અમરેલીમા ભાજપના બે કાર્યકર્તાઓએ આપ્યું રાજીનામું: રાજકીય માહોલ ગરમાયો
જસવંતગઢ ગામના અશોક માંગરોળીયા અને નિલેશ સાવલીયાએ પક્ષને રામ રામ કર્યા
અગ્ર ગુજરાત, રાજુલા
સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે અમરેલી જિલ્લા ભાજપમાં ભંગાણના સમાચાર સામે આવ્યા છે. અમરેલી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના બે કાર્યકર્તાઓએ રાજીનામું આપ્યું છે. મળતી વિગતો અનુસાર જસવંતગઢ ગામના બે સક્રિય કાર્યકર્તાઓ અશોક માંગરોળીયા અને નિલેશ સાવલીયા બન્ને કાર્યકર્તાઓ ખેસ અને ટોપી પરત કરી પક્ષને અલવિદા કહી દીધું છે. આ રાજીનામા બાદ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. લેટરકાંડની ફરી એન્ટ્રી છેલ્લા કેટલાક સમયથી અમરેલીમાં ગાજેલો ‘લેટરકાંડ’ આ રાજીનામા સાથે ફરી ચર્ચામાં આવ્યો છે. બંને કાર્યકર્તાઓએ ભાજપ કાર્યાલય ખાતે પહોંચીને પોતાના હોદ્દા પરથી રાજીનામું ધરી દીધું હતું. ચૂંટણી પહેલા જ પક્ષના આંતરિક વિખવાદો સપાટી પર આવતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. બીજીતરફ આ રાજીનામા અંગે જિલ્લા ભાજપ મહામંત્રી રાજુભાઇ ભૂતૈયાએ પ્રતિક્રિયા આપી છે. જેમાં જણાવ્યું હતું કે, અશોક માંગરોળીયાને ૨૯-૧૨-૨૦૨૪ ના રોજ પ્રાથમિક સભ્ય પદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તેવી જ રીતે નિલેશ સાવલિયાને પ્રાથમિક સભ્ય પદેથી ૨૯-૧૨-૨૦૨૪ ના રોજ પ્રાથમિક સભ્ય પદેથી સસ્પેન્ડ કરવામાં છે. આ કાર્યકર્તાઓની પોતાની મંશા પૂરી ન થતી હોવાથી તેઓ પક્ષ વિરુદ્ધ કામ કરી રહ્યા હતા. પક્ષે તેમની વિરુદ્ધ શિસ્તભંગના પગલાં લઈ તેમને પહેલા જ સસ્પેન્ડ કરી દીધા હતાં. અશોક માંગરોળીયાએ જણાવેલ કે, છેલ્લા ૨૫ વર્ષથી પાર્ટીમાં કામ કરી રહ્યા હતા. પરંતુ તેમણે ન્યાય ન મળ્યો હતો. અને તેમણે આક્ષેપ કર્યો કે પાર્ટીમાં માત્ર એક જ વ્યક્તિને ચાલી રહ્યું છે. જેના કારણે રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું હતું. હાલમાં આ ઘટનાને પગલે અમરેલી ભાજપમાં આંતરિક ખેંચતાણ તેજ બની છે જેની અસર આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પર પડી શકે છે.


