- છેલ્લા 5 વર્ષમાં શેરી શ્વાન ની વસ્તી ઘટી છે
- શેરી શ્વાન અંગે સુપ્રીમ કોર્ટની ગાઈડ લાઇન મુજબ કામગીરી
- શ્વાનની અંદર થતા ફેરફારથી શ્વાન આક્રમક બની શકે
રાજકોટ શેરી શ્વાન કરડવાની ઘટના બાદ મનપા તંત્ર જાગ્યું છે. જેના મામલે મનપા તંત્ર દ્વારા શેરી શ્વાન અંગે સુપ્રીમ કોર્ટની ગાઈડ લાઇન મુજબ કામગીરી શરૂ કરવામાં આવી છે. આ માટે ખસીકરણ અને હડકવા વિરોધી રસી આપવામાં આવી રહી છે. આ અંગે રાજકોટ વેટરનરી ડૉક્ટરે સંદેશ ન્યૂઝ સાથે વાતચીત કરી હતી.
મનપાના અધિકારીએ જણાવ્યું કે, છેલ્લા 5 વર્ષમાં શેરી શ્વાનની વસ્તી ઘટી છે. શ્વાનની અંદર થતા ફેરફારથી શ્વાન આક્રમક બની શકે છે. દર વર્ષે રાજકોટમાં 10 હજારથી વધુ શ્વાનનું ખસીકરણ કરવામાં આવે છે. હાલ શહેરના અલગ અલગ વિસ્તારોમાં 45000 થી વધુ શેરી શ્વાન છે. જે પ્રમાણ અગાઉ વાર્ષિક 14000 ડોગ બાઈટના કેસ જોવા મળતા હતા.જે હાલ વાર્ષિક 10,000 સુધી પહોંચ્યા છે.
આ ઉપરાંત રાજકોટ શહેરમાં છેલ્લા પાંચ વર્ષમાં અલગ અલગ નવા વિસ્તારોનો વધારો થયો છે. દર વર્ષે એક કરોડથી વધુનું બજેટ ખસી કરણ માટે મનપા દ્વારા ફાળવવામાં આવે છે. સાથે જ હડકવા વિરોધી રસી પણ આપવામાં આવે છે. છેલ્લા 10 વર્ષમાં શેરી શ્વાનની વસ્તીમાં ઘટાડો થયો છે. અલગ અલગ પાંચ નવા વિસ્તાર નો ઉમેરો થયો છે જેને લઈને ગ્રામીણ શ્વાન પણ શહેરી વિસ્તારમાં આવ્યા છે.
જ્યારે બીજી તરફ સુપ્રીમ કોર્ટના નિયમ અનુસાર શ્વાનને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડી શકાતા નથી. હાલ પણ રાજકોટ શહેરમાં 2 જગ્યાએ શ્વાન વ્યંધિકરણની કામગીરી ચાલી રહી છે. શહેરમાં ખરેખર કેટલા શ્વાન એ કહેવું મુશ્કેલ છે. સરેરાશ એક સોસાયટી દીઠ અંદાજિત 12 થી 15 શ્વાન હોવાનો અંદાજ સામે આવી રહ્યો છે.


