કોલેજનો વાર્ષિકોત્સવનો ત્રિવેણી સમારંભ યોજાયો
અગ્ર ગુજરાત, રાજકોટ
મહાત્મા ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી જે. જે કુંડલિયા કોમર્સ કોલેજ શિક્ષણ ક્ષેત્રે છેલ્લા ૫૩ વર્ષથી અવિરતપણે કાર્યરત છે. શિક્ષણ, સહકાર અને સંસ્કારના ત્રિવેણી સંગમ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ કોલેજ દ્વારા રાજકોટના શ્રી અરવિંદભાઈ મણિયાર હોલ ખાતે કોલેજનો વાર્ષિકોત્સવ, સંવિત્તિ મેગેઝીનનું વિમોચન તથા શૈક્ષણિક, સહશૈક્ષણિક અને સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા યોજાયેલ વિવિધ રમત-ગમત સ્પર્ધાઓમાં વિજેતા વિદ્યાર્થીઓના સન્માન સમારંભનું આયોજન કરવામાં આવેલ હતું. વિદ્યાર્થીઓમાં પડેલી સુષુપ્ત શક્તિઓ અને સર્જનાત્મકતાને ખિલવવાના હેતુથી યોજાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમમાં કોલેજના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ દ્વારા નાટક, રાસ-ગરબા, દુહા-છંદ, મિમિક્રી, લોકગીત, સંગીત, પિરામીડ જેવી વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવેલ હતી.
સાંસ્કૃતિક કાર્યક્રમ ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા લેવાયેલ બી.કોમ., બી.બી.એ., બી.સી.એ.ની ડિગ્રી કક્ષાની પરીક્ષાઓમાં ઉતિર્ણ થયેલ તેજસ્વી તારલાઓ, રાજ્ય તથા રાષ્ટ્રીય કક્ષાએ રમત-ગમત ક્ષેત્રે એવોર્ડ તથા મેડલ પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓ, વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ તેમજ કોલેજની ભૂતપૂર્વ પ્રતિભાઓ એમ મળીને કુલ-૮૯થી વધુ વિદ્યાર્થીઓનું સન્માન શિલ્ડ, રોકડ પુરષ્કાર તેમજ પ્રમાણપત્રથી કરવામાં આવેલ હતું. કોલેજના પ્રાધ્યાપક ઋતવીબેન કનારાએ તાજેતરમાં યુ.જી.સી. દ્વારા લેવાયેલ NETની પરીક્ષા ઉતીર્ણ કરેલ હોય તેમનું શાલ ઓઢાડી સન્માન કરેલ તેમજ મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટના નવ નિયુક્ત ટ્રસ્ટીઓ ડો. યજ્ઞેશભાઈ જોષી તથા હેતલબેન ત્રિવેદીનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ હતું.
આ પ્રસંગે વિદ્યાર્થીઓને સન્માનિત તથા પ્રોત્સાહિત કરવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. ઉત્પલભાઈ જોષી, રાજકોટ જીલ્લા ઉચ્ચ શિક્ષણ કમિશ્નરની કચેરીના હિસાબી અધિકારી અરવિંદભાઈ કોરીંગા, હરિવંદના કોલેજના ચેરમેન મહેશભાઈ ચૌહાણ, ગ્રામ સ્વરાજ મંડળના ટ્રસ્ટી જે. જે. ચૌહાણ, રાજકોટ કોંગ્રેસના પ્રમુખ ડો. રાજદિપસિંહ જાડેજા, શ્રીમતી જે.જે. કુંડલિયા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના પ્રિન્સીપાલ ડો. યજ્ઞેશભાઈ જોશી, એમ.જે. કુંડલિયા આર્ટસ અને કોમર્સ મહિલા કોલેજના પ્રિન્સીપાલ ડો. નીલુબેન લાલચંદાણી, મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટીશ્રી ડો. અલ્પનાબેન ત્રિવેદી (હેલીબેન), ટ્રસ્ટી ધીરુભાઈ ધાબલીયા, ટ્રસ્ટી હેતલબેન ત્રિવેદી તથા ટ્રસ્ટ સંચાલિત વિવિધ શાળા-કોલેજોના પ્રિન્સીપાલશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કૉલેજના આચાર્ય ડૉ. પ્રીતિબેન ગણાત્રાએ કરેલ હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોલેજના પ્રોફેસર ડો. રાજેશભાઈ મહેતાએ તથા આભારદર્શન ડૉ. હાસમ આર. ભાલિયાએ કરેલ હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા આચાર્ય ડૉ. પ્રીતિબેન ગણાત્રાના સતત માર્ગદર્શન હેઠળ સમગ્ર શૈક્ષણિક તથા વહીવટી કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવેલ હતી.


