- આંકલાવાડી આર્ટ ઓફ્ લિવિંગ આશ્રામ ખાતે પ્રાકૃતિક ખેતી અંગે સેમિનાર યોજાયો
- આપણે સૌએ કુદરતી ખેતી દ્વારા પૃથ્વીને બચાવવા આગેવાની લેવી પડશેઃ શ્રી શ્રી રવિશંકર
- રાસાયણિક ખેતીથી જમીનની ફ્ળદ્રુપતા ઘટવાની સાથે ધાન્ય પાકો પણ ઝેરયુક્ત
આણંદ જિલ્લાના આંકલાવડી ખાતે આર્ટ ઓફ્ લિવિંગ આશ્રામ ખાતે આયોજિત નેચરલ એગ્રીકલ્ચર સિમ્પોઝિયમમાં ઉપસ્થિત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પ્રાકૃતિક ખેતીને જીવનનો હિસ્સો બનાવવા અપીલ કરતા જણાવ્યું હતું કે, આજથી 30-40 વર્ષ પહેલા કોઈપણ જાતની ગંભીર બીમારી થતી નહોતી, પરંતુ રાસાયણિક ખેતીથી જમીનની ફ્ળદ્રુપતા ઘટવાની સાથે તેમાંથી ઉત્પન્ન થતાં ધાન્ય પાકો પણ ઝેરયુક્ત બન્યા છે, જેની નાગરિકોના સ્વાસ્થ્ય ઉપર વ્યાપક અસરો થતાં કેન્સર, હૃદયરોગ જેવી અસાધ્ય બીમારીઓનું પ્રમાણ સમાજમાં વધ્યું છે. પ્રાકૃતિક ખેતીના ફાયદાઓ સમજાવતા રાજ્યપાલે ઉમેર્યું હતું કે, રાસાયણિક ખાતરો અને દવાઓના કારણે ગ્લોબલ વોર્મિંગ સતત વધી રહ્યું છે તેવા સમયે પૃથ્વી માતાને બચાવવા માટે કુદરતી ખેતી અસરકારક શસ્ત્ર સાબિત થઈ શકે છે. કુદરતી ખેતી માટે, એક ગ્રામ ગાયના છાણમાં 30 મિલિયન જેટલા સુક્ષ્મ જીવો હોય છે, જેના કારણે બાયોહ્યુમસમાં સૂક્ષ્મ જીવોની સંખ્યા દર 20 મિનિટે બમણી થાય છે. ખેતીમાં આ બાયોહ્યુમસનો ઉપયોગ કરવાથી ન માત્ર ઓર્ગેનિક કાર્બન વધે છે, માટી પણ માટીની ગુણવત્તા સુધારે છે.
આર્ટ ઓફ્ લિવિંગ સંસ્થાના સ્થાપક અને પ્રણેતા શ્રી શ્રી રવિશંકરે જણાવ્યું હતું કે, કુદરતી ખેતી દ્વારા પૃથ્વીને બચાવવા આપણે સૌએ આગેવાની લેવાની છે, રાસાયણિક ખેતીથી જમીનની ફ્ળદ્રુપતા અને ગુણવત્તાને થતા નુકસાનને ઉદાહરણો દ્વારા સમજાવ્યું હતું.


