આજે ચાર પ્લોટની હરરાજી અને ત્રણની સોમવારે કરાશે
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ કોર્પોરેશન વર્તમાનમાં આર્થિક કટોકટીનો સામનો કરી રહી છે. વિકાસના કામો અને વહિવટી ખર્ચને પહોંચી વળવા માટે મનપાની ખાલી થયેલી તિજોરીને ફરીથી છલકાવવા તંત્રએ કવાયત શરૂ કરી છે. આ નાણાકીય કટોકટીને દૂર કરવા માટે મનપા શહેરના અતિ કિંમતી સાત પ્લોટને જે પ્રાઇ પ્લોટ છે તેની ઇ-હરાજી કરવાનો નિર્ણય લીધો હતો. જેમાં આજે ચાર પ્લોટની હરરાજી કરવામાં આવી હતી. અન્ય પ્ટની સોમવારે હરરાજી કરાશે.
રાજકોટ મનપાની આર્થિક સ્થિતિને સુધારવા માટે તાજેતરમાં મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં બે મુખ્ય નિર્ણયો લેવામાં આવ્યા હતા. પ્રથમ, શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા 7 પ્લોટ વેચીને આશરે 360 કરોડ રૂપિયા એકત્ર કરવા અને બીજું, જો જરૂર પડે તો 200 કરોડ રૂપિયા સુધીની લોન લેવા માટે મ્યુનિસિપલ કમિશનરને સત્તાવાર રીતે અધિકૃત કરવામાં આવ્યા છે. આ પગલાંને મનપાની નાણાકીય સ્થિતિ સુધારવા માટેના ‘ઓક્સિજન’ તરીકે જોવામાં આવી રહ્યા છે.
રાજકોટ મનપામાં શનિવાર અને સોમવાર એમ બે દિવસ ચાલનારી આ ઇ-હરાજીમાં કુલ 7 પ્લોટ મૂકવામાં આવ્યા છે. જેમાં અમીન માર્ગ અને 150 ફૂટ રિંગ રોડ જેવા પોશ વિસ્તારોના પ્લોટ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. સૌથી મોંઘા પ્લોટમાં અમીન માર્ગ કોર્નર અને 150 ફૂટ રિંગ રોડ પાસેના પ્લોટની અપસેટ કિંમત પ્રતિ ચોરસ મીટર રૂ. 2 લાખ રાખવામાં આવી છે. આ વિસ્તારોમાં કોમર્શિયલ ડેવલપમેન્ટની તકો વધુ હોવાથી બિલ્ડરો અને રોકાણકારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
સૌથી સસ્તા પ્લોટમાં જોઈએ તો રેલનગર વિસ્તારમાં આવેલા સાધુ વાસવાણી કુંજ રોડ પરના પ્લોટની કિંમત સૌથી ઓછી એટલે કે પ્રતિ ચોરસ મીટર રૂ. 45,000 નક્કી કરવામાં આવી છે. કુલ અંદાજ મુજબ તમામ પ્લોટની પાયાની કિંમત (અપસેટ પ્રાઈઝ) મુજબ કુલ આંકડો રૂ. 338 કરોડ જેવો થાય છે, પરંતુ જે પ્રકારે હરાજીમાં સ્પર્ધા થવાની શક્યતા છે, તે જોતા તંત્રને આ આવક રૂ. 500 કરોડ સુધી પહોંચવાની આશા છે.
આજે પ્રથમ તબક્કામાં ચાર પ્લોટ માટેની ઇ-હરાજીની પ્રક્રિયા કરવામાં આવી હતી. અનેક મોટા ગજાના રોકાણકારોએ આમાં રસ દાખવ્યો હતો. મનપાના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ હરાજીમાંથી મળનારી રકમનો ઉપયોગ શહેરના અટકેલા પ્રોજેક્ટ્સ પૂર્ણ કરવા અને પાયાની સુવિધાઓ જેવી કે રસ્તા, પાણી અને ડ્રેનેજના કામોમાં કરવામાં આવશે.


