નાયબ મુખ્યમંત્રીના સચિવ તરીકે આશિષકુમારની કરાઈ નિયુક્તિ
આદિજાતિ વિકાસનો વધારાનો હવાલો પણ સંભાળશે
અગ્ર ગુજરાત, ગાંધીનગર
ગાંધીનગર સચિવાલય ખાતેથી 30 માર્ચ 2026ના રોજ જાહેર કરવામાં આવેલા સત્તાવાર જાહેરનામા અનુસાર રાજ્યના વહીવટી માળખામાં ફેરફાર કરવામાં આવ્યો છે. વર્ષ 2014ની બેચના આઈએએસ (IAS) અધિકારી આશિષ કુમારને હવે નાયબ મુખ્યમંત્રીના સચિવ જેવી મહત્વની પોસ્ટ પર નિયુક્ત કરવામાં આવ્યા છે.
આશિષ કુમાર અત્યાર સુધી ગાંધીનગર ખાતે ‘નિયામક, આદિજાતિ વિકાસ’ તરીકે સેવા આપી રહ્યા હતા.
સામાન્ય વહીવટ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી ડૉ. અંજુ શર્માના હસ્તાક્ષર સાથે બહાર પડેલા આદેશ પ્રમાણે શ્રી આશિષ કુમારને તાત્કાલિક અસરથી નાયબ મુખ્યમંત્રીના સચિવ તરીકે ગાંધીનગર સચિવાલય ખાતે મૂકવામાં આવ્યા છે. નવી નિમણૂક છતાં તેઓ આગામી આદેશ સુધી નિયામક આદિજાતિ વિકાસ પદનો વધારાનો હવાલો પણ સંભાળતા રહેશે.


