મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
શરદ પૂર્ણિમાના શુભ દિવસે મોરબી શહેરમાં BAPS સંસ્થાના નવા મંદિરનું ઉદ્ઘાટન થયું. આ નગરનું જૂનું ઐતિહાસિક નામ ‘મોરધ્વજપુરી’ (કે ‘મયૂરધ્વજપુરી’) હતું. આ ઉપરાંત ઇતિહાસમાં તે ‘ભીમપોર’ નામથી પણ જાણીતું હતું.
એવું પણ માનવામાં આવે છે કે આ પ્રદેશમાં મોર પક્ષીઓની સંખ્યા વધારે હોવાથી અથવા અહીં આવેલી ‘મોરબા’ નામની ટેકરી/ડુંગરને કારણે તેનું નામ સમય જતાં ‘મોરવી’ અને ત્યારબાદ ‘મોરબી’ પડ્યું. પ્રાચીન સમયમાં આ શહેર એક કિલ્લાવાળી વસાહત તરીકે ‘ભૂમિયોગઢ’ નામે પણ ઓળખાતું હતું.
૨૫ ઓક્ટોબર ૨૦૨૬ રવિવારે શરદ પૂર્ણિમાના શુભ દિને મોરબી ખાતે પ. પૂ. મહંત સ્વામી મહારાજના પવિત્ર હસ્તે BAPS સ્વામિનારાયણ સંસ્થાના એક વધુ ભવ્ય, નવ્ય અને દિવ્ય મંદિરનો શાસ્ત્રોક્ત વિધિથી પ્રતિષ્ઠાવિધિ થયો. તે જ દિવસે સાંજે પાંચ વાગે સ્વામીજી તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે નિર્મિત મંદિરનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું અને આ પંથકના લાખો ભક્તના મનના મોરલા જાણે ગહેકી ઉઠ્યા!
તા ૨૩ ઓક્ટોબર શુક્રવારે વિશ્વ શાંતિ મહાયજ્ઞ યોજાયો હતો. જ્યારે શનિવારે પણ વિશ્વ શાંતિ મહાયજ્ઞ યોજાયો હતો. ત્યાર બાદ રવાપર ગામે આવેલા રામેશ્વર પાર્ટી પ્લોટથી નૂતન મંદિર સુધી ઠાકોરજીની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. અંદાજે ૬.૫ કિલોમીટર લાંબી આ ભવ્ય યાત્રામાં ૫૦૦ કરતાં વધુ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને દેશ વિદેશના ૧૦, ૦૦૦ થી વધુ હરિભક્તો ઉત્સાહભેર જોડાયા હતા. નવનિર્મિત મંદિરમાં સ્વામિનારાયણ ભગવાન સહિત કુલ ૧૭ મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા રવિવારે સવારે કરવામાં આવી હતી.
મોરબી અને ભગવાન સ્વામિનારાયણ તથા સ્વામિનારાયણ સંપ્રદાય વચ્ચે ખૂબ જ ગાઢ અને ઐતિહાસિક સંબંધ રહેલો છે. ભગવાન સ્વામિનારાયણે નીલકંઠ વર્ણી વેશે પોતાના વનવિચરણ દરમિયાન અને ત્યારબાદ ધર્મધૂરા સંભાળ્યા બાદ ગુજરાતમાં સનાતન હિન્દુ ધર્મ પ્રચાર વખતે સૌરાષ્ટ્રના આ પ્રદેશ સાથે આત્મીય નાતો જોડ્યો હતો.
આ સંબંધના મુખ્ય પાસાઓ નીચે મુજબ છે:
૧. ઐતિહાસિક અને આધ્યાત્મિક જોડાણ
* ભગવાન સ્વામિનારાયણનું વિચરણ: ભગવાન સ્વામિનારાયણ જ્યારે ૧૮ વર્ષની વયે ગુજરાત આવ્યા, ત્યારે તેમણે સૌરાષ્ટ્રના ગામડાઓમાં ધર્મ અને સદાચારનો પ્રચાર કર્યો હતો. મોરબી અને તેની આસપાસનો પંથક પણ તેમના અને તેમના પરમહંસોના ચરણોથી પાવન થયેલો છે.
* નિયમો અને સદાચાર: મોરબી પંથકના અનેક હરિભક્તોએ ભગવાન સ્વામિનારાયણના પંચવર્તમાન (વ્યસનમુક્તિ, શાકાહાર, ચોરી ન કરવી વગેરે) અપનાવીને પોતાના જીવન ધન્ય બનાવ્યા હતા. તે જ પ્રમાણે મોરબી અને આજુબાજુના ઘણાં ગામોમાં BAPS સ્વામિનારાયણ સંતો અત્યારે પણ ખૂબ વિચરણ કરે છે.
સંસ્થા દ્વારા મોરબીમાં સર્જાયેલી બે મોટી ઐતિહાસિક હોનારતો જેવી કે ૧૯૭૯ની મચ્છુ ડેમ હોનારત (પૂર) અને ૨૦૨૨ની મોરબી ઝૂલતા પુલની દુર્ઘટના વખતે ત્વરિત અને પ્રશંસનીય માનવતાવાદી સહાય કાર્ય કરવામાં આવ્યું હતું.
