ગોંડલની સરકારી બેંકની નવી ઇમારતમાં રોડા નાખતા વિરોધીઓને આડે હાથ લેતા પૂર્વ ધારાસભ્ય
બેંકની ૭૧મી વાર્ષિક સાધારણ સભા સંપન્ન : ફિકસ ડિપોઝીટ ૪૦૮ કરોડ સુધી પહોંચી : હિસાબો રજૂ કરાયા
અગ્ર ગુજરાત, રાજકોટ
ગોંડલ શહેરની પ્રતિષ્ઠિત અને ૫૮ હજાર જેટલા સભાસદો ધરાવતી ગોંડલ નાગરિક સહકારી બેંકની ૭૧મી વાર્ષિક સાધારણ સભા કડવા પટેલ સમાજ વાડી ખાતે ભવ્ય રીતે યોજાઇ હતી. આ સભામાં બેંકની ઉત્તરોત્તર પ્રગતિ અને રેકોર્ડબ્રેક નફાની માહિતી રજૂ કરવામાં આવી હતી. જોકે, આ સાધારણ સભામાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનું સંબોધન ભારે ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું. તેમણે બેંકની નવી ઇમારતના નિર્માણમાં રોડા નાખતા વિરોધીઓને આકરા શબ્દોમાં આડે હાથ લીધા હતા.
ગોંડલની કડવા પટેલ સમાજ વાડી ખાતે ઉપસ્થિત આગેવાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી ગોંડલ નાગરિક સહકારી બેંકની 71મી સાધારણ સભાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ સભામાં પ્રબુદ્ધ નાગરિકો અને મોટી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યા હતા.
બેંકના વાઇસ ચેરમેન ઓમદેવસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, “એક નાના વૃક્ષ સમાન શરૂ થયેલી આ બેંક આજે એક વિશાળ વટવૃક્ષ બની ચૂકી છે, અને નાના વેપારીઓને લોન આપી તેમને પગભર કરવા એ અમારી પ્રાથમિકતા છે.” તો બીજી તરફ, બેંકના ચેરમેન કિશોરભાઈ કાલરીયાએ ગર્વભેર જણાવ્યું કે, છેલ્લા ત્રણ વર્ષથી બેંક રેકોર્ડ બ્રેક નફો કરી રહી છે. ભૂતકાળમાં બેંકની ફિક્સ ડિપોઝિટ 262 કરોડ હતી, જે આજે વધીને 408 કરોડ સુધી પહોંચી ગઈ છે. જે માટે તેમણે સભાસદો અને વેપારીઓનો આભાર માન્યો હતો. સભામાં બેંક મેનેજર દિલીપભાઈ ભટ્ટે વર્ષ 2025-2026 નો વાર્ષિક અહેવાલ પણ રજૂ કર્યો હતો.
આ સાધારણ સભામાં ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ પોતાના ઉદ્બોધનથી માહોલ ગરમાવી દીધો હતો. બેંકના નવા બિલ્ડીંગ અંગે સ્પષ્ટતા કરતા તેમણે વિરોધીઓ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે સંસ્થા પાસે નવું બિલ્ડીંગ બનાવવા માટે પૂરતું ફંડ છે, પરંતુ કેટલાક તત્વો ખોટી અરજીઓ કરી વિકાસના કામમાં વિઘ્નો ઊભા કરી રહ્યા છે.
પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ ઉદબોધન માં જણાવ્યું હતું કે નવું બિલ્ડિંગ બનાવવા માટે આપણી પાસે બિલ્ડિંગ ફંડ છે, પણ એમાં વિઘ્ન શું છે એ તમે બધા જાણો છો. હજી આપણે જમીન ખરીદી નથી, હજી બિલ્ડિંગ બન્યું નથી કે પાયો પણ નખાણો નથી, ત્યાં એવા આક્ષેપ થાય છે કે આમાં તો ભ્રષ્ટાચાર થઈ ગયો. સંસ્થાને બદનામ કરવા માટે RBI માં ખૂબ જ પત્રવ્યવહાર થાય છે. જો ઈશ્વર તેમને સદબુદ્ધિ આપે અને આ બધું બંધ થાય તો આપણે બિલ્ડીંગનું કામ અત્યંત નિષ્ઠાથી કરવાનું છે. આવતા દિવસોમાં બેંક તરફથી તમને વધુમાં વધુ સુવિધા મળશે.”
પૂર્વ ધારાસભ્યએ સભાસદોને પણ અપીલ કરી હતી કે બેંકના સ્ટાફની કે અન્ય કોઈ પણ નાની-મોટી ફરિયાદ હોય તો વિના સંકોચે ધ્યાન પર લાવવી. આ સાધારણ સભામાં માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા, વાઇસ ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ રીનાબેન ભોજાણી, તાલુકા પંચાયત પ્રમુખ ભરતભાઈ ઢોલરીયા સહિત રાજકીય અને સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન પ્રફુલભાઈ ટોળીયાએ કર્યું હતું. બેંકના વિકાસની સાથે સાથે આ સભામાં વિરોધીઓને અપાયેલો ખુલ્લો પડકાર શહેરભરમાં ચર્ચાનો વિષય બન્યો છે.


