સવારે ઝુલેલાલ મંદિરે દર્શન કર્યા : ચેટીચાંદ મહોત્સવમાં જોડાયા : બે દિવસના ભરચક્ક પ્રચાર કાર્યક્રમો
ગત શનિવારે સાંજે રાજકોટમાં પ્રચાર કાર્ય પૂર્ણ કરી સુરત અને તામિલનાડુના પ્રવાસે ગયેલા ભારતીય જનતા પાર્ટીના રાજકોટના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા આજે પરત આવી ગયા છે અને જોરશોરથી ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે. તેમણે આજે સવારે સિંધી સમાજના ઝુલેલાલ મંદિર ખાતે દર્શન કરી ચેટીચાંદ મહોત્સવમાં સિંધી ભાઇઓ સાથે જોડાયા હતાં. સિંધી સમાજના ગુરૂ પાસેથી આર્શિવાદ પણ મેળવ્યા હતાં. તેમની સાથે ભારતીય જનતા પાર્ટીના અનેક અગ્રણી રામભાઇ મોકરીયા, મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ સહિતના હાજર રહ્યા હતા.
આવતીકાલથી વોર્ડ નં.૪, પ, ૭માં પરશોત્તમ રૂપાલાનો જનસંપર્ક, બેઠકો અને લોકપ્રચાર શરૂ થનાર છે. શહેર ભાજપના કાર્યાલય મંત્રી હરેશ જોશીના જણાવ્યા મુજબ પરશોત્તમ રૂપાલા આજે સવારથી ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે. તેમણે ઝુલેલાલ મંદિરે દર્શન કર્યા બાદ ચેટીચાંદ મહોત્સવમા ભાગ લીધો હતો અને સિંધી સમાજને ચૈત્રી નવા વર્ષની શુભકામનાઓ પણ પાઠવી હતી. તેમના દિવસ દરમિયાન પણ અનેક સંપર્ક કાર્યક્રમો છે. તેઓ સુરત અને દ.ભારતના પ્રવાસમાંથી પરત આવ્યા બાદ વધુ જોરશોરથી પ્રચારમાં લાગી ગયા છે.


