સમિતિની એકતા તોડવાનો આક્ષેપ: મિલકત ભાવ સામે પ્રશ્ન
વડાપ્રધાનના આગમન પૂર્વે જમીન સંપાદન મામલે મડાગાંઠ વધુ વણસી
અગ્ર ગુજરાત, સોમનાથ
સોમનાથ મંદિરના સાનિધ્યમાં સૂચિત ‘સોમનાથ કોરિડોર’ પ્રોજેક્ટ સામે સ્થાનિકોનો વિરોધ દિન-પ્રતિદિન ઉગ્ર બની રહ્યો છે. રવિવારે જાન્યુઆરી) રાત્રે પ્રભાસ પાટણના બ્રહ્મપુરી ખાતે ‘પ્રભાસ હિત રક્ષક સમિતિ’ની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં અસરગ્રસ્તોએ તંત્રની નીતિઓ સામે ભારે આક્રોશ ઠાલવતા સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, અમને કોરિડોર મંજૂર નથી.
ઉલ્લેખનીય છે કે, PM નરેન્દ્ર મોદી આગામી જાન્યુઆરીથી ગુજરાતના ત્રણ દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. રાજકોટમાં વાઇબ્રન્ટ સમિટ અને રોડ શોમાં સહભાગી થયા બાદ PM સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવે એવી પ્રબળ શક્યતા છે. ત્યારે વડાપ્રધાનના આગમન પૂર્વે જમીન સંપાદન મામલે મડાગાંઠ વધુ વણસી છે.
બેઠકમાં ઉપસ્થિત વિવિધ સમાજના આગેવાનો અને અસરગ્રસ્ત રહેવાસીઓએ વહીવટી તંત્રની કાર્યપદ્ધતિ પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. સમિતિના સભ્યોએ આક્ષેપ કર્યો હતો કે, તંત્ર સીધી રીતે વાત કરવાને બદલે ‘દલાલો’નો સહારો લઈ રહ્યું છે. આ દલાલો મારફતે નબળા કે ભોળા લોકોને લલચાવી-ફોસલાવીને મિલકતના દસ્તાવેજ કરાવી લેવામાં આવે છે, જેથી સમિતિની એકતા તોડી શકાય. અસરગ્રસ્તોએ માગ કરી હતી કે, જો કોઈ પણ પ્રક્રિયા કરવી હોય તો તે સમિતિને વિશ્વાસમાં લઈને પારદર્શક રીતે કરવી જોઈએ.
હાટ બજાર સાથે સરખામણી પ્રભાસ હિત રક્ષક સમિતિના ઉપપ્રમુખ બાલાભાઈ શામળાએ વળતરના દરો મુદ્દે તંત્રને ઘેરતા જણાવ્યું હતું કે, તંત્ર બેવડા ધોરણો અપનાવી રહ્યું છે.
તેમણે તર્ક આપ્યો હતો કે, સરકારના સ્વદેશી હાટ બજારમાં 45 કરોડનો ખર્ચ થયો છે, જ્યાં નાની દુકાનોના 15થી 35 લાખ રૂપિયા વસૂલવામાં આવ્યા છે. હાટ બજારની બિલકુલ નજીક આવેલી ખાનગી રહેણાક મિલકતો માટે તંત્ર માત્ર પ્રતિ ગજ 23થી 25 હજારનો ભાવ આપી રહ્યું છે. જો હાટ બજારના દર સાથે સરખામણી કરવામાં આવે તો સ્થાનિકોની મિલકતનો ભાવ પ્રતિ ગજ 1.50 લાખ જેટલો થવો જોઈએ.
વળતરના દરો મુદે તંત્રની બેવડી નીતિ
પ્રભાસ હિત રક્ષક સમિતિના ઉપપ્રમુખ બાલાભાઈ શામળાએ વળતરના દરો મુદ્દે તંત્રને ઘેરતા જણાવ્યું હતું કે, તંત્ર બેવડા ધોરણો અપનાવી રહ્યું છે.
મડાગાંઠનો શાંતિપુર્ણ ઉકેલ ઇચ્છતી જનતા
છેલ્લા છ મહિનાથી ચાલતી આ ખેંચતાણને કારણે સ્થાનિકોમાં અસંતોષ છે. પ્રભાસ પાટણની જનતા ઈચ્છે છે કે આ પ્રોજેક્ટ લાદવાને બદલે સૌહાર્દપૂર્ણ રીતે અને સ્થાનિકોના હિત જળવાય તે રીતે મડાગાંઠનો ઉકેલ આવે.


