ગીર સોમનાથ જિલ્લામાં મુખ્ય પાંચ જળાશયોની સ્થિતિ અતિ ચિંતાજનક
હિરણ-૧માં ૨૮.૬૫, બેમાં ૧૯.૪૫, શિંગોડામાં 3૨.3પ, મચ્છુન્દ્રીમાં 3૯.33 અને રાવલમાં ૬૭.૧૫ ટકા જથ્થો
અગ્ર ગુજરાત, ગીર સોમનાથ
ગીર સોમનાથ જિલ્લામાં ચોમાસાની અનિશ્ચિતતા અને અલ નીનોની સંભવિત અસરને કારણે પાંચ મુખ્ય જળાશયોની સ્થિતિ ચિંતાજનક બની છે. જિલ્લામાં હજુ સુધી સંતોષકારક વરસાદ ન નોંધાતા આગામી દિવસોમાં પાણીની તંગી સર્જાવાની આશંકા છે.
સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર જયેશ કારાવદરાએ જણાવ્યું કે, જિલ્લામાં હિરણ-1, હિરણ-2, શિંગોડા, મચ્છુન્દ્રી અને રાવલ એમ પાંચ મુખ્ય સિંચાઈ યોજનાઓ છે. હાલમાં હિરણ-1 ડેમમાં 28.65%, હિરણ-2 ડેમમાં 19.45%, શિંગોડા ડેમમાં 32.35%, મચ્છુન્દ્રી ડેમમાં 39.33% અને રાવલ ડેમમાં 67.15% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.
જિલ્લાના સૌથી મોટા અને મહત્વપૂર્ણ ઉમરેઠી સ્થિત હિરણ-2 ડેમની સ્થિતિ વિશેષ ચિંતાજનક છે. ગત વર્ષે આ જ સમયે ડેમમાં 26.42% પાણી હતું, જ્યારે હાલમાં તે ઘટીને માત્ર 19.45% થયું છે. ગત વર્ષે જૂનમાં કેચમેન્ટ વિસ્તારમાં વરસાદ નોંધાતા જળસંગ્રહ વધ્યો હતો, પરંતુ આ વર્ષે પૂરતો વરસાદ થયો નથી.
હિરણ-2 ડેમ પરથી ઇન્ડિયન રેયોન, GHCL જેવા મોટા ઔદ્યોગિક એકમો, વેરાવળ અને સુત્રાપાડા નગરપાલિકા, વેરાવળ જૂથ પાણી પુરવઠા યોજના, ચોરવાડ જૂથ પાણી પુરવઠા યોજના, સોમનાથ મંદિર ટ્રસ્ટ અને તાલાલા એજ્યુકેશન ટ્રસ્ટ સહિત અનેક સંસ્થાઓને પાણી પૂરું પાડવામાં આવે છે. દર મહિને ઉદ્યોગો દ્વારા આશરે 11.944 MCFT પાણીનો ઉપાડ થાય છે, જ્યારે 26.651 MCFT પાણી પીવાના ઉપયોગ માટે ફાળવવામાં આવે છે.
સિંચાઈ વિભાગના અંદાજ મુજબ, હાલનો જળજથ્થો 31 જુલાઈ સુધી પૂરતો રહી શકે છે. જોકે, જુલાઈ અને ઓગસ્ટ દરમિયાન પણ વરસાદ ખેંચાય અથવા સામાન્ય કરતાં ઓછો રહે તો સ્થિતિ ઝડપથી વિકટ બની શકે છે. આ સંજોગોમાં ખેડૂતો, નગરપાલિકાઓ અને પાણી પુરવઠા તંત્ર માટે પડકારો વધવાની શક્યતા છે.
કાર્યપાલક ઈજનેર જયેશ કારાવદરાએ સ્પષ્ટ કર્યું છે કે જો અલ નીનોની અસરને કારણે વરસાદમાં વધુ વિલંબ થશે તો સૌપ્રથમ પીવાના પાણીની સુરક્ષા સુનિશ્ચિત કરાશે. જરૂરિયાત ઊભી થતાં ઉદ્યોગોને અપાતા પાણીના જથ્થામાં કાપ મૂકી પીવાના પાણી માટે અનામત જથ્થો જાળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.


