- હમાસના વડા ઈસ્માઈલ હાનિયાના મોતનું પ્લાનિંગ તહેરાનમાં બે માસથી ચાલી રહ્યું હતું
- ઈસ્માઈલ હાનિયાની હત્યા માટે તસ્કરીથી ગેસ્ટ હાઉસમાં બોમ્બ લવાયો હતો
- ઈરાનની રાજધાની તહેરાનની એક ગેસ્ટ હાઉસમાં હમાસના વડાને રોકાણ અપાયું હતું
ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધને છેલ્લા 10 મહિના જેટલો સમય થવા આવ્યો છે. જેથી મિડલ ઈસ્ટમાં અશાંતિ અને અરાજકતા વ્યાપેલી છે. આ દરમિયાન બે દિવસ અગાઉ બુધવારે વહેલી સવારે આતંકવાદી સંગઠન હમાસના વડા ઈસ્માઈલ હાનિયાના મોતથી સમગ્ર વિશ્વમાં ચકચાર મચી છે. આ ઉપરાંત મધ્ય પૂર્વ એશિયા વિસ્તારમાં તણાવ વધી ગયો છે. ઈરાને ઈઝરાયલ પર હુમલા કરવાની ધમકી પણ આપી છે. જ્યારે ઈઝરાયલી સૈન્ય સતત ગાઝા પટ્ટીમાં સૈન્ય કાર્યવાહી કરી રહી છે. લેબનોનમાં રહેલા હિઝબુલ્લા પણ ઈઝરાયલ પર હુમલા વધારી રહ્યું છે.
ઈસ્માઈલ હાનિયાના મોત પર રશિયા, તુર્કિયે જેવા દેશોએ ચિંતા વ્યકત કરી છે. જો કે, ઈઝરાયલે સત્તાવાર રીચે આ વાતને સ્વીકારી નથી કે તેની સેનાએ હમાસના વડાને મોતને ઘાટ ઉતાર્યો છે.
ગેસ્ટ હાઉસમાં બોમ્બ સંતાડીને રખાયો હતો
આ દરમિયાન મળતી માહિતી પ્રમાણે હમાસ ચીફ ઈસ્માઈલ હાનિયાનું મોત એક બ્લાસ્ટને લીધે થયું હોવાનું સામે આવ્યું છે. વિસ્ફોટક ડિવાઈસને બે મહિના પહેલા તહેરાનમાં એ ગેસ્ટ હાઉસમાં સંતાડીને રખાયા હતા જ્યાં ઈસ્માઈલ હાનિયા રોકાવાનો હતો.
આ રિપોર્ટમાં એવા દાવો કરાયો કે જ્યારે હાનિયા પોતાના વીવીઆઈપી ભવન પહોંચ્યા તો રિમોટ કંટ્રોલની મદદથી બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. ઈરાની સૈન્ય ઈસ્લામિક રિવોલ્યૂશનરી ગાર્ડ કોર્પ્સના બે સભ્યો સહિત ઘણા અધિકારીઓના હવાલાથી જાણકારી આપવામાં આવી છે.
સિક્રેટ હાઉસમાં હમાસ ચીફે રોકાણ કર્યું હતું
રિપોર્ટમાં આગળ એવો ઉલ્લેખ છે કે, તસ્કરીથી ગેસ્ટ હાઉસમાં બોમ્બ લાવવામાં આવ્યો હતો. દાવો કરવામાં આવ્યો છે કે, હત્યારાએ ઈસ્માઈલ હાનિયાના શેડ્યૂલને ફોલો કર્યો અને તેના ઠેકાણાની ખબર મેળવી હતી. રિપોર્ટ પ્રમાણે હાનિયા તહેરાનમાં નેશહત નામથી આઈઆરસીજીના કમ્પાઉન્ડમાં રોકાણ કર્યું હતું. આ કમ્પાઉન્ડમાં સિક્રેટ મિટિંગ્સનું આયોજન કરવામાં આવે છે. જયાં હાનિયા જેવા હાઈ પ્રોફાઈલ મહેમાનને રોકાણ કરાવાતું હતું.
રિપોર્ટમાં દુર્ઘટનાના સમયની જાણકારી આપવામાં આવી છે. આ વિસ્ફોટ સ્થાનિક સમય પ્રમાણે વહેલી પરોઢે બે વાગ્યે થયો હતો. બોમ્બ વિસ્ફોટ પછી હમાસના એક સિનિયર અધિકારી ખલીલ અલ-હાયા ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેઓએ આખી ઘટના અંગે જાણકારી ઈરાનના સુપ્રીમ લીડર અયાતોલ્લાહ અલી ખઆમેનેઈને જણાવી હતી. ઈસ્માઈલ હાનિયા રાષ્ટ્રપતિ શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થવા ઈરાન પહોંચ્યો હતો.