સંસ્થાના વડાઓ અને હજારો સ્વયંસેવકોએ નાત જાતના ભેદભાવ વગર દિવસ રાત જોયા વિના પીડિતોની સેવા કરી હતી. બંને હોનારત સમયે BAPS દ્વારા કરવામાં આવેલી મુખ્ય સહાય કામગીરી નીચે મુજબ છે:
૧. ૧૯૭૯: મચ્છુ ડેમ હોનારત (પૂર રાહત કાર્ય)
ઑગસ્ટ ૧૯૭૯માં મચ્છુ ડેમ તૂટવાના કારણે સમગ્ર મોરબી પૂરમાં ગરકાવ થઈ ગયું હતું. તે સમયે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના માર્ગદર્શન હેઠળ BAPS દ્વારા સદીનું સૌથી મોટું રાહત કાર્ય હાથ ધરાયું હતું:
* ભોજન અને પાણીની વ્યવસ્થા: સંસ્થાના ૧૦૭ મહિલા સ્વયંસેવકોએ સતત ૧૫ દિવસ સુધી રોજ ૨,૦૦૦થી વધુ ભોગ બનેલા લોકો માટે ભોજન તૈયાર કર્યું હતું. આ સિવાય દરરોજ ૨૫,૦૦૦ કપ ચાનું વિનામૂલ્યે વિતરણ કરવા માટે ૨૪ કલાક ચાના સ્ટોલ શરૂ કરાયા હતા.
* કોમી એકતાનું ઉદાહરણ (ઇદની ઉજવણી): હોનારત દરમિયાન મુસ્લિમ ભાઈઓનો પવિત્ર ઇદનો તહેવાર આવતો હોવાથી, BAPS ના સ્વયંસેવકોએ હજારો મુસ્લિમ પરિવારો માટે ખાસ મીઠાઈઓ (સુખડી વગેરે) તૈયાર કરી વહેંચી હતી, જેથી તેઓ દુઃખના સમયમાં પણ તહેવાર મનાવી શકે.
* સફાઈ અને કાદવ હટાવવાનું ભગીરથ કાર્ય: પૂરા પૂરના ઓસર્યા બાદ આખું શહેર કાદવ અને ગંદકીથી ભરાઈ ગયું હતું. BAPS ના ૧,૫૧૧ સ્વયંસેવકોએ સતત ૫૦ દિવસ સુધી મોરબીમાં રોકાઈને ૧,૩૦૦થી વધુ મકાનો, ૧૭ મુખ્ય રસ્તાઓ, શાળાઓ અને સરકારી કચેરીઓમાંથી કાદવ સાફ કર્યો હતો.
* તબીબી સહાય: મચ્છુ પૂર બાદ રોગચાળો ન ફેલાય તે માટે ડૉક્ટરોની ટીમે ૧,૬૫૦થી વધુ લોકોની સારવાર કરી હતી અને કોલેરા તેમજ ધનુષ વિરોધી રસીઓ આપી હતી.
૨. ૨૦૨૨: મોરબી ઝૂલતા પુલની દુર્ઘટના (બચાવ અને તબીબી સેવા)
ઓક્ટોબર ૨૦૨૨માં મોરબીમાં મચ્છુ નદી પરનો ઐતિહાસિક ઝૂલતો પુલ તૂટી પડતાં મોટી જાનહાનિ થઈ હતી. આ આકસ્મિક દુર્ઘટના વખતે પણ BAPS સંસ્થા તુરંત મદદે આવી હતી:
* જીવંત બચાવ કામગીરી: દુર્ઘટના બની તે જ ક્ષણે મોરબી BAPS મંદિરના સ્વયંસેવક સુભાષભાઈએ ક્ષણનોય વિલંબ કર્યા વિના નદીના પાણીમાં ઝંપલાવ્યું હતું અને પોતાની સૂઝબૂઝથી ૬ લોકોને ડૂબતા બચાવી લીધા હતા.
* હોસ્પિટલ સેવા: પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી BAPS ના સંતો અને સ્વયંસેવકો તુરંત જ સિવિલ હોસ્પિટલ પહોંચી ગયા હતા. ત્યાં તેમણે ઈજાગ્રસ્તોની સારવારમાં મદદ કરી હતી, મૃતકોના સગા-સંબંધીઓને સાંત્વના આપી હતી અને દર્દીઓ તેમજ તેમના પરિવારો માટે ભોજન-પાણીની વ્યવસ્થા સંભાળી હતી. હવે આ શિખરબદ્ધ મંદિરના નિર્માણ સાથે સામાજિક અનેઅધ્યાત્મિક સેવાના અનામત કાર્યોની સરવાણી સાડા વહ્યા કરશે.
સાધુ અમૃતવદનદાસ (BAPS.મુંબઈ)


