણને ચોખ્ખુ રાખવા માટે અગાઉ કરોડો રૂપિયાનું આંધણ કરવામાં આવ્યું છે. છતાં પણ રામનાથ મંદિર સુધી કચરો અટકાવવામાં તંત્ર વામણું સાબિત થયું છે.
આ અંગે મનપાએ જણાવ્યું હતું કે રાજકોટ મહાનગરપાલિકા અને CEE દ્વારા શહેરને વધુ સ્વચ્છ અને પર્યાવરણમૈત્રી બનાવવાના સતત પ્રયાસોના ભાગરૂપે આજી નદીમાં રામનાથપરા મહાદેવ મંદિર પહેલાં ટ્રેશ બેરિયર કરવામાં આવ્યું છે. આ સરાહનીય પર્યાવરણીય પ્રોજેક્ટને સાકાર કરવા માટે HDB Financial Services દ્વારા સીએસઆર અંતર્ગત આર્થિક સહયોગ પૂરો પાડવામાં આવ્યો છે. આ નવતર વ્યવસ્થાથી નદીમાં પાણી સાથે તણાઈ આવતો પ્લાસ્ટિક, ગાંડી વેલ તથા અન્ય તરતો કચરો બેરિયર પાસે જ અટકી જશે.
આ વ્યવસ્થાના કારણે રામનાથપરા મહાદેવ મંદિર નજીક કચરો પહોંચશે નહીં, જેના પરિણામે મંદિર પરિસર તેમજ નદીનો આ વિસ્તાર વધુ સ્વચ્છ અને સુંદર રહેશે. સાથે જ સમયાંતરે બેરિયર પાસે એકત્રિત થતા કચરાનો મહાનગરપાલિકા દ્વારા નિયમિત રીતે ઉપાડ કરી વૈજ્ઞાનિક રીતે નિકાલ કરવામાં આવશે.
રાજકોટ મહાનગરપાલિકાનો આ પ્રયાસ નદીની સ્વચ્છતા જાળવવા, જળ પ્રદૂષણ ઘટાડવા તેમજ ધાર્મિક સ્થળોના સ્વચ્છ અને પવિત્ર વાતાવરણના સંરક્ષણ માટે મહત્વપૂર્ણ સાબિત થશે. આગામી સમયમાં પણ શહેરમાં સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન આપતા આવા નવતર પ્રયોગો હાથ ધરવામાં આવશે.
રાજકોટ મહાનગરપાલિકા શહેરજનોને પણ અપીલ કરે છે કે નદી, નાળા કે જાહેર સ્થળોએ કચરો ન ફેંકે અને સ્વચ્છ રાજકોટના નિર્માણમાં સક્રિય સહભાગી બને.
અગાઉ ૧૭૧ કરોડની ગ્રાન્ટ મંજૂર થઇ હતી
ચાર વર્ષ પહેલા કોર્પોરેશને આજી રિવરફ્રન્ટ માટેના પહેલા તબક્કા તેમજ મંદિરના જીર્ણોધ્ધાર માટે 187 કરોડ રૂપિયા માંગ્યા હતા તે પૈકી 171.95 કરોડ રૂપિયાની સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર 10 ટકા એટલે કે 17.8 કરોડ રૂપિયા મનપાને આપી દેવાયા હતા. સૌથી પહેલા મંદિરની આસપાસનો ઘાટ અને તેના પરના રસ્તાનું કામ હાથ પર લેવાયું હતું. અહીં એ મહત્વનું છે કે મનપાએ દાયકાઓ પહેલાથી રિવરફ્રન્ટની માગ કરી હતી પણ તેમાં મંજૂરી મળતી ન હતી. છેવટે પર્યાવરણીય મંજૂરી પણ અટકી ગઈ હતી. ફરીવાર પ્રયાસ હાથ ધરાયા હતા અને આ માત્ર રિવરફ્રન્ટ નહીં પણ રામનાથ મહાદેવ મંદિરના પ્રોજેક્ટ સાથે મેળવીને તેનો પ્રચાર કરાયો હતો. મંદિરના કામનો મુદ્દો સરકારમાં છેલ્લા 5 વર્ષથી ગાજતો હતો. અગાઉ યાત્રાધામ વિકાસ બોર્ડના પૂર્વ હોદ્દેદારોએ કામના નામે કરોડોનો કદડો કર્યાના આક્ષેપ થયા હતા તેથી આખો મુદ્દો જ પૂરો કરવા આખરે પ્રોજેક્ટ મંજૂર કરી દેવાયો હતો તેમ સૂત્રોએ જણાવ્યું હતું.


