- બોર્ડનું પરીક્ષા માળખું બદલાતાં નવા પરિરૂપ મુજબ પ્રશ્નપત્રો તૈયાર થશે
- એક વિષયના અંદાજે 10 પેપર તૈયાર કરાય, જેમાંથી રેન્ડમલી એકની પસંદગી
- ધોરણ.10માં કુલ 35 વિષયની પરીક્ષા લેવામાં આવે છે
ધોરણ.10 અને 12ની બોર્ડની પરીક્ષાના માળખામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે અને તે પ્રમાણે બોર્ડ દ્વારા નવા પ્રશ્નપત્રના પરિરૂપ પણ પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યાં છે. જોકે બોર્ડની પરીક્ષા આડે હજુ ચાર મહિના બાકી છે પરંતુ પ્રશ્નપત્રો તૈયાર કરવાની ખાનગી કામગીરી અત્યારથી જ શરૂ કરી દેવામાં આવી હોવાનું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે. રાજ્યના નિષ્ણાંત શિક્ષકો મારફતે ધોરણ.10 અને 12ના અંદાજે 98 જેટલા પ્રશ્નપત્ર તૈયાર કરવામાં આવશે. સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ એક વિષયના 10 જેટલા સેટ તૈયાર કરાતાં હોય છે જેમાથી ચેરમેન દ્વારા રેન્ડમલી એક પેપરની બંધ કવરમાં પસંદગી કરવામાં આવતી હોય છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં ધોરણ.12 સાયન્સમાં મુખ્ય ચાર વિષય ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, જીવવિજ્ઞાન અને ગણિત તેમજ ગુજરાતી, અંગ્રેજી, હિન્દી સહિતની પ્રથમ અને દ્વિતિય ભાષાના મળીને 15 એમ કુલ 19 વિષયની પરીક્ષા લેવામાં આવે છે. આ સિવાય ધોરણ.10માં કુલ 35 વિષયની પરીક્ષા લેવામાં આવે છે, જેમાં ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન સહિત ગુજરાતી, અંગ્રેજી, હિન્દી સહિતના વિષયની ભાષાના મળી 21 અને 14 વોકેશનલ વિષયનો સમાવેશ થાય છે. ધોરણ.12 સામાન્ય પ્રવાહમાં જુદા જુદા કુલ 44 વિષયની પરીક્ષા લેવામાં આવે છે. જોકે આ વખતે બોર્ડના પરિરૂપમાં મોટો ફેરફાર થયો છે, જેથી અગાઉના વર્ષોના પ્રશ્નપત્રનો આ વખતે માર્ગદર્શન માટે પણ ઉપયોગ શક્ય નથી. આ સિવાય ધોરણ.10 અને 12ના અભ્યાસક્રમમાં પણ મોટો ઘટાડો થયેલો છે. ગણિત-વિજ્ઞાન જેવા મહત્વના વિષયોમાં મોટી સંખ્યામાં પ્રકરણો હટાવી દેવામાં આવ્યાં છે. જેથી નવા ઘટાડેલા અભ્યાસક્રમ અને નવા પરિરૂપ મુજબ નિષ્ણાંત શિક્ષકો મારફતે બોર્ડના પ્રશ્નપત્રો તૈયાર કરવાની ખાનગી કામગીરી શરૂ થઈ હોવાનું જાણવા મળ્યું છે.


