ગીર ગઢડાના ભાખા ગામે ઈજાગ્રસ્ત શાહુડીનો શિકાર કરનારા ભાવનગરના 3 ઝડપાયા
જામવાળા રેન્જ વનવિભાગની ત્વરિત કાર્યવાહી, કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા બાદ આરોપીઓને જેલહવાલે કર્યા
અગ્ર ગુજરાત, ઉના
ગીર પશ્ચિમના જામવાળા વન વિસ્તારમાં વન્યજીવ સંરક્ષણના નિયમોને નેવે મૂકીને નિર્દયતાપૂર્વક શાહુડીનો શિકાર કરવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભાવનગરના ત્રણ શખ્સો એ વાહનની ટક્કરે ઈજાગ્રસ્ત થયેલી શાહુડીને પકડી, કેરીના બગીચામાં લઈ જઈ ધારદાર હથિયારથી તેનો શિકાર કર્યો હતો. જામવાળા રેન્જ વન વિભાગે સમયસૂચકતા વાપરી ત્રણેય આરોપી ઓને રંગેહાથ ઝડપી પાડ્યા છે. કોર્ટે આરોપીઓના રિમાન્ડ મંજૂર કર્યા બાદ જામીન અરજી નામંજૂર કરી જેલહવાલે કર્યા છે.
જામવાળા રેન્જ હેઠળ આવતા ભાખા ગામથી જામવાળા ગામ તરફ જતા માર્ગ પર એક શાહુડી અજાણ્યા વાહનની અડફેટે આવતા ગંભીર રીતે ઘાયલ થઈ હતી. દરમિયાન ત્યાંથી પસાર થતા ભરતભાઈ ભીમજી સોલંકી, જીવરાજભાઈ રમેશ સોલંકી અને ભરત પરસોત્તમભાઈ સોલંકી (ત્રણેય રહે.ભાવનગર ની નજર ઈજાગ્રસ્ત શાહુડી પર પડી હતી.માનવતાનું ઉદાહરણ પૂરું પાડવાને બદલે ત્રણેય શખ્સોએ ઘાયલ શાહુડીને પકડી લીધી હતી. ત્યારબાદ તેઓ શાહુડીને નજીકમાં આવેલા ચીમનભાઈ ઉકાભાઈ બુહાના કેરીના બગીચામાં લઈ ગયા હતા. જ્યાં ત્રણેયે મળીને જીવતી શાહુડીને ધારદાર હથિયાર વડે મારી નાખી હતી અને તેને ખાવાના ઈરાદે કાપવાની શરૂઆત કરી હતી.
આ ગંભીર ગુનાની જાણ વન વિભાગને થતાં જ તંત્ર હરકતમાં આવ્યું હતું. ગીર પશ્ચિમ વનવિભાગ,જૂનાગઢ ના ડી.સી.એફ. પ્રશાંત તોમર અને એ.સી.એફ. પ્રભાકર ના સીધા માર્ગદર્શન હેઠળ જામવાળારેન્જનાઆર.એફ. ઓ. એમ.જે. દોમડાની ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી.ભાયાદર રાઉન્ડ ફોરેસ્ટર ડી.કે.મકવાણા, બીટ ગાર્ડ જે.એમ. જોરાભાઈ, ઉપેક્ષાબેન ચૌહાણ અને હરેશભાઈ સોલંકી સહિતના સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી શિકાર કરાયેલી શાહુડીના અવશેષો અને ગુના માં વપરાયેલું ધારદાર હથિયાર કબજે કરી ત્રણેય શિકારીઓને રંગેહાથ ઝડપી પાડ્યા હતા.
વન વિભાગે ત્રણેય આરોપીઓને ગીરગઢડા કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે વધુ પૂછપરછ માટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. રિમાન્ડ પૂર્ણ થયા બાદ આરોપીઓને ફરી કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા.
સરકારી વકીલની દલીલો અને ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ નામદાર કોર્ટે આરોપીઓની જામીન અરજી ફગાવી દઈ ત્રણેયને જેલહવાલે કરવાનો હુકમ કર્યો છે. કોર્ટના આ કડક વલણથી શિકારીઓમાં ફફડાટ ફેલાયો છે


