ગુજરાતની ૧૭,૦૦૦થી વધુ સ્વનિર્ભર શાળાઓ લડાયક મૂડમાં: સરકાર સામે રાજ્યવ્યાપી ‘અસહકાર આંદોલન’ની ઉગ્ર ચીમકી!
શિક્ષણ સુધારા વિધેયક–૨૦૨૬ની વિસંગતતાઓ અને FRCની જટિલતાઓ સામે રોષ; ૩૦ ઓક્ટોબરે રાજકોટમાં સૌરાષ્ટ્ર ઝોનનું મહાસંમેલન અને ડિસેમ્બરમાં શાળાઓ બંધ રાખવાનું એલાન
અગ્ર ગુજરાત, રાજકોટ
ગુજરાતની ૧૭,૦૦૦ થી વધુ સ્વનિર્ભર શાળાઓના હિત, અધિકારો, સ્વાયત્તતા અને અસ્તિત્વ સામે ખડો થયેલો ગંભીર ખતરો હવે આંદોલનનું સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ, ગુજરાત રાજ્ય દ્વારા સરકાર સમક્ષ વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં પડતર પ્રશ્નોનું કોઈ સંતોષકારક નિરાકરણ ન આવતા, આખરે સંચાલકોમાં ફાટી નીકળેલો રોષ ભભૂકી ઉઠ્યો છે. મહામંડળ દ્વારા સરકાર અને શિક્ષણ વિભાગને કડક શબ્દોમાં ચેતવણી આપતા રાજ્યવ્યાપી અસહકાર આંદોલનનું બ્યુગલ ફૂંકવામાં આવ્યું છે.
મહામંડળના પ્રમુખ જતીનભાઈ ભરાડે જણાવ્યું છે કે, સ્વનિર્ભર શાળાઓના પ્રશ્નોનું નિરાકરણ લાવવું એ સરકાર અને શિક્ષણ વિભાગની પ્રાથમિક જવાબદારી છે. જો સરકાર સકારાત્મક અભિગમ અપનાવીને મહામંડળના પ્રતિનિધિઓ સાથે બેઠક નહીં યોજે, તો શાળા સંચાલકોને પોતાના હકોના રક્ષણ માટે લોકશાહી માર્ગે ઉગ્ર અસહકાર આંદોલન કરવાની ફરજ પડશે. મહામંડળના અધ્યક્ષ ભરતભાઈ ગાજીપરા અને ઉપાધ્યક્ષ અવિનાશભાઈ પટેલે સ્પષ્ટ કર્યું છે કે આ લડત કોઈ વ્યક્તિગત હિત માટે નહીં, પરંતુ ગુજરાતની હજારો શાળાઓના ભવિષ્ય અને અસ્તિત્વ માટેની આરપારની લડાઈ છે.
મહામંત્રી મનહર રાઠોડે વિધેયક સામે ઉગ્ર વાંધો ઉઠાવતા જણાવ્યું હતું કે, વિધેયકમાં રહેલી વિસંગતતાઓને કારણે શાળાઓની સ્વાયત્તતા અને વહીવટી સ્વતંત્રતા જોખમાઈ રહી છે. સંચાલકો સાથે પૂરતી ચર્ચા કર્યા વગર લેવાતા નિર્ણયો શિક્ષણ જગતમાં અરાજકતા ફેલાવી શકે છે. ફી રેગ્યુલેટરી કમિટી (FRC)ની પ્રક્રિયાઓ, દસ્તાવેજી જટિલતાઓ અને ફી દરખાસ્તોની મંજૂરીમાં શાળા સંચાલકોને દિન-પ્રતિદિન મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ વ્યવસ્થા પારદર્શક અને ન્યાયસંગત બને તે અત્યંત આવશ્યક છે.
મહામંડળના સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ અજય પટેલના માર્ગદર્શન હેઠળ આગામી ૩૦ ઓક્ટોબરે રાજકોટ ખાતે સૌરાષ્ટ્રભરના સંચાલકોનું મહાસંમેલન યોજાશે, જેમાં ઉગ્ર રણનીતિ નક્કી કરાશે. રાજકોટમાં સંમેલન બાદ રાજ્યના અન્ય ઝોનમાં સંમેલનો યોજીને દિવાળી પછી ગાંધીનગર ખાતે સામૂહિક રજૂઆત અને દેખાવો કરવામાં આવશે. જો સરકાર હજુ પણ નહીં જાગે, તો આગામી તા.૯ અને ૧૦ ડિસેમ્બર, ૨૦૨૬ના રોજ રાજ્યવ્યાપી શાળાઓ બે દિવસ બંધ રાખીને વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.
મહામંડળની મુખ્ય ૫ માંગણીઓ
૧. સ્વનિર્ભર શાળાઓના પડતર પ્રશ્નોના ઉકેલ માટે સરકાર તાત્કાલિક ઉચ્ચસ્તરીય બેઠક બોલાવે.
૨. શિક્ષણ સુધારા વિધેયક–૨૦૨૬ની વિસંગતતાઓ અને સંચાલકોના વાંધાઓનું તાત્કાલિક નિરાકરણ આવે.
૩. શાળાઓની સ્વાયત્તતા, કાયદેસરના અધિકારો અને શૈક્ષણિક કામગીરીનું સંપૂર્ણ રક્ષણ થાય.
૪. FRCની પ્રક્રિયાઓ પારદર્શક, સરળ અને સમયબદ્ધ બનાવવામાં આવે.
૫. શાળાઓને અસર કરતા કોઈપણ નીતિગત નિર્ણય પહેલાં મહામંડળના પ્રતિનિધિઓ સાથે ફરજિયાત ચર્ચા કરવામાં આવે.
હવે માત્ર પોકળ આશ્વાસનો નહીં, પરંતુ નક્કર નિર્ણયો અને સમયબદ્ધ અમલીકરણની માંગ સાથે સ્વનિર્ભર શાળાઓ આરપારની લડાઈના મૂડમાં આવી ગઈ છે.


