અસામાજિક તત્વોએ એસ્ટ્રોન નાળા પાસે 8 રેકડીઓ સળગાવી
ફ્રૂટ રેંકડીઓ ભસ્મીભૂત થતા વેપારીઓને અંદાજે 35 લાખનું નુકસાન
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરમાં અસામાજિક તત્વોની બેફામ હરકત સામે આવી છે. એસ્ટ્રોન નાળા નજીક રાત્રિના અંધકારમાં અજાણ્યા તત્વોએ ફ્રૂટની રેંકડીઓમાં આગ ચાંપી દેતા ગરીબ ફળ વેપારીઓ પર આફત તૂટી પડી છે. આ ઘટનામાં કુલ 8 ફ્રૂટ રેંકડીઓ અને તેમાં રહેલ માલસામાન સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા, જ્યારે અન્ય બે-ત્રણ રેંકડીઓને આંશિક નુકસાન પહોંચ્યું છે. સમગ્ર ઘટનામાં અંદાજે 35 લાખ રૂપિયાનું નુકસાન થયાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ, રાત્રે લગભગ 3 વાગ્યાના આસપાસ આ આગઝરતીની ઘટના બની હતી. રેંકડીઓ એકસાથે સળગી જતાં સ્થાનિકોમાં શંકા ઊભી થઈ છે કે આ કોઈ અકસ્માત નહીં પરંતુ જાણબૂઝી જ્વલનશીલ પદાર્થ છાંટી આગ લગાવવામાં આવી હોય. વેપારીઓનું કહેવું છે કે જો અકસ્માતે આગ લાગી હોત, તો બધી જ રેંકડીઓ એકસાથે બળે તે શક્ય ન હોત.
આગની જાણ થતાં તાત્કાલિક ફાયર બ્રિગેડની બે ગાડીઓ ઘટનાસ્થળે દોડી આવી હતી. લગભગ એક કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં રેંકડીઓ સાથે ફ્રૂટનો જથ્થો, રોકડ રકમ અને અન્ય જરૂરી સાધનો બળીને નષ્ટ થઈ ચૂક્યા હતા.
આ ઘટનાના પગલે ફળ રેંકડી ધારકો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. લારી ધારક આશાબેન અને નંદુબેન સહિતના વેપારીઓ ચોધાર આંસુએ રડી પડ્યા હતા. તેમણે જણાવ્યું કે, તેઓ છેલ્લા 25 વર્ષથી અહીં ફ્રૂટની રેંકડીઓ રાખીને પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવે છે. આ સ્થળે સામાન્ય રીતે 10થી 11 રેંકડીઓ ઉભી રહે છે, જેમાંથી મોટાભાગની આ ઘટનામાં નષ્ટ થઈ ગઈ છે.
બનાવની જાણ થતાં પોલીસ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસવાની કામગીરી શરૂ કરી છે તેમજ આગ લગાવનાર અસામાજિક તત્વો સામે ફરિયાદ નોંધવાની તજવીજ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.
આ ઘટનાએ શહેરમાં સુરક્ષાને લઈને અનેક પ્રશ્નો ઊભા કર્યા છે. રાત્રિના સમયે ગરીબ વેપારીઓના રોજગાર પર હુમલો કરી તેમને રસ્તા પર મૂકી દેવાની આ ઘટનાને લઈ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હવે પોલીસ તપાસમાં કોણ આ આગઝરતી પાછળ છે તે ખુલાસો થાય અને પીડિત વેપારીઓને ન્યાય મળે તેવી માંગ ઉઠી રહી છે.


