- ગામડાઓમાં આવેલ ગ્રામ પંચાયતોની અમુક કચેરીઓ જર્જરીત થઈ ગઈ છે
- શુક્રવારે બપોરના સમયે કચેરીની છતમાંથી પોપડા સાથે પંખો સરપંચ ઉપર પડયો હતો
- અચાનક છતમાંથી પોપડા સાથે સીલીંગ ફેન તેમના માથામાં પર આવીને પડયો હતો.
દસાડા તાલુકાના સાવડા ગામે આવેલ ગ્રામ પંચાયત કચેરી જર્જરીત બની છે. જેમાં શુક્રવારે બપોરના સમયે કચેરીની છતમાંથી પોપડા સાથે પંખો સરપંચ ઉપર પડયો હતો.
સરપંચને માથામાં ઈજા થતા સારવાર માટે દવાખાને લઈ જવાયો હતો. સુરેન્દ્રનગર જિલ્લામાં 570થી વધુ ગ્રામ પંચાયતો આવેલી છે. ગામડાઓમાં આવેલ ગ્રામ પંચાયતોની અમુક કચેરીઓ જર્જરીત થઈ ગઈ છે. પરંતુ તેનું રીપેરીંગ કરીને ગાડુ ચલાવવામાં આવે છે. ત્યારે દસાડા તાલુકાના સાવડા ગામની ગ્રામ પંચાયત કચેરી પણ જર્જરીત છે. જેમાં શુક્રવારે છતના પોપડા સાથે પંખો પડતા સરપંચને ઈજા પહોંચી છે. મળતી માહીતી મુજબ સાવડા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે હનુભા સોઢા ચૂંટાયા છે. શુક્રવારે બપોરે સરપંચ હનુભા સોઢા પંચાયત કચેરીએ હતા. ત્યારે અચાનક છતમાંથી પોપડા સાથે સીલીંગ ફેન તેમના માથામાં પર આવીને પડયો હતો. જેમાં તેઓને માથામાં ઈજા થતા દવાખાને લઈ જવાયા હતા. આ અંગે તેજલબેન શાહે જણાવ્યુ કે, મારી બદલી હમણા જ સાવડા તલાટી તરીકે થઈ છે. પરંતુ અગાઉના તલાટી ભાવીકભાઈ પાવરાએ તાલુકા અને જિલ્લાકક્ષાએ નવી ગ્રામ પંચાયત કચેરી બનાવવા રજૂઆત કરી હતી. પરંતુ સરકારના નિયમ મુજબ 25 વર્ષથી ઓછી જુની કચેરી નવી બનાવી શકાય નહી.


