- મંદિરોમાં દર્શન-પૂજન, આતશબાજી, દીપમાળ, થકી પર્વનો મહિમા વર્તાયો
- વેપારી-વ્યવસાયિકો દ્વારા શુભમુહૂર્તમાં ચોપડા પૂજનનો આવિર્ભાવ વર્તાયો
- સોમવારે પડતર દિવસ બાદ મંગળવારે બેસતા વર્ષની ઉજવણી કરાશે
આણંદ-ખેડા જિલ્લામાં અંધકાર ઉપર ઉજાસના પર્વની આજે શ્રદ્ધા, ભક્તિ અને ઉલ્લાસપૂર્વક ઉજવણી કરાઈ હતી. શ્રદ્ધાળુઓએ વહેલી સવારથી મંદિરોમાં ઉમટી પડી દેવદર્શન, ઇષ્ટદેવી દેવતાનું ફુલહાર, ધુપ, દિપ, અગરબત્તી, સુગંધિત દ્રવ્યો, પ્રસાદી અર્પણ કરી, ગાય-શ્વાનોને નિરણ, ભિક્ષુકોને અન્નદાન, રોકડ રકમનુ દાન, વસ્ત્રદાન કરી પર્વની શ્રદ્ધામય ઉ જવણી કરી હતી. વેપારી-વ્યવસાયિકોએ શુભમુહૂર્તમાં ચોપડા પુજન કરીને ધંધા-વ્યવસાયમા ઉન્નતિની કામના કરવા ઉપરાંત મોડી સાંજે શ્હેરી-ગ્રામ્યવિસ્તારોમાં ઘરે-ઘરે દિપમાળ, નયનરમ્ય આતશબાજી, મિષ્ટાનોના ભોજન થકી દિપાવલી પર્વની ધાર્મિક સામાજીક મહાત્મ્ય અનુસાર ઉજવણી કરવામા આવી હતી. ત્યારે સોમવારે પડતર દિવસ બાદ મંગળવારે બેસતા પર્વની પુર્ણ ઉમંગ સાથે ઉજવણી કરાશે.
હિન્દુ ધાર્મિક સંસ્કૃત્તિમા મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રી રામે લંકાપતિ રાવણ ઉપર વિજય હાંસલ કર્યા બાદ અયોધ્યામાં પ્રવેશ ટાણે નગરવાસીઓએ ભગવાન શ્રી રામના સ્વાગત માટે પ્રગટાવેલી દિપમાળ, આતશબાજીના કથાનક સાથે સંકળાયેલા દિપાવલી પર્વની રવિવારે સમગ્ર ચરોતરમાં ભક્તિ ઉલ્લાસ અને શ્રદ્ધામય માહોલમાં ઉજવણી કરવામા આવી હતી. અંધકાર ઉપર ઉજાસના પર્વ દિપાવલીને લઇને આસ્થાળુઓ, ગૃહિણીઓએ બ્રહ્મમુર્હુતમાં ઉઠીને મંદિરોમા તેમજ સ્વગૃહે શુભ-સ્ત્રોતો, સ્તવનો સાથે દેવદર્શન-પુજન કરીને આવનારૂ નવુ વર્ષ સુખદાયી, સમૃદ્ધિદાયી, શાંતિદાયી નીવડે તેવી પ્રાર્થના કરી હતી. ચરોતરવાસીઓએ ઘરઆંગણાને રંગોળીથી સજાવી પર્વના મહાત્મ્યને ઉજાગર કરવા ઉપરાંત ભુલકાઓ, યુવાનો, વયસ્કો, યુવતીઓ દ્વારા વહેલી સવારથી જ આતશબાજી કરીને દિપાવલી પર્વના વધામણાં કરી તેમજ વેપારી-વ્યવસાયિકોએ શુભમુર્હુતમાં દેવાદિગણની પ્રતિમા-તસ્વીર સમક્ષ ચોપડા પુજન કરીને વ્યવસાયમાં પ્રગતિની કામના કરી હતી. રહેઠાણો, કેટલાક ખાનગી સંસ્થાનો ઉપર રોશની, ઇલેક્ટ્રીક વિવિધ રંગી બલ્બ, તોરણો, આકર્ષક ઝુમ્મરો, વિન્ડચાઇમ ઉપરાંત મોડી સાંજે ઘરે-ઘરે કરાયેલી દિપમાળે અનોખુ વાતાવરણ સર્જ્યુ હતું. આસ્થાળુઓ દ્વારા દિવસભર દેવદર્શન, ગરીબ, ભિક્ષુકોને અન્નદાન, વસ્ત્રદાન સહિત રોકડ રકમનુ દાન ઉપરાત ગાય-શ્વાન સહિતના પ્રાણીઓને નિરણ-ભોજન કરાવી પુણ્યનો આવિર્ભાવ વર્તાવ્યો હતો. પર્વને લઇને અમુક સ્થળોએ લોકમેળા, પરંપરાગત ધાર્મિક ઉત્સવો, સાંસ્કૃત્તિક કાર્યક્રમોમા પણ શ્રદ્ધાળુઓનો પ્રવાહ ઉમટી પડવા સહિત આતશબાજી સહિત કેટલાક રહીશો દ્વારા નવા વસ્ત્રો, આભુષણો પરિધાન કરી પોતાના સગા-સ્નેહી, સખી, મિત્રોને ઉમળકાભેર મળી દિપાવલી પર્વની શુભકામના પાઠવી હતી.
આણંદ બજારોમાં અંતિમ ઘડીની ખરીદી । દિવાળી પર્વને લઇને છેલ્લા ચાર દિવસથી આણંદ શહેરની ટુંકી ગલી, સ્ટેશન વિસ્તાર, સુપરમાર્કેટ, નગરપાલિકા હોસ્પિટલ, વલ્લભવિદ્યાનગરના નાના બજાર સહિતના વિસ્તરોમાં ગ્રાહકોની તીવ્ર ભીડને લઇને લોકમેળા જેવો માહોલ રચાયો હતો. જેમા સોમવારે પડતર દિવસે મધ્યરાત્રિ સુધી ખરીદીનુ જોર વર્તાઇ રહેશે. જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવોમા વધારો છતાં ઉત્સવપ્રિય ચરોતરવાસીઓ દ્વારા મોટાપાયે ખરીદી કરવામા આવી રહી છે.


