- રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીની પ્રતિમાનુ અનાવરણ
- રાજનાથ સિંહના હસ્તે કરવામાં આવ્યુ પ્રતિમાનું અનાવરણ
- કોંગ્રેસની સરકાર પર કર્યા પ્રહાર
રક્ષા મંત્રી રાજનાથ સિંહે રવિવારે રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આ દરમિયાન ગાંધી સ્મૃતિમાં આયોજિત કાર્યક્રમમાં રાજનાથ સિંહે કહ્યું હતું કે ‘આ ખૂબ જ આનંદની વાત છે કે આજે તેમના સમાધિસ્થળ રાજઘાટ પર મહાત્મા ગાંધીની આજીવન પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે. મહાત્મા ગાંધીની પ્રતિમા સમગ્ર વિશ્વમાં અસંખ્ય સ્થળોએ સ્થાપિત છે પરંતુ હવે તેમની સમાધિ ખાતે વિશાળ પ્રતિમાનું અનાવરણ એક મહત્વપૂર્ણ બાબત છે.
પહેલાની સરકારો ગાંધીજીની વિચારધારાને ભૂલી ગઇ
રાજનાથ સિંહે કહ્યું કે મને લાગે છે કે અગાઉની તમામ સરકારો મહાત્મા ગાંધીની વિચારધારાને ભૂલી ગઈ હતી. હું આ માટે આપણા બધા વતી પીએમ મોદીનો આભાર માનું છું. પીએમ મોદીએ જ મહાત્મા ગાંધીની વિચારધારાને પોતાના જીવનમાં લાગુ કરી અને લોકોની સેવા કરી. પીએમ બન્યા પછી તેમણે સૌથી પહેલું કામ ‘સ્વચ્છ ભારત’નું કર્યું. મહાત્મા ગાંધીએ જ સ્વચ્છતાની વાત કરી હતી.
દલિત સન્માન સમારોહમાં રહ્યા હાજર
કાર્યક્રમ દરમિયાન દલિત સન્માન સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન તેમણે રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને બીજેપીના અન્ય વરિષ્ઠ નેતાઓ સાથે દલિત સન્માન સમારોહમાં પણ ભાગ લીધો હતો. ભાજપના નેતાઓએ દલિતો સાથે ભોજન પણ કર્યું હતું.


