ફોર્મ ભરવા માટે સેંકડોની મેદની ઉમટી
ભાજપ સમર્થિત ક્ષત્રિય નેતાઓ પણ જોડાયા
માઇ મંદિર અને જાગનાથ મંદિરના દર્શન કરી શુભમુહૂર્તમાં ઉમેદવારીપત્ર આપ્યું
રાજકોટમાં આજે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના ઉમેદવારીપત્ર ભરવાના પ્રસંગને ભારતીય જનતા પાર્ટીએ શકિત પ્રદર્શનમાં પલ્ટી નાખ્યો હતો. રૂપાલાના સમર્થનમાં ન માત્ર રાજકોટથી પરંતુ સમગ્ર જિલ્લામાંથી મોટી સંખ્યામાં સમર્થકો ઉમટી પડયા હતા. કેસરીયા વાઘા અને ભાજપની ખેસ સાથે ઉમટી પડેલા ટેકેદારોથી રાજકોટમાં રેસકોર્ષની આસપાસના એક થી બે કિ.મી.ના વિસ્તારમાં સવારના ભાગે ટ્રાફિક જામ થઇ ગયો હતો. બહુમાળી ભવન ખાતે ઉભા કરાયેલા શમીયાણામાં રૂપાલાના સમર્થનમાં વિજય વિશ્ર્વાસ સભા યોજાઇ હતી. જેમાં ભાજપના ટોચના નેતાઓ વજુભાઇ વાળા, વિજય રૂપાણી, આર.સી.ફળદુ, ડો. ભરત બોઘરા, રામભાઇ મોકરીયા, કેસરીદેવસિંહ ઝાલા, મોહન કુંડારીયા, મંત્રી ભાનુબેન બાબરીયા, ઉદય કાનગડ, ડો.દર્શિતા શાહ, રમેશભાઇ ટીલાળા, વાંકાનેરના ધારાસભ્ય જીતુ સોમાણી, કુંવરજી બાવળીયા, પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં તેમજ હજારોની સંખ્યામાં ટેકેદારોએ જયશ્રી રામના નાદથી વાતાવરણ ગુંજાવી દીધુ હતું. શુભ ચોઘડિયામાં પરસોતમ રૂપાલા ભાજપના અધિકૃત ઉમેદવાર તરીકે નામાંકન રજૂ કર્યુ હતું. ભાજપના ડમી ઉમેદવાર તરીકે મોહન કુંડારિયા ફોર્મ ભર્યુ હતું. અર્થાત્ કોઈ પણ સંજોગોમાં રુપાલાનું ફોર્મ રદ થાય કે પાછુ ખેંચાય તો કુંડારિયાર્ને ઉમેદવારી પદની લોટરી લાગી શકે છે.
આજે સવારે ૯ વાગ્યે અહીંના યાજ્ઞિક રોડ પર આવેલા જાગનાથ મહાદેવ મંદિર ખાતે ભાજપના નેતાઓ ચૂસ્ત પોલીસ રક્ષણ સાથે એકત્ર થયા હતા અને ત્યાંથી ભાજપના આ ઉમેદવારનું વિજય વિશ્વાસ સરઘસ કાઢીને સભા ફેરવાયું હતું. ત્યાંથી કલેક્ટર કચેરીએ જઈને રૂપાલા જ ઉમેદવાર તરીકે નામાંકન રજૂ કર્યુ હતું અને કુંડારિયા ડમી ઉમેદવાર રહ્યા હતાં.


