- તેજગઢ પાસે રાયસિંગપુરા ગામની ધો.6ની વિદ્યાર્થિની
- દીકરીની સંભાળના અભાવે મોત અંગે તપાસની પિતાની માંગ
- વિદ્યાર્થિનીને અચાનક જ ઊલટીઓ થતા ગણતરીના કલાકોમાં મોત
કવાંટ તાલુકાની ગોજારીયા મોડેલ સ્કૂલમાં હોસ્ટેલમાં રહીને ભણતી છોટાઉદેપુર તાલુકાના તેજગઢ નજીકના રાયસિંગપુરા ગામની ધો.6ની વિદ્યાર્થીની જ્યોતિકા શૈલેષભાઇ રાઠવા ઉ.વ.12 અચાનક મોતને ભેટતા ચકચાર મચી છે. જ્યોતિકાના પરિવારને શાળા સંકુલ તરફ્થી તેડાવ્યા હતા. સ્કૂલ કેમ્પસ ખાતેથી જ્યોતિકાને દવાખાને લઈ જવાઈ હતી.
જોકે દવાખાનાના ફરજ પરના તબીબે જ્યોતિકાનો મૃતદેહ દવાખાને લાવ્યો હોવાનું તેના પિતા શૈલેષભાઈ રાઠવા તેમજ સ્કૂલ વહીવટદારોને જણાવ્યું હતું. જ્યોતિકાને લેવા માટે તેના પિતા રાયસિંગપૂરાથી આવતીકાલે ગોજારીયા સ્કૂલ કેમ્પસ પર જવાના હતા. જો કે જ્યોતિકાનો મૃતદેહ ત્યાંથી મળતા રાઠવા પરિવાર પર જાણે આભ તૂટી પડયું હતું. આ વહીવટ કેવો કે મારી ફુલ જેવી માસુમ દીકરી ભણવા મૂકી તેની સંભાળના અભાવે અને તેની સારવાર પણ કરાવી નહીં. જેથી તેનો મૃતદેહ મારે સ્કૂલ કેમ્પસમાંથી થઈને લાવવો પડયો. આ અંગેની નખશીખ તલસ્પર્શી તપાસ કરવા મારી માંગણી છે. તેમ મરનાર જ્યોતિકાના પિતા શૈલેષ રાઠવાએ આક્રોશ પૂર્વક જણાવ્યું છે. સાંજે જ્યોતિકાને અચાનક જ ઊલટીઓ થઈ હતી. ગણતરીના કલાકોમાં જ જ્યોતિકાનું મોત થયું. અમને ગોજારીયા મોડેલ કેમ્પસમાંથી ફેન આવ્યો હતો કે, બે ત્રણ મિત્રોને સાથે લઈને આવો. અમને લાગ્યું કે કદાચ મારી દીકરી બીમાર હશે. જેથી ઇકો કાર ભાડે કરીને મિત્ર મંડળ સાથે અમે ગોજારીયા મોડલ સ્કૂલે ગયા હતા. આમ પણ આવતીકાલે અમારે જ્યોતિકાને દિવાળી પર્વની રજાઓ હોવાને કારણે ઘરે પરત લઈ જવા ગોજારીયા મોડેલ સ્કૂલ કેમ્પસ પર જવાનું જ હતું. બનાવ અંગે શૈલેષભાઇએ ક્વાંટ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેને લઇને મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરીને તેને પિતાને સોપવામાં આવ્યો હતો.


