- રિલીફ રોડ પર પકડાયેલી મહિલાની પૂછપરછમાં ભેદ ઉકેલાયો હતો
- મહિલા આરોપી કેસ દરમિયાન મૃત્યુ પામતા તેમને એબેટ કરાયાં હતાં
- એનસીબીના અધિકારીઓએ જુહાપુરાથી ઈકબાલ મન્સુરીને ઝડપી લીધો હતો
શહેરના રિલીફ રોડ ઉપરથી પાંચ વર્ષ પહેલા 9 કિલો 866 ગ્રામ ચરસના જથ્થા પકડાયેલા નસરુદ્દીન રહીમુદ્દીન શેખ અને ઈકબાલ હુસેન મન્સુરીને એનડીપીએસના ખાસ જજ જે.એમ.બ્રહ્મભટ્ટે ગુનેગાર ઠરાવીને દસ વર્ષની સખ્ત કેદની સજા અને દરેક આરોપીને એક લાખ રૂપિયા દંડ ફટકાર્યો છે.
એનસીબીના અધિકારીઓએ મળેલી બાતમીના આધારે ગત તા.14-2-2018ના રોજ રિલીફ રોડ કિનારા હોટેલ પાસેથી પસાર થતી મહિલા તબ્બસુમની તલાશી લેતા સાત કિલો જેટલો ચરસનો જથ્થો મળ્યો હતો. જેની પૂછપરછ કરતા ચરસનો જથ્થો ઈકબાલ મન્સુરીને આપવાનો હોવાનું કબૂલ કરતા એનસીબીના અધિકારીઓએ જુહાપુરા જઈને ઈકબાલ મન્સુરીને ઝડપી લીધો હતો. તેના ઘરેથી પણ વધુ બે કિલો ચરસનો જથ્થો પકડાયો હતો. આ પછી તપાસમાં નસરુદ્દીન શેખનું નામ ખુલતા તેની ધરપકડ કરીને પુરાવા એકઠા કરીને કોર્ટમાં ચાર્જશીટ મુકયું હતુ. જે કેસ ચાલતા એનસીબીના ખાસ એડવોકેટ અખિલ દેસાઈએ છ સાક્ષીઓ અને 51 દસ્તાવેજોના આધારે કેસ પુરવાર કરીને કોર્ટને જણાવ્યું હતું કે, આરોપીઓ પાસેથી કોમર્શિયલ ક્વોન્ટીટીમાં ચરસનો જથ્થો મળી આવ્યો હોવાનું પુરવાર થયું છે ત્યારે બન્ને આરોપીઓને મહત્તમ સજા ફટકારવી જોઈએ. ત્યારબાદ કોર્ટે બન્ને આરોપીઓને ગુનેગાર ઠરાવીને દસ વર્ષની કેદ અને એક લાખ દંડ ફટકાર્યો છે.


