ગૌ માતાના નામે ‘ગૌભક્ષક’ ભાવિન પટેલનો જૂનો ખેલ ફરી બહાર
હાથીઓના નામે બે લાખની તોડબાજી : કારી ફાવી નહીં
2020માં પરમિશન સાથે લઈ જવાતાં હાથી અટકાવી ફોરેસ્ટ ઓફિસરના નામે ખંડણી માંગવાનો મામલો
કોરોના કાળ સમયે નાણાં કટકટાવવા આચરેલા કાંડ મામલે બી ડિવિઝનમાં ફરિયાદ પણ નોંધાયેલી છે
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેર તથા સમગ્ર સૌરાષ્ટ્રમાં ગૌરક્ષાના નામે ચાલી રહેલી ગેરપ્રવૃત્તિઓ વચ્ચે ગૌરક્ષક તરીકે ઓળખાતા પરંતુ ગૌભક્ષક તરીકે ચર્ચામાં આવેલા ભાવિન પટેલના કારનામાઓ એક પછી એક બહાર આવી રહ્યા છે. તાજેતરમાં પશુઓની હેરફેર બાબતે નાણાં માંગતી અને યુવકોને ધમકાવતી ઓડિયો ક્લિપ્સ વાયરલ થતાં ભારે હોબાળો મચ્યો છે, ત્યારે હવે વર્ષ 2020માં હાથીઓના નામે કરાયેલી ખંડણીની ઘટના ફરી પ્રકાશમાં આવી છે. આ સમગ્ર મામલો એ બતાવે છે કે, ગૌમાતા કે અબોલ જીવોના નામે અમુક તત્વો કેવી રીતે તોડબાજીને વ્યવસાય બનાવી રહ્યા છે.
વર્ષ 2020 દરમિયાન કોરોના મહામારીના કપરા સમયગાળામાં અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં રહેતા અને ગ્રેટ ગોલ્ડન સર્કસ ચલાવતા અનવરભાઈ અહેમદઅલી જોન પાસે રહેલા બે હાથીઓની તબિયત બગડતા તેમને જામનગર જિલ્લાના ખાવડી ખાતે આવેલા રાધાકૃષ્ણ ટેમ્પલ એન્ડ એલિફન્ટ વેલ્ફેર ટ્રસ્ટ ખાતે સારવાર માટે મોકલવાનો નિર્ણય લેવાયો હતો. આ માટે સંબંધિત ફોરેસ્ટ વિભાગમાંથી જરૂરી પરમિશન અને ટ્રાન્ઝિટ લેટર મેળવવામાં આવ્યા હતા. તમામ કાયદેસર દસ્તાવેજો સાથે ટ્રકમાં બંને હાથી ભરી મહાવત અતાઉલ્લા ખાન, ડ્રાઈવર ફકીરભાઈ તથા અન્ય કર્મચારીઓ જામનગર તરફ રવાના થયા હતા.
પરંતુ રાજકોટના બેડી ચોકડી વિસ્તારમાં પહોંચતા જ ગૌરક્ષક તરીકે ઓળખાતા ભાવિન પટેલે ટ્રક અટકાવી પોતે ફોરેસ્ટ ઓફિસર હોવાનું નાટક કર્યું હતું. તેણે મહાવત અતાઉલ્લા ખાનને ધમકી આપી હતી કે, જો બે લાખ રૂપિયા નહીં આપે તો બંને હાથી ફોરેસ્ટ વિભાગમાં જમા કરાવી દેશે. મહાવતે પરમિશનના તમામ કાગળો બતાવ્યા છતાં ભાવિન પટેલ માનવા તૈયાર થયો નહોતો. ઉલ્ટું તેણે જાનથી મારી નાખવાની ધમકી આપતા વાતાવરણ વધુ તણાવપૂર્ણ બન્યું હતું. એટલું જ નહીં, તેણે પોતાના ઉપરી અધિકારી તરીકે ઓળખાવતા નરેશ કાંધિયા સાથે ફોન પર વાત પણ કરાવી હતી, જેથી સામે પક્ષ પર દબાણ વધી જાય.
નાણા આપવા ઇનકાર થતાં અંતે ભાવિન પટેલે બંને હાથી ફોરેસ્ટ વિભાગમાં જમા કરાવી દીધા હતા. જોકે, તમામ પરમિશન કાયદેસર હોવાનું જણાતાં ફોરેસ્ટ વિભાગે હાથીઓને આગળ લઈ જવાની મંજૂરી આપી દીધી હતી. આ ઘટનાની જાણ જ્યારે અનવરભાઈ સુધી પહોંચી ત્યારે તેમણે રાજકોટના બી ડિવિઝન પોલીસ મથકમાં ભાવિન પટેલ અને તેના સાથીદાર નરેશ કાંધિયા સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તે સમયે મામલો શાંત પડી ગયો હતો, પરંતુ હવે વર્ષો બાદ ફરી આ તોડબાજીનો ઇતિહાસ બહાર આવતા ભાવિન પટેલની ભૂમિકા પર ગંભીર સવાલો ઊભા થયા છે.
આજના સમયમાં પશુઓની હેરફેર, ગૌરક્ષા અને જીવદયા જેવા મુદ્દાઓને લઈને સમાજ પહેલેથી જ સંવેદનશીલ છે. આવા સમયે ગૌરક્ષકના નામે તોડબાજી કરનારા તત્વો સાચા અર્થમાં નિસ્વાર્થ ભાવે ગૌમાતા અને અબોલ જીવોની સેવા કરતા ગૌરક્ષકોની છબી ખરડાવે છે. તાજેતરમાં વાયરલ થયેલી ઓડિયો ક્લિપ્સ અને હવે હાથીઓના નામે થયેલી ખંડણીની જૂની ઘટના ફરી બહાર આવતાં, લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
અગ્ર ગુજરાત દ્વારા ગૌમાતાના નામે ચાલતા આવા ખેલને ઉજાગર કર્યા બાદ અનેક ગૌરક્ષકો, જીવદયા પ્રેમીઓ અને નાગરિકોએ ખુલ્લેઆમ સમર્થન વ્યક્ત કર્યું છે અને વધુ માહિતી પણ સામે આવી રહી છે. સમગ્ર ઘટનાક્રમ પરથી સ્પષ્ટ થાય છે કે, ગૌરક્ષા કે અબોલ જીવોની આડમાં સોદાગરી કરનારા ગૌભક્ષકો સામે કડક કાર્યવાહી જરૂરી છે, જેથી હાથી હોય કે ગૌમાતા, દરેક અબોલ જીવની સાચા અર્થમાં રક્ષા થઈ શકે અને સમાજમાં વિશ્વાસ પુનઃસ્થાપિત થાય.


