ભારતના ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાન ગભરાઈ ગયું છે અને તે સ્પષ્ટપણે જોઈ શકાય છે. જેને લઈને નિયંત્રણ રેખા (LoC)ને અડીને આવેલા ગામડાઓ પાસે યુદ્ધવિરામ ઉલ્લંઘનની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે, જેનો સેના યોગ્ય જવાબ આપી રહી છે. સેનાની જવાબી કાર્યવાહીથી પાકિસ્તાનની મુશ્કેલીઓમાં વધારો થયો છે. તેણે સિયાલકોટના બાજવત સેક્ટરના સરહદી ગામડાઓમાં સ્થળાંતર કામગીરી શરૂ કરી છે. સિયાલકોટમાં હાલમાં નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ છે. સમગ્ર વિસ્તારમાં ઈમરજન્સી સાયરન વગાડવામાં આવ્યા હતા અને વારંવાર જાહેર જાહેરાતો કરવામાં આવી હતી. પાકિસ્તાની સૈનિકોએ લોકોને સલામત વિસ્તારોમાં ખસી જવાની અપીલ કરી છે.
પાકિસ્તાન પોતાની નાપાક ગતિવિધિઓ કરવાની આદત ભૂલ્યુ નહીં
પાકિસ્તાન LOC પર ભારતના સામાન્ય લોકોને નિશાન બનાવી રહ્યું છે. તેણે નિયંત્રણ રેખા (LoC)ને અડીને આવેલા ગામોમાં ભારે હથિયારોથી ફાયરિંગ કર્યુ અને મોર્ટાર છોડ્યા છે. જેમાં કુપવાડાના કર્નાહ અને પૂંછમાં રહેતા નાગરિકોના મોત થયા છે. આમાં ઘણા બાળકોનો પણ સમાવેશ થાય છે. અધિકારીઓના જણાવ્યા મુજબ 13 લોકોના મોત થયા છે, જ્યારે 57 લોકો ઘાયલ થયા છે. પાકિસ્તાન પોતાની નાપાક ગતિવિધિઓ કરવાની આદત ભૂલ્યુ નથી, તેમ છતાં ભારતીય સેના સંપૂર્ણ તૈયારી સાથે જવાબ આપી રહી છે. 7-8 મેની રાત્રે, પાકિસ્તાની સેનાની ચોકીઓએ જમ્મુ અને કાશ્મીરના કુપવાડા, બારામુલ્લા, ઉરી અને અખનૂર વિસ્તારોમાં નિયંત્રણ રેખા પાર નાના હથિયારો વડે યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું હતું.
‘કોઈપણ પરિસ્થિતિ સામે લડવા માટે તૈયાર રહો’: અમિત શાહ
ભારતની આ કાર્યવાહી બાદ બંને દેશો વચ્ચે સરહદ પર તણાવ પહેલા કરતા વધુ વધી ગયો છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે (7 મે) પાકિસ્તાન અને નેપાળને અડીને આવેલા સરહદી રાજ્યોના મુખ્યમંત્રીઓ અને લેફ્ટનન્ટ ગવર્નરો સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં કેન્દ્રીય મંત્રીએ રાજ્યોને આવશ્યક ચીજવસ્તુઓ અને સેવાઓની ઉપલબ્ધતા જાળવવા અને કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે SDRF, નાગરિક સંરક્ષણ, હોમગાર્ડ અને NCC જેવા રાહત અને બચાવ દળોને સર્તક રાખવા નિર્દેશ આપ્યો છે. તેમણે તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રાષ્ટ્રવિરોધી પ્રચાર પર નજર રાખવા અને તાત્કાલિક કાર્યવાહી કરવા અને સંવેદનશીલ સ્થળોએ અવિરત સંદેશાવ્યવહાર અને સુરક્ષા જાળવવા સૂચનાઓ પણ આપી છે.


