- શું ખરેખર કોઈ પત્રને પોતાના સરનામે પહોંચતા 80 વર્ષ લાગે?
- ઇલિનોઇસના દંપત્તિને મળ્યો 1943માં તેમના કઝીને લખેલો પત્ર
- 80 વર્ષ પોસ્ટ ઓફિસમાં પડી રહ્યો પત્ર, એક કર્મચારીએ સાચું સરનામું શોધ્યું
આજના જમાનામાં કોઈને લેટર કે પોસ્ટકાર્ડ મોકલવું એ સામાન્ય બાબત નથી. પરંતુ વર્ષો પહેલા, તે કોમ્યુનિકેશનના સૌથી મહત્વના માધ્યમોમાંની એક હતી. વિશ્વના વિવિધ ભાગોમાંથી લોકો એકબીજાને પત્રો મોકલતા હતા. કેટલીકવાર આ પત્રો સમયસર ડિલિવર થઈ જતાં તો કેટલીકવાર તેમાં વિલંબ થતો. પણ ક્યાં સુધી? શું કોઈ પત્રને યોગ્ય સરનામે પહોંચવામાં 80 વર્ષ લાગી શકે છે? હકીકતમાં, તાજેતરમાં જ અમેરિકાના ડેકાલ્બમાં આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
80 વર્ષ પછી મળ્યો પત્ર
1943માં ઇલિનોઇસના એક દંપતીને મોકલેલો પત્ર 80 વર્ષ બાદ પોસ્ટ ઓફિસમાંથી મળી આવ્યો હતો અને પરિવારના સભ્યને સોંપવામાં આવ્યો હતો. આ પત્ર લુઈસ અને લવેના જ્યોર્જ માટે હતો. જ્યારે તે અચાનક પોસ્ટ ઓફિસમાં પડેલો જોવા મળ્યો, ત્યારે ત્યાંના એક કર્મચારીએ જ્યોર્જ પરિવારને શોધવાનું નક્કી કર્યું. આખરે તેણીએ આ પત્ર પોર્ટલેન્ડ, ઓરેગોનમાં રહેતા જ્યોર્જ પરિવારના સંબંધી ગ્રેસ સાલાઝારને આપ્યો.
તેણે અપત્ર લુઈસ અને લવેના જ્યોર્જની પુત્રી જેનેટ જ્યોર્જને આપ્યો. પત્ર મળ્યા બાદ જેનેટ જ્યોર્જે એક ચેનલને કહ્યું હતું કે, “અચાનક અમારી સામે એક ખૂબ જ જૂનો પત્ર આવી ગયો, તે વિશ્વાસની બહાર છે. આ જોઈને બધાને નવાઈ લાગી. અમે વિચારતા હતા કે આ અચાનક ક્યાંથી આવ્યો”.
પત્ર ખોલ્યો તો સામે આવ્યું મોટું રહસ્ય
પત્ર ખોલતા અમને ખબર પડી કે 1943માં પોસ્ટ કરાયેલો પત્ર જેનેટના માતા-પિતાને તેના એક પિતરાઈ ભાઈએ લખ્યો હતો. પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાં લખ્યું હતું કે, તમારી પ્રથમ પુત્રી એવલિનનું સિસ્ટિક ફાઈબ્રોસિસથી મૃત્યુ થયું એનું અમને દુઃખ છે. જેનેટ જ્યોર્જે કહ્યું, ‘મને આટલા દાયકાઓ સુધી ખબર ન હતી કે મારા માતા-પિતાએ મારા પહેલાં એક બાળક ગુમાવ્યું છે. હું તેને લઈને ભાવુક થઈ ગઈ હતી. મારુ કહેવું છે કે બાળક ગુમાવવું હંમેશા ભયાવહ હોય છે. તેનાથી મને મારા માતા-પિતાના દુઃખ અને મારા જન્મ પહેલાં જ મારા પરિવારને જે નુકસાન થયું હતું તેનો અહેસાસ કરાવ્યો.”
જ્યોર્જ પરિવારને શોધી કાઢનાર પોસ્ટ ઓફિસના કર્મચારીએ જણાવ્યું હતું કે આ પત્ર પોસ્ટ ઓફિસમાં આટલા લાંબા સમયથી પડ્યો હતો કારણ કે પોસ્ટલ એડ્રેસ પર રસ્તાનું નામ હતું, પરંતુ ઘરનો નંબર ન હતો.


