- ડીસા પાસે કેનાલમાં ગાબડું
- લોકોના પાક પાણીમાં વહી ગયા
- 25 એકર જમીનમાં પાકને નુકસાન
બનાસકાંઠા જિલ્લાના ડીસા નજીક કેનાલમાં એક ગાબડું પડતા ખેડૂતોને ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. અહીં 25 એકર જમીનમાં લોકોના પાકને ઘણું નુકસાન થયું છે.
મહત્વનું છે કે સીપુ ડેમમાંથી છોડવામાં આવેલા પાણીના કારણે લોકોના પાકને ઘણું નુકસાન થયું છે. આ બનાવની વિગત પ્રમાણે વિઠોદર નજીક આવેલી એમડી 1 કેનાલમાં ગાબડું પડતા પાણી સીધું ખેતરોમાં ઉતરી આવ્યું હતું અને ત્યાંજ જમા થવા લાગ્યું હતું. જેના લીધે ખેડૂતોના ઉભા પાક પર પાણી ફરી વળ્યા હતા. એક માહિતી પ્રમાણે આ ઘટનાના લીધે લગભગ 25 એકર જમીનમાં ઉભેલો પાક પ્રભાવિત થયો છે. જેમાં રાયડો, એરંડા અને ઘંઉ સહિતનો પાક સામેલ છે.
હાલમાં આ વિસ્તારમાં કેનાલમાં ગાબડું પડી જવાથી પશુઓ માટે ઉગાડવામાં આવતા ઘાસચારાનું પણ પાણીમાં પલળી જતાં નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. આ મામલે સિંચાઈ વિભાગની કામગીરી શંકાના ઘેરામાં આવી ગઈ છે. ખેડૂતો સહિતના સ્થાનિકો સિંચાઈ વિભાગની કામગીરી પર સવાલો ઉભા કરી રહ્યા છે. આ ગાબડાથી કેનાલની કામગીરીમાં મસમોટો ભ્રષ્ટાચાર આચરાયો હોવાની ગંધ લોકોને આવી રહી છે. જેને લઈને પણ લોકોમાં રોષનો માહોલ છે.
હાલ આ મામલે હવે તો આગળ તંત્ર દ્વારા કોઈ તપાસ કરવામાં આવશે કે કેમ અને આ કાંડના કસૂરવારોમાં કોની જવાબદારી નક્કી કરવામાં આવશે અને જેની જવાબદારી નક્કી કરાશે તેની વિરુદ્ધમાં શું પગલા લેવાશે તેની જાણ તો તંત્ર દ્વારા જ મળી શકશે. પરંતુ ત્યાં સુધીમાં એક વાત તો ચોક્કસ જ છે કે અહીં ભ્રષ્ટાચારની મલાઈ ભલે અમુક લોકો ખાય પરંતુ તેના વાંકે ભોગવવાનું હંમેશા ગરીબ ખેડૂતોને જ આવે છે.


