જૂનાગઢની સરકારી હોસ્ટેલમાં એડમીશન વગર રહેતા વિદ્યાર્થીની આત્મહત્યા
માનસિક બિમાર હોવાની પિતાની કબૂલાત, અગાઉ પણ આપઘાતની કોશીશ કરી હતી
અગ્ર ગુજરાત, જૂનાગઢ
જૂનાગઢના રેલવે સ્ટેશન નજીક કેવડાવાડી વિસ્તારમાં આવેલી સરકારી ‘ડો. ભીમરાવ આંબેડકર કુમાર છાત્રાલય’માં 26 વર્ષીય જયેશ ભીખુભાઈ સોલંકી નામના યુવાને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. મૃતક યુવાન છાત્રાલયમાં કોઈ પણ સત્તાવાર પ્રવેશ (એડમિશન) વગર ‘ગેસ્ટ’ તરીકે રહેતો હતો. આ ઘટનાએ સરકારી હોસ્ટેલોમાં ચાલતા ગેરકાયદેસર વહીવટ અને વહીવટી તંત્રની નિષ્ક્રિયતાની ગંભીર પોલ ખોલી દીધી છે.
આ ઘટનાના માત્ર 16 દિવસ પહેલા જ 4 એપ્રિલ, 2026ના રોજ હર્ષ જાદવ નામના વિદ્યાર્થીએ જિલ્લા કલેક્ટર અને સમાજ કલ્યાણ અધિકારી ચેતન પવારને લેખિતમાં આ ગેરકાયદેસર વહીવટની જાણ કરી હતી. વિદ્યાર્થીએ પુરાવાઓ સાથે રજૂઆત કરી હતી કે, હોસ્ટેલમાં ગેરકાયદે યુવાનો રહે છે. જો તે સમયે તંત્રએ તપાસ કરી હોત અને કાર્યવાહી કરી હોત તો કદાચ આજે એક આશાસ્પદ યુવાનનો જીવ બચી શક્યો હોત. રજૂઆત કરવા ગયેલા વિદ્યાર્થીઓને વોર્ડન અને સિક્યુરિટી દ્વારા અત્યંત અભદ્ર રીતે ધમકાવીને હાંકી કાઢવામાં આવ્યા હતા, જે તંત્રની દાદાગીરી અને ભ્રષ્ટ માનસિકતા દર્શાવે છે.
મૃતક જયેશ સોલંકી MSC સુધીનો અભ્યાસ પૂર્ણ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યો હતો. તેના પિતા ભીખાભાઈ સોલંકીના જણાવ્યા મુજબ જયેશ છેલ્લા 9 વર્ષથી આ હોસ્ટેલમાં રહેતો હતો. તે માનસિક રીતે બીમાર હતો અને દવાઓ ચાલુ હતી. અગાઉ પણ તેણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. પ્રશ્ન એ થાય છે કે, ગંભીર માનસિક બીમારી ધરાવતો યુવાન કોઈપણ સત્તાવાર નોંધ વગર સરકારી હોસ્ટેલમાં કેવી રીતે રહી શકે? હોસ્ટેલના CCTV હોવા છતાં આ ગેરકાયદેસર પ્રવૃત્તિ કેમ અધિકારીઓની નજરે ન ચડી?
આ ઘટના માત્ર એક આત્મહત્યા નથી, પરંતુ વહીવટી તંત્રની નિષ્ફળતાનું સ્મારક છે. હોસ્ટેલના આ કૌભાંડમાં મોટું રાજકીય પીઠબળ હોવાની આશંકા સેવાઈ રહી છે. હાલ પોલીસ તપાસ ચાલી રહી છે, પરંતુ હવે સમય આવી ગયો છે કે કલેક્ટર, સમાજ કલ્યાણ અધિકારી અને વોર્ડન જેવા જવાબદાર લોકો સામે કડક પગલાં લેવામાં આવે. જો જવાબદારો સામે કાર્યવાહી નહીં થાય તો આવી દુર્ઘટનાઓનું પુનરાવર્તન થતું રહેશે અને લાયક વિદ્યાર્થીઓ અન્યાયનો ભોગ બનતા રહેશે. તેવી ચર્ચા થઇ રહી છે.


