- તરલ ભટ્ટના જામીન ગુજરાત હાઈકોર્ટે ફગાવ્યા
- ‘પોલીસ પાવરનો દુરુપયોગ કરનારને બક્ષી ન શકાય’
- ચાર્જશીટ બાદ કોર્ટમાં જામીન અરજી કરી હતી
જુનાગઢ તોડકાંડ કેસમાં આરોપી અને સસ્પેન્ડેડ PI તરલ ભટ્ટની મુશ્કેલીમાં વધારો થયો છે. તોડકાંડમાં આરોપી તરલ ભટ્ટે ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી. જોકે, હાઇકોર્ટે તરલ ભટ્ટની જામીન અરજી ફગાવી દેતા સસ્પેન્ડેડ પીઆઇને મોટો ફટકો પડ્યો છે.
કેસની ગંભીરતાને જોતાં જામીન ન આપી શકાય: HC
આજે ગુજરાત હાઇકોર્ટમાં તોડકાંડના આરોપી પીઆઇ તરલ ભટ્ટની જામીન અરજી પર સુનાવણી કરી હતી. સુનાવણી દરમિયાન હાઇકોર્ટે કહ્યું હતું કે પોલીસ પોતાની સત્તા અને પાવરનો દુરુપયોગ કરે તેને બક્ષી શકાય નહિ. મહત્વનું છે કે જુનાગઢ તોડકાંડ કેસમાં ચાર્જશીટ ફાઇલ થયા બાદ તરલ ભટ્ટે હાઇકોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. જોકે, કોર્ટે કહ્યું હતું કે કેસની ગંભીરતાને જોતાં જામીન ન આપી શકાય.
જૂનાગઢ ડિસ્ટ્રીક્ટ કોર્ટે પણ ફગાવ્યાં હતા જામીન
તો આ પહેલા, આરોપી તરલ ભટ્ટે જૂનાગઢ ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં જામીન અરજી કરી હતી. કોર્ટના જજ એચ.એ.દવેએ જામીન અરજી ફગાવી દીધી. મહત્વનું છે કે તરલ ભટ્ટે બેંક એકાઉન્ટ ફ્રિઝ અને અનફ્રીજ કરીને કરોડો રૂપિયાનો તોડકાંડ કરીને કૌભાડ આચર્યું હતું.તોડકાંડ મામલે સસ્પેન્ડેડ PI તરલ ભટ્ટને 3 ફેબ્રુઆરીના રોજ જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં તેના 14 દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવી હતી. જોકે, કોર્ટે 7 ફેબ્રુઆરી એટલે કે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા,સમગ્ર ઘટનાને લઈ તેમના વકીલ દ્વારા જામીન માટે 8 એપ્રિલના રોજણ પણ અરજી કરાઈ હતી તે પણ કોર્ટે ફગાવી હતી.
બેંક ખાતા ફ્રિઝનો મામલો
કથિત તોડકાંડ કેસમાં સસ્પેન્ડ કરાયેલા તરલ ભટ્ટે અગાઉ વકીલ મારફતે જૂનાગઢ સેશન્સ કોર્ટેમાં આગોતરા જામીન માંગ્યા હતા. સેશન્સ કોર્ટ દ્વારા મુદત મંજૂર કરતા 6 ફેબ્રુઆરીએ સુનાવણી થઈ હતી. ATSએ જૂનાગઢ તોડકાંડ અને માધુપુરા ક્રિકેટ સટ્ટા કાંડની સંડોવણીને લઈને પણ તપાસ તેજ કરી છે. ક્રિકેટ સટ્ટાકાંડની તપાસ તરલ ભટ્ટ પાસે હતી. ત્યારે સટ્ટાકાંડમાં ફ્રીઝ કરાયેલા બેંક ખાતા અનફ્રિઝ કરવા માટે રૂપિયાની માંગણી કરાઈ હોવાનો તરલ ભટ્ટ પર આરોપ છે. ઘણા ખાતાની માહિતી પોલીસને ન અપાઈ હોવાનો પણ દાવો થયો છે.
2008માં PSI તરીકે જોડાયો હતો
PI તરલ ભટ્ટ 2008માં ગુજરાત પોલીસમાં PSI તરીકે જોડાયા હતા અને ત્યારબાદ સાયબરના ગુના ઉકેલવામાં તેમને ખૂબ ફાવટ ગઈ હતી, કે ક્રાઈમ બ્રાન્ચમાં સાયબર રોલ ઉભો કરવામાં આવ્યો. પરંતુ જેમ જેમ પ્રમોશન થયા તેમ તેમ તરલ ભટ્ટ જેવા દેખાય છે તેટલા સરળ ન રહ્યાં. પીઆઈ તરલ ભટ્ટનો તોડકાંડનો ઈતિહાસ ખૂબ લાંબો છે. જેના પર ટૂંકમાં નજર કરીએ તો સૌથી પહેલા તરલ ભટ્ટ સામે 2014માં હાઈકોર્ટમાં રિઝવાના શેખ નામની મહિવાએ હેબિયર્સ કોપર્સ કરી હતી. રિઝવાનના પતિ સલીમ શેખને ખોટી રીતે ઉઠાવી 1 લાખની માંગણી કરાઈ હતી.
2 ફેબ્રુઆરીએ તરલ ભટ્ટની કરાઈ હતી ધરપકડ
ફરિયાદ નોંધાયા બાદથી ત્રણેય પોલીસ કર્મીઓ ફરાર થઈ ગયા હતા. જે બાદ તરલ ભટ્ટ 2 ફેબ્રુઆરીએ અમદાવાદના એસપી રિંગ રોડથી ઝડપાયા હતા. જે બાદ તેઓને ત્રણ તારીખે જૂનાગઢની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જૂનાગઢ કોર્ટે તરલ ભટ્ટના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા અને એટીએસ દ્વારા તોડકાંડ મામલે કેટલીક બાબતો અંગે તરલ ભટ્ટની પૂછપરછ પણ કરવામાં આવી હતી . રિમાન્ડ પૂર્ણ થતા આજે તરલ ભટ્ટને જૂનાગઢ જેલ હવાલે કરવામાં આવ્યા છે.


