તલાટી કમ મંત્રી અને મહેસુલી તલાટીની ફરજો અને મુખ્ય કામનું વિભાજન કરાયું
સરકાર દ્વારા કામગીરીનો જોબચાર્ટ નક્કી કરવામાં આવ્યો : તલાટી મંત્રીને ગ્રામ પંચાયતના સચિવ તરીકીને મુખ્ય જવાબદારી સોંપાઇ
અગ્ર ગુજરાત, રાજકોટ
ગુજરાત સરકારે ગ્રામ્ય વહીવટ વ્યવસ્થામાં મહત્વપૂર્ણ ફેરફાર કરતાં તલાટી કમ મંત્રી અને મહેસૂલી તલાટીની ફરજો અને જવાબદારીઓનું સ્પષ્ટ વિભાજન કર્યું છે. પંચાયત અને મહેસૂલ વિભાગ હેઠળની કામગીરી માટે બંને કેડરનો અલગ-અલગ જોબચાર્ટ નક્કી કરવામાં આવ્યો છે. નવી વ્યવસ્થા અમલમાં આવતા અગાઉના સંબંધિત ઠરાવો રદ કરવામાં આવ્યા છે.
પંચાયત વિભાગના મંત્રી ઋષિકેશ પટેલના જણાવ્યા મુજબ, રાજ્યમાં મહેસૂલી તલાટીઓની નિમણૂક થયા બાદ બંને કેડરની કામગીરી અલગ કરવાની રજૂઆતો લાંબા સમયથી કરવામાં આવી રહી હતી. અગાઉ એક જ સ્તરે અનેક પ્રકારની પંચાયત અને મહેસૂલ સંબંધિત જવાબદારીઓ સંભાળવી પડતી હતી.
નવી વ્યવસ્થા હેઠળ જવાબદારીઓનું સ્પષ્ટ વિભાજન કરવામાં આવ્યું છે, જેથી એક જ કર્મચારી પર અનેક પ્રકારની 90થી 100 જેટલી કામગીરીનો બોજ રહેવાને બદલે બંને કેડર પોતાની નિર્ધારિત જવાબદારીઓ પર વધુ અસરકારક રીતે ધ્યાન આપી શકશે.
નવી કાર્યપ્રણાલી મુજબ તલાટી કમ મંત્રીને ગ્રામ પંચાયતનાસચિવ તરીકેની મુખ્ય જવાબદારી સોંપવામાં આવી છે. તેમને પંચાયત સચિવ તરીકે નામાભિધાન કરવામાં આવ્યું છે. તલાટી કમ મંત્રીની મુખ્ય કામગીરીમાં ગ્રામ પંચાયતની વહીવટી કામગીરી, પંચાયતની પરચૂરણ આવક અને વેરાની વસૂલાત, જન્મ-મરણ અને લગ્નની નોંધણી જેવી જવાબદારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
તલાટી કમ મંત્રી ગ્રામ્ય સ્તરે વિવિધ સરકારી સેવાઓ અને યોજનાઓના અમલીકરણમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. BPL સંબંધિત કામગીરી તેમજ ડિજિટલ ગુજરાત પોર્ટલ મારફતે આવક અને જાતિના પ્રમાણપત્રો સહિતની સેવાઓમાં તેમની જવાબદારી રહેશે. આ ઉપરાંત ગ્રામ પંચાયત સ્તરે અમલમાં આવતી વિવિધ સરકારી યોજનાઓનું સંકલન અને જરૂરી વહીવટી કામગીરી પણ પંચાયત સચિવ તરીકે તલાટી કમ મંત્રી સંભાળશે.
ગ્રામ પંચાયત હસ્તકની જમીન પરના દબાણ દૂર કરાવવા માટેની કામગીરીમાં પણ તલાટી કમ મંત્રીની ભૂમિકા રહેશે. ગામમાં જાહેર સ્વચ્છતા જાળવવી અને પીવાના પાણીના પુરવઠા સંબંધિત વ્યવસ્થાનીદેખરેખ જેવી ગ્રામ્ય સુવિધાઓ સાથે જોડાયેલી જવાબદારીઓ પણ તેમના જોબચાર્ટમાં સામેલ કરવામાં આવી છે. બીજી તરફ, મહેસૂલી તલાટીને મુખ્યત્વે જમીન અને મહેસૂલ વિભાગ સાથે સંબંધિત કામગીરી સોંપવામાં આવી છે. જમીન મહેસૂલ સંહિતા હેઠળના રેકોર્ડ, વારસાઈ અને પેઢીનામાની કામગીરી સહિત જમીન સંબંધિત વિવિધ જવાબદારીઓ મહેસૂલી તલાટી સંભાળશે. આ ઉપરાંત અશાંત ધારા, જમીન સંપાદન, સર્વે તેમજ સેન્સસ સંબંધિત કામગીરી પણ મહેસૂલી તલાટીના કાર્યક્ષેત્રમાં રહેશે.
PM-KISAN, SVAMITVA અને પાક ચકાસણીની જવાબદારી
મહેસૂલી તલાટીના જોબચાર્ટમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની કેટલીક મહત્વપૂર્ણ યોજનાઓ અને ડિજિટલ કામગીરીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. PM-SVAMITVA યોજના, PM-KISAN અને e-KYC સંબંધિત કામગીરી મહેસૂલી તલાટી દ્વારા કરવામાં આવશે. તે ઉપરાંત પાક કાપણી અખતરા એટલે કે GCESની ઓનલાઈન કામગીરી, પાક વાવેતરની ચકાસણી અને કૃષિ રાહત પેકેજ માટે જરૂરી પ્રાથમિક કામગીરી પણ મહેસૂલી તલાટીની જવાબદારીમાં રહેશે.
કુદરતી આપત્તિ સમયે મહેસૂલી તલાટીની મહત્વપૂર્ણ ભૂમિકા
પૂર, ભારે વરસાદ, દુષ્કાળ અથવા અન્ય કુદરતી આપત્તિના સમયે નુકસાનનું મૂલ્યાંકન અને સરકારી સહાય માટે જરૂરી પ્રાથમિક કામગીરીમાં મહેસૂલી તલાટીની મહત્વપૂર્ણ જવાબદારી રહેશે. કૃષિ નુકસાન અને રાહત પેકેજ માટે પાકની ચકાસણી સહિતની કામગીરી પણ તેઓ સંભાળશે.
સરકારે કામગીરીનું વિભાજન કર્યું હોવા છતાં બંને કેડર સંપૂર્ણપણે અલગ રીતે કાર્ય કરશે તેવી સ્થિતિ નથી. જરૂરિયાત મુજબ તલાટી કમ મંત્રી અને મહેસૂલી તલાટી વચ્ચે સહકાર અને સંકલનની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. ગ્રામ્ય સ્તરે વિશેષ જરૂરિયાત ઊભી થાય ત્યારે વિકાસ કમિશનરના હુકમ મુજબ મહેસૂલી તલાટીએ VCE સહિતની કામગીરીમાં જરૂરી સહયોગ આપવાનો રહેશે.


