સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
પંચ પર્વ શૃંખલામાં દીપ જ્યોતિ નમોસ્તુતે: તેલયુક્ત દિવડાઓ અને વીજ રોશનીથી કરાશે
આતશબાજી, અન્નકૂટ સહિતના કાર્યક્રમો
અગ્ર ગુજરાત, પ્રભાસપાટણ
દિવાળી એટલે પ્રકાશનું પર્વ. દિવાળી અને નૂતન વર્ષની સંઘ્યાએ સોમનાથ મંદિરનો નજારો દર્શનાર્થીઓ માટે એક અનોખી અનુભુતિ બની રહે છે. છેલ્લા કેટલાક વરસોથી ચાલી આવતી પરંપરા મુજબ દિપ જ્યોતિ નમોસ્તુતે: અને તમસોમા જ્યોર્તિગમય એવાં દિપોત્સવી અને નૂતનવર્ષની સંઘ્યાએ સોમનાથ મહાદેવ મંદિર હારબંધ તેલયુક્ત દિવડાઓની રોશનીથી ઝળહળી ઉઠશે. જે દિગ્વીજય દ્વારથી નૃત્ય મંડપ સુધી પ્રજ્વલીત રહેશે.
સોમનાથ મંદિરમાં કલાત્મક રંગોળી અંકિત કરવામાં આવે છે અને સોમનાથ ટ્રસ્ટના તમામ અતિથિગૃહોને વીજ રોશનીથી શણગાર કરાય છે અને દિવાળી-નૂતન વર્ષ સંઘ્યાએ સમૂહ આતશબાજી કરાય છે જેમાં યાત્રિકોને પણ સહભાગી બનાવાય છે. દૈદિપ્યમાન રોશનીમાં નહોતા સોમનાથ દિવ્ય નજારો અદભુત હોય છે.
દિવાળીના દિવસોની આસપાસ જ પ્રતિમાસ ઉજવાતી માસિક શિવરાત્રી હોઈ જેના જ્યોત દર્શન સાથે રાત્રે મહાપૂજા અને તે દિવસે દર્શનાર્થીઓ માટે મંદિર રાત્રિના એક વાગ્યા સુધી ખુલ્લુ રહેશે.
દિવાળીના દિવસે સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી લાલકૃષ્ણ અડવાણીનો જન્મદિન હોઈ જેથી વિશેષ મહાપૂજા અને સાયં આરતીમાં દિપમાલિકા કરવામાં આવશે. સોમનાથ ટ્રસ્ટ આ દિવસોમાં વિશેષ પૂજાનું આયોજન પણ કરે છે. જેમાં ભક્તો ઘરેબેઠા પૂજાનો લાભ લઈ શકે આ વરસે પણ ૮ નવેમ્બર દિવાળીના દિવસે લક્ષ્મીપૂજનનું આયોજન કરવામાં આવ્યું છે જેની વિગત ટ્રસ્ટની ઓફીસીયલ વેબસાઈટ અથવા ઓફ લાઈન માઘ્યમથી ભક્તો પૂજા નોંધાવી આ લક્ષ્મીપૂજનમાં જોડાઈ અને ઘરે બેઠા જ પૂજા કરી પ્રસાદ પણ મેળવી શકશે.
સોમનાથ દિવાળી તહેવારોમાં આવતા યાત્રિકો પવિત્ર ત્રિવેણી સંગમ ગોલોકધામ-બાણગંગા, ભાલકાતીર્થ અને સમુદ્ર વોક-વે દર્શન સાથે પ્રવાસનો આનંદ પણ માણે છે. નવીનતમ આકર્ષણોમાં ત્રીવેણી સંગમ રોડ ઉપર આવેલ રામમંદિર દર્શનીય છે. સાથો સાથ ત્યાં ભારતના વડાપ્રધાન અને સોમનાથ ટ્રસ્ટના અઘ્યક્ષ નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થયેલ ગણપતિ ભગવાનની વિવિધ મૂર્તિઓ દર્શનીય છે જે ત્યાં રાખવામાં આવેલ છે. અન્નકૂટના દિવસે સોમનાથનાકેટલાક મંદિરોમાં અન્નકૂટ દર્શન પણ થાય છે. સાસણ-દ્વારકા, દીવ, જૂનાગઢ જવા માટેનું આ મઘ્યમાં આવેલું તીર્થ હોઈ દિવાળીના દિવસોમાં ભક્તો અને પ્રવાસીઓની ભારે ભીડ રહે છે.


