- ઇચ્છામૃત્યુની માગ સાથે CJI ડી. વાય. ચંદ્રચૂડને લખેલો પત્ર વાઇરલ
- અલ્હાબાદ HCના રજિસ્ટ્રાર જનરલ પાસેથી સ્ટેટસ રિપોર્ટ માગ્યો
- ઉત્તરપ્રદેશના બાંદા જિલ્લામાં તહેનાત મહિલા જજે સીજેઆઇને લખેલા પત્રમાં દાવો કર્યો
ઉત્તરપ્રદેશના એક મહિલા સિવિલ જજે રાજ્યના એક ડિસ્ટ્રિક્ટ જજ સામે જાતીય ઉત્પીડનના આરોપ સાથે સીજેઆઇ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડને પત્ર લખી ઇચ્છામૃત્યુની માગ કરી હતી. તેમનો આ પત્ર સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. સીજેઆઇ ચંદ્રચૂડે સમગ્ર પ્રકરણની ગંભીર નોંધ લેતાં સુપ્રીમ કોર્ટના સેક્રેટરી જનરલ અતુલ કુરહેકરને અલ્હાબાદ હાઇકોર્ટના રજિસ્ટ્રાર જનરલને પત્ર લખી મહિલા જજની તમામ ફરિયાદો અંગેનો સ્ટેટસ રિપોર્ટ માગવા સૂચના આપી હતી. તદનુસાર સુપ્રીમ કોર્ટના સેક્રેટરી જનરલે અલ્હાબાદ હાઇકોર્ટના રજિસ્ટ્રાર જનરલ પાસેથી સ્ટેટસ રિપોર્ટ માગ્યો છે. ઉત્તરપ્રદેશના બાંદા જિલ્લામાં તહેનાત મહિલા જજે સીજેઆઇને લખેલા પત્રમાં દાવો કર્યો હતો કે બારાબંકીમાં પોસ્ટિંગ દરમિયાન એક ડિસ્ટ્રિક્ટ જજ અને તેમના મળતિયાઓએ તેમનું માનસિક અને શારીરિક શોષણ કર્યું હતું. તદુપરાંત, ડિસ્ટ્રિક્ટ જજે તેમના પર રાત્રે મળવા પણ દબાણ કર્યું હતું.
મહિલા જજે પત્રમાં શું લખ્યું હતું?
મહિલા જજે સીજેઆઇ ચંદ્રચૂડને પાઠવેલા પત્રમાં લખ્યું હતું કે મારી સાથે અત્યંત ખરાબ વ્યવહાર કરાયો. મારું જાતીય શોષણ કરાયું. મને આશા હતી કે હું અન્યોને ન્યાય અપાવીશ. હું કેટલી ભોળી હતી. આ વર્ષે જુલાઇમાં હાઇકોર્ટની આંતરિક ફરિયાદ સમિતિ સમક્ષ મારી ફરિયાદ બાદ તપાસ આરંભાઇ હતી પણ તપાસની આખી પ્રક્રિયા સંપૂર્ણ ફારસ બની રહી. કોઇએ મને એક વખત પણ ના પૂછયું કે હું કેમ પરેશાન છું? તપાસમાં સાક્ષીઓ ડિસ્ટ્રિક્ટ જજના હાથ નીચેના માણસો હતા, જેઓ તેમના ઉપરી સામે ક્યાંથી જુબાની આપવાના? તપાસ ચાલે ત્યાં સુધી ડિસ્ટ્રિક્ટ જજની ટ્રાન્સફર કરવાની મારી વિનંતી પણ ન સ્વીકારાઇ.


