- રૂ. 2000ની 97.26 ટકા ચલણી નોટો બેન્કિંગ સિસ્ટમમાં પાછી આવી
- નોટ પાછી ખેંચાઈ ત્યારે 3.56 લાખ કરોડની 2000ની નોટ ચલણમાં હતી
- એક તબક્કે રૂ. 20,000 સુધીની 2000ની નોટો બદલી શકાશે
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) એ શુક્રવારે જણાવ્યું હતું કે દેશમાં ચલણમાંથી પાછી ખેંચવામાં આવેલી રૂ.2000ની 97.26 ટકા નોટો બેન્કિંગ સિસ્ટમમાં પાછી આવી છે. જો કે હજી રૂ. 9760 કરોડનાં મૂલ્યની નોટો બેન્કોમાં પાછી આવવાની બાકી છે. આરબીઆઈ દ્વારા 19મી મે 2023નાં રોજ જ્યારે રૂ. 2000ની નોટો ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરાઈ ત્યારે માર્કેટમાં રૂ. 3.56 લાખ કરોડની નોટો ચલણમાં હતી. હવે 30મી નવેમ્બર સુધીમાં 9760 કરોડ મૂલ્યની નોટો બેન્કોમાં જમા કરાવાઈ નથી. સરકારે ભૂતકાળમાં જ્યારે નોટબંધી જાહેર કરી તે પછી રૂ. 2000ની નોટો ચલણમાં મૂકવામાં આવી હતી. આ નોટોને બેન્કોમાં જમા કરાવવાની કે બદલવાની છેલ્લી તારીખ 7મી ઓક્ટોબર હતી. આરબીઆઈએ વર્ષ 2018-19થી રૂ.2000ની નોટોનું પ્રિન્ટિંગ બંધ કર્યું છે. વર્ષ 2021-22માં રૂ.38 કરોડનાં મૂલ્યની રૂ.2000ની નોટોનો નાશ કરાયો હતો.
RBIની 19 ઓફિસોમાં જ હવે નોટો જમા કરાવી શકાશે
આરબીઆઈએ જણાવ્યું હતું કે રૂ. 2000ની નોટો હજી લીગલ ટેન્ટર તરીકે અમલમાં ચાલુ છે. બેન્કોમાં નોટો જમા કરાવવાની છેલ્લી તારીખ વિત્યા પછી હવે RBIની 19 ઓફિસોમાં જ તેને જમા કરાવી શકાશે કે બદલી શકાશે. એક તબક્કે રૂ. 20,000 સુધીની 2000ની નોટો બદલી શકાશે. જો કોઈ વ્યક્તિ તેનાં બેન્ક ખાતામાં રૂ.2000ની નોટો જમા કરાવવા માંગતી હોય તો ગમે તેટલી નોટો RBIની ઈશ્યૂ ઓફિસમાં જમા કરાવી શકાશે. ઈન્ડિયા પોસ્ટ દ્વારા પણ રૂ.2000ની નોટો આરબીઆઈને મોકલી શકાશે.


