IAS બાદ હવે IPSની બદલીની સંભવિત તૈયારીઓ
રાજય સરકાર દ્વારા વરિષ્ઠ પોલીસ અધિકારીઓની કામગીરીની સમીક્ષા : રાજકોટ, અમદાવાદ અને સુરત સહિતના મહાનગરોમાં મોટા પાયે ફેરબદલી થવાની શકયતા : પખવાડીયામાં જ ઓર્ડર નીકળવાની થતી ચર્ચા
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજ્યમાં મોટા પાયે IAS અધિકારીઓની બદલી થયા બાદ હવે ગુજરાત પોલીસ તંત્રમાં પણ મહત્વપૂર્ણ પ્રશાસનિક ફેરફારો થવાના સંકેતો મળી રહ્યા છે. રાજ્ય સરકાર ટૂંક સમયમાં વરિષ્ઠ IPS અધિકારીઓની બદલી અને નવી નિમણૂકો અંગે નિર્ણય લઈ શકે છે તેવી ચર્ચાઓ તેજ બની છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકાર હાલ વરિષ્ઠ પોલીસ અધિકારીઓની કામગીરીની સમીક્ષા કરી રહી છે. સાથે જ પોલીસ વિભાગમાં ખાલી પડેલી મહત્વપૂર્ણ જગ્યાઓ ભરવા માટે પણ તૈયારી શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને રાજકોટ, અમદાવાદ અને સુરત જેવા મહાનગરોમાં મોટા પાયે ફેરબદલી થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સરકાર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બને તેમજ ગુનાખોરી પર અસરકારક નિયંત્રણ રહે તે માટે અનુભવી અને કાર્યક્ષમ અધિકારીઓને મહત્વપૂર્ણ પોસ્ટિંગ આપવા માગે છે.
લાંબા સમયથી એક જ જગ્યાએ ફરજ બજાવતા અધિકારીઓ તેમજ તાજેતરમાં પ્રમોશન મેળવનારા અધિકારીઓને નવી જવાબદારીઓ સોંપવામાં આવી શકે છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ હવે પ્રશાસનિક તંત્રને વધુ ગતિ આપવા સરકાર સક્રિય બની હોવાનું માનવામાં આવી રહ્યું છે. રાજકોટમાં તાજેતરમાં બનેલી કેટલીક ઘટનાઓ અને વહીવટી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ત્યાં નવા પોલીસ કમિશનર અથવા અન્ય વરિષ્ઠ અધિકારીઓની નિમણૂક અંગે ખાસ ચર્ચા ચાલી રહી છે.
આ ઉપરાંત અમદાવાદ, વડોદરા અને સુરત જેવા મહત્વપૂર્ણ પોલીસ કમિશનરેટમાં પણ કેટલાક ફેરફારો થવાની શક્યતા છે. સરકાર દ્વારા બદલી પ્રક્રિયામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી, કામગીરીની પારદર્શિતા અને પ્રશાસનિક કાર્યક્ષમતાને મુખ્ય માપદંડ બનાવવામાં આવશે. હજુ સુધી સત્તાવાર ટ્રાન્સફર યાદી જાહેર કરવામાં આવી નથી, પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર ચાલુ મહિનાના અંત સુધીમાં અથવા આગામી પખવાડિયામાં બદલીના આદેશો બહાર પડી શકે છે.
કેટલાક એવા અધિકારીઓને પણ મુખ્ય પ્રવાહમાં લાવવામાં આવી શકે છે, જેઓ હાલ સાઈડ પોસ્ટિંગમાં ફરજ બજાવી રહ્યા છે. આ સંભવિત ફેરબદલીને કારણે રાજ્યના પોલીસ બેડામાં ભારે ચર્ચા અને ઉત્સુકતા જોવા મળી રહી છે. સરકારના આગામી નિર્ણય પર હવે સમગ્ર પોલીસ તંત્રની નજર ટકેલી છે.


