દુબઇમાંથી બિગબ્રોના નામે સમગ્ર કૌભાંડનું કોન્ટ્રોલ કરતો માસ્ટર માઇન્ડ : બે વર્ષથી ધમધમતા કૌભાંડ પર SOGએ ઘોસ બોલાવી : નવ આરોપી વોન્ટેડ જાહેર
સુરતના ડિંડોલીમાં ‘ક્રિષ્ના પેકર્સ એન્ડ મૂવર્સ’ના નામે ચાલતી દુકાન વાસ્તવમાં સામાનની હેરફેર નહીં, પણ કાળાં નાણાંની હેરફેરનું હબ બની ગઈ હતી. ગ્રીનવેલી બિલ્ડિંગના પહેલા માળે આશરે બે વર્ષથી ધમધમતા આ 200 કરોડના હવાલા રેકેટનો પર્દાફાશ કરતાં જ SOG પણ ચોંકી ઊઠી છે. મુખ્ય સૂત્રધાર પ્રતીક વસાવાએ કાયદાની આંખમાં ધૂળ નાખવા માટે બિઝનેસનું એવું મહોરું પહેર્યું હતું, જેની પાછળ તે દેશના નાણાકીય તંત્રને નુકસાન પહોંચાડી રહ્યો હતો.
દુબઈમાં બેઠેલો ‘બિગ બ્રો’ નામનો રહસ્યમય શખસ સુરતના આ નેટવર્કનો અસલી કંટ્રોલર હતો. તે મુખ્ય આરોપી પ્રતીક વસાવાને એપીકે (APK) ફાઈલ મોકલીને સુરતનાં ભાડે રાખેલાં બેંક એકાઉન્ટ્સનો સીધો એક્સેસ મેળવી લેતો હતો. ટેકનોલોજીનો આવો દુરૂપયોગ કરીને તે ગેમિંગ અને શેરબજારના નામે છેતરાયેલા લોકોના કરોડો રૂપિયા સીધા પ્રતીક વસાવા દ્વારા મેનેજ કરવામાં આવતાં ખાતાંમાં જમા કરાવતો હતો.
પ્રતીક વસાવાની કાર્યપદ્ધતિ એકદમ અલગ હતી. તે સુરત અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના આર્થિક રીતે નબળા લોકોનાં બેંક એકાઉન્ટ્સ માત્ર 20થી 25 હજારમાં ભાડે લેતો હતો. આ ‘મ્યૂલ એકાઉન્ટ્સ’માં જ્યારે કરોડો રૂપિયા જમા થતા ત્યારે એે રકમ પહેલા સેવિંગ એકાઉન્ટમાં ટ્રાન્સફર થતી અને પ્રતીક પોતે આ તમામ રકમ રોકડમાં ઉપાડી લેતો હતો. આ પ્રક્રિયા એટલી ઝડપી હતી કે સાયબર ક્રાઈમ ટીમ એલર્ટ થાય એ પહેલાં જ નાણાં સિસ્ટમની બહાર નીકળી જતાં.
તપાસમાં સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે ખબર પડી કે આ રોકડને આંતરરાષ્ટ્રીય સ્તરે કેવી રીતે મોકલવામાં આવતી હતી. પ્રતીક વસાવા લિંબાયતના સલીમ ઉર્ફે સમીરનો સંપર્ક કરતો હતો. સલીમ આ કરોડોની રોકડના બદલામાં યુએસડીટી (USDT) ક્રિપ્ટોકરન્સી ખરીદી આપતો. આ ડિજિટલ કરન્સી પ્રતીક દ્વારા સીધી દુબઈમાં બેઠેલા ‘બિગ બ્રો’ના વોલેટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવતી હતી. આ રીતે ભારતીય ચલણ હવાલા દ્વારા ક્રિપ્ટોમાં રૂપાંતરિત થઈ દુબઈ પહોંચતું હતું.
આ ગેંગની મોડસ ઓપરેન્ડી અત્યંત સુવ્યવસ્થિત હતી. તેઓ આર્થિક રીતે નબળા લોકોનાં નામે બેંક એકાઉન્ટ ખોલાવી, નજીવી રકમના બદલામાં તેમની ચેકબુક, એટીએમ કાર્ડ અને સિમકાર્ડ મેળવી લેતા હતા. તપાસમાં ખૂલ્યું છે કે આ જપ્ત કરાયેલાં 14 બેંક એકાઉન્ટ્સ દેશભરનાં 71 જેટલાં સાયબર ફ્રોડના કેસોમાં સંડોવાયેલાં છે. આ ટોળકી ટેલિગ્રામ દ્વારા ચાઈનીઝ ગેંગના સંપર્કમાં રહીને સૂચનાઓ મેળવતી હતી અને સાયબર ફ્રોડનાં નાણાંને પકડાઈ જવાની બીકે ‘યુએસડીટી’ (USDT) જેવી ક્રિપ્ટોકરન્સીમાં કન્વર્ટ કરી હવાલા મારફત વિદેશ મોકલી આપતી હતી.
હાલ સુરત પોલીસે આ કેસમાં દુબઈના મુખ્ય સૂત્રધાર સહિત કુલ 9 આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે, જેમાં ગણેશ ઉર્ફે પ્રેમ, રાજ શ્રીવાસ્તવ અને સલીમ આર.ટી.ઓ. જેવાં નામો મુખ્ય છે. એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમના માર્ગદર્શન હેઠળ પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે આ કૌભાંડમાં સ્થાનિક સ્તરે બીજાં કયાં મોટાં માથાં સંડોવાયેલાં છે અને તેમને કોણ રક્ષણ પૂરું પાડી રહ્યું હતું. આગામી સમયમાં આંતરરાષ્ટ્રીય સાયબર માફિયાઓ વિરુદ્ધ વધુ કડક કાર્યવાહીના સંકેતો મળી રહ્યા છે.
અનેક વ્યાપારીઓનાં નામ રડારમાં
હાલમાં SOG ડીસીપી રાજદીપસિંહ નકુમ અને તેમની ટીમ પ્રતીક વસાવાનાં તમામ ‘મોટાં માથાં’ અને સંપર્કોની વિગતો ફંફોસી રહી છે. પોલીસને શંકા છે કે સુરતના કેટલાક વગદાર લોકો પ્રતીકને આર્થિક વ્યવહારોમાં અને પોલીસથી બચવા માટે સંરક્ષણ પૂરું પાડતા હતા. આગામી દિવસોમાં આ હવાલા રેકેટમાં વધુ ચોંકાવનારા ઘટસ્ફોટ થવાની સંભાવના છે, જેમાં સુરતના અનેક વ્યાપારીઓનાં નામ પણ ખૂલી શકે છે.


