- AMC હરાજી મારફતે પાંચ પ્લોટ વેચીને રૂ. 800 કરોડની આવક ઉભી કરવાનો અંદાજ
- AMCની વેબસાઈટ પર તે અંગેની માહિતી અપલોડ કરવામાં આવશે
- AMC 2,000 ચો.મી. સુધીના નાના પ્લોટોની પણ હરાજી કરશે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં 8 પ્લોટનું ઈ- ઓક્શન કરવામાં આવશે. AMC દ્વારા રેસિડેન્શિયલ અને કોમર્શિયલ હેતુ માટેના પ્લોટની હરાજી મારફતે રૂ. 1,000 કરોડની આવક એકત્રિત કરશે. AMC દ્વારા કુલ 40,326 ચો.મી. ક્ષેત્રફળ ધરાવતા 8 પ્લોટનું ઈ-ઓક્શન મારફતે વેચાણ કરવામાં આવશે. આ હેતુસર અપસેટ વેલ્ય નક્કી કરવામાં આવી છે અને ટૂંક સમયમાં ટેન્ડર પ્રોસેસ હાથ ધરવામાં આવશે. AMC દ્વારા બોડકદેવ વોર્ડમાં FP- 387માં આવેલા 4,626 ચો.મી.ની પ્લોટની હરાજી માટે સૌથી વધુ અપસેટ વેલ્ય ચો.મી. દીઠ રૂ. 2,89,000 નક્કી કરવામાં આવી છે. બોડકદેવ વોર્ડમાં કોમર્શિયલ હેતુ ધરાવતા કુલ ત્રણ પ્લોટની હરાજી કરવામાં આવશે. જે પૈકી બોડકદેવમાં FP – 379/બીના 4,658 ચો.મી. એરિયાના પ્લોટ માટે ચો. મી. દીઠ રૂ. 2,70,000 અને FP – 353ના 13,222 ચો.મી. એરિયાના પ્લોટ માટે ચો.મી. દીઠ રૂ. 2,52,000ની અપસેટ વેલ્ય નક્કી કરવામાં આવી છે. શહેરના જુદા જુદા વિસ્તારોમાં રેસિડેન્શિયલ અને કોમર્શિયલ હેતુ માટેના પ્લોટની હરાજી કરવા માટેની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરવામાં આવી છે. AMC દ્વારા હરાજી મારફતે પાંચ પ્લોટ વેચીને રૂ. 800 કરોડની આવક ઉભી કરવાનો અંદાજ છે. જ્યારે ત્રણ પ્લોટ જેટકો કંપનીને વેચીને રૂ. 200 કરોડની આવક થશે. AMC દ્વારા ઈ-ઓક્શન કરવામાં આવનાર 8 પ્લોટ પૈકી 6 પ્લોટ કોમર્શિયલ હેતુ ધરાવે છે અને 2 પ્લોટ રેસિડેન્શિયલ હેતુ ધરાવે છે.
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, મ્યુનિ. દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ફાઈનલ T. P. સ્કીમ અંતર્ગત AMCને મળેલા પ્લોટોની હરાજી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ તમામ પ્લોટ માટે અપસેટ વેલ્ય નક્કી કરવામાં આવી છે અને અપસેટ વેલ્યૂ સાથેના પ્લોટોની માહિતી આપવામાં આવી છે અને ટુંક સમયમાં ટેન્ડર પ્રોસેસ હાથ ધરીને ઈ- ઓક્શન માટેની તારીખ, સમય, વગેરે વિગતો સહિતની જાહેર ખબર પ્રસિદ્ધ કરાશે અને AMCની વેબસાઈટ પર પણ તે અંગેની માહિતી અપલોડ કરવામાં આવશે. AMC દ્વારા નક્કી કરાયેલી અપસેટ વેલ્ય (મિનિમમ રેટ)થી વધુ ભાવ કે રેટ ઓફર કરવા તૈયાર થાય તે પાર્ટીને હરાજી મારફતે પ્લોટ વેચવામાં આવશે.
AMC 2,000 ચો.મી. સુધીના નાના પ્લોટોની પણ હરાજી કરશે
શહેરના જુદા જુદા વિસ્તારોમાં AMCને ટાઉન પ્લાનિંગ સ્કીમમાં નિયમ મુજબ 40 ટકા કપાત અંતર્ગત પ્રાપ્ત થયેલા પ્લોટ પૈકી 1,500 ચો.મી.થી 2,000 ચો. મી.નો એરિયા ધરાવતા નાના પ્લોટોની પણ હરાજી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આમ, T.P. સ્કીમમાં FP અંતર્ગત મળેલા નાના પ્લોટોમાં પણ ડેવલપમેન્ટ થઈ શકે તે હેતુસર 1,500 કે 2,000 ચો.મી.નો એરિયા ધરાવતા નાના પ્લોટોની પણ હરાજી કરવામાં આવશે. આ હેતુસર વિગતો મંગાવવામાં આવી છે અને તે અંગે ટૂંક સમયમાં જરૂરી ઔપચારિકતા પૂરી કરીને ઓક્શન કરવામાં આવશે.
T.P.માં ‘અભિપ્રાય’ ઓનલાઈન કરાશેઃ નવું સોફ્ટવેર ડેવલપ કરાશે
ડિજિટલ ઈન્ડિયા અંતર્ગત AMCના જુદા જુદા વિભાગોમાં ઓનલાઈન સિસ્ટમનો અમલ કરવામાં આવી રહ્યો છે. AMCના ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા T. P. સ્કીમ સંબંધિત ‘અભિપ્રાય’ આપવાનું ઓનલાઈન કરવા અંગે સ્ટેન્ડિંગ કમિટીમાં નિર્ણય લેવાયો છે. AMCના ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા T. P. સ્કીમ સંબંધિત ‘અભિપ્રાય’ આપવામાં નોંધપાત્ર વિલંબ થતો હોવાને કારણે ડેવલપર્સ સહિત નાના- મોટા બાંધકામ કરનારાઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે અને આ મામલે અવાર નવાર વ્યાપક ફરિયાદો પણ ઉઠવા પામી છે. આ બાબતને ધ્યાનમાં લઈને AMCના ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા T. P. સ્કીમ સંબંધિત ‘અભિપ્રાય’ આપવાનું ઓનલાઈન કરવામાં આવશે. આ હેતુસર નવું સોફ્ટવેર ડેવલપ કરવામાં આવશે. જેના પરિણામે કોઈપણ T.P. સ્કીમમાં ‘અભિપ્રાય’ આપવામાં થયેલા વિલંબનું કારણ જાણી શકાશે અને તેનો ઉકેલ લાવી શકાશે અને જવાબદાર સામે પગલાં લઈ શકાશે. આ જ પ્રમાણે ફાયર બ્રિગેડ વિભાગમાં પણ ‘અભિપ્રાય’ આપવાનું ઓનલાઈન કરવામાં આવશે.


