એક વર્ષથી તંત્રની ઘોર બેદરકારી
વલ્લભીપુરના પાણવી ગામમાં હાઇવેની કામગીરીના કારણે ગટરના પાણી ભરાયા, રોગચાળાનો ભય
વારંવારની રજૂઆતો છતાં સરપંચ અને ટીડીઓ મૌન; ગંદા પાણી અને મચ્છરોના ઉપદ્રવથી બાળકો બીમાર પડતા ગ્રામજનોમાં ભારે આક્રોશ
અગ્ર ગુજરાત, વલભીપુર
વલભીપુર તાલુકાના પાણવી ગામમાં વિકાસના નામે વિનાશ જેવી સ્થિતિ સર્જાઈ છે. હાઇવેની કામગીરી દરમિયાન જવાબદાર તંત્ર અને કોન્ટ્રાક્ટર દ્વારા ગામની વર્ષો જૂની ગટર વ્યવસ્થા તોડી પાડવામાં આવી હતી. આટલું ઓછું હોય તેમ, ત્યારબાદ માટીનો મોટો પાળો બાંધીને પાણીનો કુદરતી નિકાલ પણ કાયમ માટે બંધ કરી દેવામાં આવ્યો છે. જેના કારણે છેલ્લા એક વર્ષ જેટલા લાંબા સમયથી ગામના પાદરમાં અને રહેણાંક વિસ્તારોમાં ગટરના ગંદા પાણીનો ભરાવો થઈ રહ્યો છે. તંત્રની આ ઘોર બેદરકારી સ્થાનિક રહીશોના આરોગ્ય અને જીવ સાથે સીધા ચેડા સમાન સાબિત થઈ રહી છે.
ગામના મુખ્ય માર્ગો અને મકાનોની આસપાસ ગટરના ગંદા અને કેમિકલયુક્ત પાણી જમા થવાના કારણે સમગ્ર વિસ્તાર નરકાગારમાં ફેરવાઈ ગયો છે. અસહ્ય દુર્ગંધના કારણે સ્થાનિક લોકોનું જીવવું દુષ્કર બન્યું છે. આ સ્થગિત પાણીમાં મોટા પાયે મચ્છરો અને ઝેરી જીવાતોનો ઉપદ્રવ વધ્યો છે, જેના સીધા ભોગ નિર્દોષ બાળકો બની રહ્યા છે. ગામમાં ઘરે-ઘરે તાવ, શરદી, અને મચ્છરજન્ય રોગોના ખાટલા જોવા મળી રહ્યા છે. છતાં પણ વહીવટી તંત્ર જાણે કોઈ મોટી જાનહાનિની રાહ જોઈને બેઠું હોય તેમ સુષુપ્ત અવસ્થામાં છે.
આ બાબતે પાણવી ગામના જાગૃત નાગરિકો અને આગેવાનો દ્વારા સ્થાનિક કક્ષાએ ગ્રામ પંચાયતના સરપંચ તેમજ તાલુકા વિકાસ અધિકારી (TDO)ને અસંખ્ય વાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. આક્રોશિત ગ્રામજનોનું કહેવું છે કે, “અમે વારંવાર કચેરીઓના ધક્કા ખાઈને થાકી ગયા છીએ, પરંતુ અધિકારીઓના પેટનું પાણી હલતું નથી.” સ્થાનિક સ્તરેથી માત્ર ઠાલા આશ્વાસનો સિવાય કોઈ નક્કર કામગીરી ન થતા હવે આ પ્રશ્નને ઉચ્ચ સ્તરે, એટલે કે જિલ્લા કલેક્ટર અને મુખ્યમંત્રી કક્ષા સુધી લઈ જવાની ફરજ પડી છે.
ગ્રામજનોની ઉગ્ર આંદોલનની ચીમકી
હાઇવે ઓથોરિટી અને સ્થાનિક વહીવટી તંત્રના અણઘડ આયોજનના કારણે આખું ગામ રોગચાળાના મુખમાં ધકેલાઈ ગયું છે. જો આગામી દિવસોમાં આ ગટર વ્યવસ્થાનું તાકીદે પુનઃનિર્માણ કરવામાં નહીં આવે અને પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા નહીં કરાય, તો પાણવી ગામના રહીશો દ્વારા ઉગ્ર આંદોલન અને હાઇવે ચક્કાજામ કરવાની ચીમકી ઉચ્ચ કક્ષાએ મોકલેલી રજૂઆતમાં આપવામાં આવી છે. હવે જોવાનું એ રહે છે કે આ કુંભકર્ણ નિદ્રામાં સૂતેલું તંત્ર ક્યારે જાગે છે.


