- દિવાળી ટાણે 2ના મોત
- સુરતમાં જ 2 આધેડોએ ગુમાવ્યા જીવ
- હાર્ટએટેકથી 2ના મોત થયાનું તારણ
સુરતમાં દિવાળીના દિવસે જ હાર્ટએટેકથી 2 લોકોના મોત થયા હોવાની જાણકારી સામે આવી છે, અહીં અઠવા વિસ્તારમાં રહેતા એક 49 વર્ષીય આધેડનું હૃદયરોગના હુમલાથી મોત થયું હોવાનું સામે આવ્યું છે. તો સાથે જ પાંડેસરા અંબિકા નગર ખાતે રહેતા એક વ્યક્તિનું પણ હૃદયરોગથી મોત થયું હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.
આ ઘટનાની વધુ વિગતો પ્રમાણે સુરતમાં 2 લોકોના હાર્ટએટેકથી મોતની માહિતી સામે આવી છે. અઠવા વિસ્તારમાં રહેતા એક 49 વર્ષીય આધેડ જેનું નામ પુષ્પમ જૈન હતું તેમનું હૃદયરોગના હુમલાથી મોત થયું હોવાની જાણકારી મળી હતી. પુષ્પમ જૈન કાપડના વેપારી હતી અને અઠવા વિસ્તારમાં રહેતા હતા. તેઓ ગત બપોરે પોતાના નિવાસે જમીને પોઢ્યા હતા. પરંતુ સાંજ પડી હોવા છતાં લાંબા સમયથી ઉઠ્યા ન હોવાથી પરિવાર દ્વારા તેમને ઉઠાડવામાં આવ્યા છતાં તેઓ ઉઠ્યા નહોતા. આમ ઉંઘમાં જ તેમનું હૃદયરોગના હુમલાના લીધે મોત નીપજ્યાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. આ મામલે પરિવાર દ્વારા 108ને બોલાવવામાં આવી હતી, જેના પછી પરિવારને ખયાલ આવ્યો કે તેમનું ઉંઘમાં જ મોત થઈ ચૂક્યું છે.
મહત્વનું છે કે આવી જ અન્ય એક ઘટના સુરતના પાંડેસરાના 48 વર્ષીય રોશનલાલ હવાસિંઘ સાથે બનવા પામી હતી. રોશનલાલ હરિયાણાના મૂળ નિવાસી હતા અને રોજગારી માટે સુરત આવ્યા હતા. તેઓ પાંડેસરાના અંબિકા નગર ખાતે એકલા જ રહેતા હતા અને ડાયિંગ મિલમાં કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. તેમનું પણ ઉંઘમાં જ અચાનક મોત નીપજ્યું હોવાની માહિતી સામે આવી છે.
આ ઘટનાની વિગતો અનુસાર રોશનલાલ પણ બપોરે સૂઈ ગયા હતા. જેના બાદ તેમને ઉંઘમાં જ હાર્ટએટેક આવ્યો હોય એવું પ્રાથમિક તારણ છે. તેઓ ઉંઘ્યા બાદ ઉઠ્યા નહોતા. તેમને પાડોશીએ જગાડવાના પ્રયાસ કર્યા હતા પરંતુ તેઓ ઉઠ્યા નહોતા. જેના બાદ રોશનલાલનું મોત થયું હોવાની જાણકારી પ્રાપ્ત થઈ હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે જેના પછી મોતનું સાચું તારણ સામે આવી શકે છે. જો કે પ્રાથમિક તારણ અનુસાર આ હાર્ટએટેકની જ ઘટના હોવાનું જણાઈ રહ્યું છે. જે રીતે છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં હાર્ટએટેકના બનાવો વધી રહ્યા છે તે ખરેખર એક ચિંતાજનક બાબત છે. દિવસેને દિવસે વધી રહેલી આ ઘટનાઓથી લોકોમાં ભયનું પ્રમાણ વધી રહ્યું છે.


