- મેચ દરમિયાન વધારાની બસો દોડશે
- 91 વધારાની BRTS દોડાવવાનો નિર્ણય
- 119 AMTSની બસો દોડાવાશે
અમદાવાદમાં ફાઈનલ મેચ દરમિયાન લોકોને ટ્રાફિકની તકલીફ ન થાય તે માટે અમદાવાદ મનપાએ વધારાની AMTS-BRTS બસો દોડાવવાનો નિર્ણય લીધો છે.
અમદાવાદમાં 19 નવેમ્બરે ક્રિકેટ વર્લ્ડકપની ફાઈનલ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાવા જઈ રહી છે. આ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. ફાઈનલ પહેલા જ અમદાવાદ શહેરમાં મેચનો રોમાંચ નજરે જોઈ શકાય છે. અનેક મોટા સેલેબ્રિટીઝ પણ આ મેચમાં સામેલ થવા આવશે એવી જાણકારી સામે આવી છે. ત્યારે આવી મેચમાં સામાન્ય જનતાને ટ્રાફિકની સમસ્યાની તકલીફ સતાવતી હોય છે. જો કે આ ક્રિકેટ ફેન્સ સરળતાથી મેદાન સુધી પહોંચી શકે તેમજ અન્ય જનતાને પણ તકલીફ ન થાય તે માટે અમદાવાદ મનપાએ વધારાની AMTS-BRTS બસો દોડાવવાનો નિર્ણય લીધો છે.
આ મામલે એક મોટી જાણકારી અનુસાર ક્રિકેટ વર્લ્ડકપની ફાઈનલના દિવસે એટલે કે 19 નવેમ્બરે અમદાવાદમાં કુલ 91 BRTS બસ દોડાવવાનો નિર્ણય લેવાયો છે. જેમાં 45 રેગ્યુલર બસ અને સાથે જ 46 એક્સ્ટ્રા બસો મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત AMTS બસોની ફ્રિકવન્સીમાં પણ વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. AMTSની કુલ 119 બસ મેચ દરમિયાન દોડશે. જેમાં 69 રેગ્યુલર અને નાઈટની 50 બસ એક્સ્ટ્રા મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમની નજીકના BRTS સ્ટેશન મોટેરા ક્રોસ રોડ અને સાબરમતી પોલીસ સ્ટેશન નજીક આવેલા છે. આ બંને સ્ટેશન સુધી બીઆરટીએસની બસોની સેવા મળી શકશે. ફાઈનલ મેચના દિવસે બસ વ્યવસ્થા અને ટ્રાફિક નિયમન માટે કુલ 90 અધિકારીઓનો સ્ટાફ ફરજ પર હાજર રહેશે જેમાં ફિલ્ડ ઓફિસર-2, સિક્યોરીટી ઓફિસર-2, ફિલ્ડ સુપરવાઇઝર-5, ટીકીંટીંગ એક્સ્ટ્રા સ્ટાફ 10, સિક્યોરીટી ગાર્ડ-28, વીજીલન્સ ટીમ-2 સ્ટાફ, બસ સુપરવાઇઝર-7 રહેશે. બસ ઓપરેશન સરળતાથી ચાલે અને બસ મુસાફરોની સગવડતા ખાતર કન્ટ્રોલ રૂમ ખાતે ઓપરેશન વિભાગના ફિલ્ડ સ્ટાફને હાજર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.


