સોમનાથ : એક હજાર વર્ષની શોર્યગાથાને શ્રદ્ધાંજલિ
પ્રભાસતીર્થના ત્રિવેણી સંગમ પર શૂરવીર આત્માઓના મોક્ષાર્થે વિશેષ ધાર્મિક અનુષ્ઠાન..
સોમપુરા બ્રહ્મ સમાજ દ્વારા પ્રતીકાત્મક સવા મણ જનોઈ ની તર્પણવિધિ યોજાઈ..
અગ્ર ગુજરાત, સોમનાથ
ભારતની આસ્થા, ગૌરવ અને સ્વાભિમાનના પ્રતીક એવા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવની પાવન ભૂમિ પર એક વખત ફરી ઇતિહાસને સ્મરણ કરતો ભાવસભર ધાર્મિક પ્રસંગ સર્જાયો. પ્રભાસતીર્થના પવિત્ર ત્રિવેણી સંગમ ઘાટ પર સોમપુરા તીર્થ પુરોહિતોના માર્ગદર્શન હેઠળ એક વિશેષ ધાર્મિક આયોજન યોજાયું, જેમાં એક હજાર વર્ષ પૂર્વે સોમનાથની રક્ષા માટે પ્રાણન્યોચ્છાવ કરનાર શૂરવીર આત્માઓના મોક્ષાર્થે પિતૃ તર્પણ વિધિ સંપન્ન કરવામાં આવી હતી.
ઇતિહાસ અનુસાર, મહમદ ગજનવી દ્વારા સોમનાથ મહાદેવ મંદિર પર કરાયેલા આક્રમણ સમયે માત્ર ક્ષત્રિય વીરો જ નહીં પરંતુ સ્થાનિક ભૂદેવો અને સામાન્ય નાગરિકોએ પણ વિધર્મી સેન્ય સામે અદમ્ય સાહસ સાથે પ્રતિકાર કર્યો હતો. ધર્મ, સંસ્કૃતિ અને સ્વાભિમાનની રક્ષા માટે થયેલા આ ભયંકર સંઘર્ષમાં અસંખ્ય શૂરવીરોએ વીરગતિ પામી હતી.
આ યુદ્ધ પછી રણ મેદાનમાંથી સવા મણ જેટલી જનોઈ એકત્રિત થયાની ઐતિહાસિક નોંધો મળે છે, જે તે સમયના અસંખ્ય બલિદાનોની મૌન સાક્ષી બની આજે પણ ઇતિહાસના પાનાંઓમાં ગુંજે છે.
સ્વાભિમાન પર્વમાં ઐતિહાસિક અનુષ્ઠાન…
હાલ સોમનાથ ખાતે ઉજવાઈ રહેલા ઐતિહાસિક સ્વાભિમાન પર્વના અવસર પર, મોક્ષની પાવન ભૂમિ તરીકે માન્ય ત્રિવેણી સંગમ ઘાટ પર આ વિશેષ ધાર્મિક અનુષ્ઠાનનું આયોજન કરવામાં આવ્યું. સવા મણ જનોઈના પ્રતીકાત્મક પિતૃ તર્પણ સાથે પિંડદાન વિધિ યોજાઈ, જેમાં શૂરવીર બલિદાનીઓને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.


