ઝોનવાઇઝ ક્વિક રિસ્પોન્સ (ખાસ) ટીમ બનાવાશે : વરસાદ પૂર્વેની તૈયારી : વિવિધ મુદ્દાઓ પર અધિકારીઓ સાથે બેઠક યોજી જરૂરી સૂચના આપતા મ્યુ. કમિશનર
મનપા તંત્રએ આ વખતે ચોમાસામા ઉઠતી પાણીના ખાડાઓની ફરિયાદોનો નિકાલ કરવા આગોતરૂ આયોજન કર્યુ છે. મ્યુ.કમિશનર આનંદ પટેલે આ મામલાને પૂર્વ તૈયારીના ભાગરૂપે પ્રાધાન્ય આપ્યું છે. શહેરના રસ્તાઓના તમામ ખાડાઓ પ્રિમોન્સુન એકટીવિટીમાં સમયસર ભરાઇ જાય અને રસ્તાઓ સમથળ બની રહે તે માટે સર્વે અને સમારકામ સહિતની કામગીરી ચોમાસા પહેલા જ આટોપી લેવાનું આયોજન કરાયું છે.
મહાનગરપાલિકા દ્વારા વર્ષાઋતુ-2024 અનુસંધાને આપત્તી સામેની બચાવ અને રાહત કામગીરીની વ્યવસ્થા માટે આગોતરી તૈયારી કરવાના ભાગરૂપે મ્યુ. કમિશનર આનંદ પટેલના અધ્યક્ષ સ્થાને એક મહત્ત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જુદી-જુદી શાખાઓના અધિકારીઓને સુપરત થયેલી કામગીરી કરવા અંગે કમિશનરે જરૂરી સૂચનાઓ આપી હતી.
આ તકે એ ખાસ ઉલ્લેખ કરવો રહ્યો કે, વર્તમાન વર્ષમાં સ્વચ્છ ભરત મિશન અનુસંધાને મહાનગરપાલિકા દ્વારા છેલ્લા બે સપ્તાહથી વોંકળાઓની સફાઇ પર વિશેષ બહાર મૂકવામાં આવેલ છે. અહી એ પણ નોંધવું રહ્યું કે, જે વોંકળાઓ પાસેથી રસ્તા પસાર થતાં હોય તેવા વોંકળાઓને પતરાઓની આડશ પણ કરવામાં આવેલ છે. જેનાથી લોકો કચરો સીધો જ વોંકળામાં નાંખતા અટક્યાં છે. મ્યુ. કમિશનર આનંદ પટેલ વોંકળાઓમાં જો હજુ પણ કયાંય કચરો કે. સી. એન્ડ ડી. વેસ્ટ પડેલો દેખાય તો તેનો તુર્ત જ નિકાલ કરવા અને પાણીના પ્રવાહને કોઈ અવરોધ ન નડે તે સુનિશ્ચિત કરવા સબંધિત અધિકારીઓને સમયાંતરે વોંકળાઓની મુલાકાત લેતા રહી જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી હતી.
મ્યુ. કમિશનરે આ વખતે એક વિશેષ પગલું ઉઠાવતા, ચોમાસાને કારણે રસ્તાઓ પર પડતાં ખાડાઓની તાત્કાલિક મરામત થાય તે માટે ઝોનવાઇઝ ક્વિક રિસપોન્સ ટીમ રચવા પણ આદેશ કર્યો છે. આ ઉપરાંત ડ્રેનેજ કે ખુલ્લી ગટરની સફાઇ કામગીરી દરમ્યાન જાહેર સલામતી ખાતર, રસ્તા પર કામ ચાલુ છે તેની જાણકારી લોકોને મળી રહે તે માટે ‘વર્ક ઇન પ્રોગ્રેસ’ના બોર્ડડ ગટરના ઢાંકણા પાસે કે ખુલ્લી ગટર પાસે અચૂક રાખવા સૂચના પણ આપી હતી, ઉપરાંત જે સ્થળોએ વરસાદી પાણી વિશેષ પ્રમાણમાં ભરતા હોય ત્યાં પાણીનો ઝડપી નિકાલ થાય તે માટે પણ જરૂરી સાધનો હાથવગા રાખવા પણ અધિકારીઓને ખાસ સૂચના અપાઈ હતી.
ચોમાસા પૂર્વે શહેરમાં જર્જરિત મકાનો અનુસંધાને સંબંધિત મકાન માલિકને મકાન ખાલી કરવા કે તોડવા પૈકી જે કામની આવશ્યકતા હોય તે અંગે નોટિસ પાઠવવા કમિશનરે ખાસ સૂચના અપિન હતી.
ભારે વરસાદ દરમ્યાન નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવા અને તેઓ માટે ફૂડ પેકેટસની વ્યવસ્થા પણ થાય તે માટે અત્યારથી જ જરૂરી સંકલન કરી રાખવા અને જે સ્થળે લોકોનું સ્થળાંતર સરળતાથી કરી શકાય તેવી શાળાઓ અત્યારથી જ આઇડેન્ટિફાય કરી લઈ ત્યાં જરૂરી સેવા અને સુવિધાઓ ઉપલબ્ધ બની રહે તે સુનિશ્ચિત કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.
આ બેઠકમ નાયબ કમિશનર સ્વપ્નિલ ખરે, ચેતન નંદાણી અને બી. વી. લીંબાસીયા ઉપરાંત ચીફ ફાયર ઓફિસર આઈ. વી. ખેર તમામ સિટી એન્જિનિયરઓ સહાય કમિશનર તથા અન્ય સંબંધિત શાખાધિકારીઓ હજાર રહ્યા હતા.


