- વિશ્વભરના હિંદુઓ માટે ઉત્સવની તક : ન્યૂયોર્ક મેયર
- ન્યૂયોર્કના ટાઇમ્સ સ્ક્વેરમાં 22 જાન્યુઆરીએ અયોધ્યા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું જીવંત પ્રસારણ
- અમેરિકાની ન્યૂયોર્ક સિટીમાં પણ માતાની ચોકીનું આયોજન થયું હતું
અયોધ્યામાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠા પ્રસંગને મુદ્દે ભારત ઉપરાંત વિશ્વભરમાં વસી રહેલા હિંદુઓમાં ખુશીનો માહોલ છે. 22 જાન્યુઆરીએ પ્રાણપ્રતિષ્ઠા પહેલાં અમેરિકાની ન્યૂયોર્ક સિટીમાં પણ માતાની ચોકીનું આયોજન થયું હતું. કાર્યક્રમમાં ન્યૂયોર્ક સિટીના મેયર એરિક એડમ્સ અને આંતરરાષ્ટ્રીય બાબતોના નાયબ કમિશનર દિલીપ ચૌહાણ પણ ઉપસ્થિત રહ્યા હતા. મેયર ગીતા મંદિરમાં આયોજિત માતાની ચોકી કાર્યક્રમમાં પહોંચ્યા હતા.
રામમંદિર ઉદ્ઘાટનની વાત કરતાં મેયર એરિક એડમ્સે મીડિયાને પ્રતિક્રિયા આપી હતી કે, ‘જો આપણે ન્યૂયોર્કના હિંદુ સમુદાયની વાત કરીએ તો આ પ્રસંગ તેમના માટે ખૂબ જ મહત્ત્વનો છે. ન્યૂયોર્કમાં હિંદુ વસતી મોટા પ્રમાણમાં છે. આ પ્રસંગ તેમને ઉત્સવ મનાવવાની અને આધ્યાત્મિકતામાં ઉપર ઉઠવાની તક આપે છે.’
ઉલ્લેખનીય છે કે એરિક એડમ્સ મેયરના સ્વરૂપમાં બિનસાંપ્રદાયિક મૂલ્યોમાં વિશ્વાસ ધરાવતા રહ્યા છે. આ પહેલાં તેમણે દિવાળી પ્રસંગે ન્યૂયોર્કમાં જાહેર રજાની જાહેરાત કરી દીધી હતી. ન્યૂયોર્કનો હિંદુ સમુદાય લગભગ બે દાયકાથી દિવાળી પ્રસંગે જાહેર રજાની માગણી કરી
રહ્યો હતો.
રામમંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રો કહ્યું કે હંગામી મંદિરમાં બિરાજેલા રામલલા 21 જાન્યુઆરીના રોજ નવા મંદિરમાં પહોંચી જશે. તે દિવસે ભક્તોને દર્શનનો લાભ નહીં મળે. અચલ મૂર્તિની સોનાના સિંહાસન પર કમલ આસન પર પ્રતિષ્ઠા થશે. તેની બરોબર સામે સોનાના સિંહાસન પર બિરાજમાન રામલલા ચારેય ભાઈ સાથે બિરાજમાન રહેશે. રોજ બંને મૂર્તિની પૂજા થશે.
ઉલ્લેખનીય છે કે 22 જાન્યુઆરીએ રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા પ્રસંગનું સીધું પ્રસારણ દેશમાં જ નહીં પણ વિદેશમાં પણ થવાનું છે. અમેરિકાના ન્યૂયોર્ક શહેરના જાણીતા ટાઇમ્સ સ્ક્વેરમાં પણ તેનું સીધું પ્રસારણ થશે.


