લોકોની સમસ્યાનો તાત્કાલીક નિવેડો લાવવા મુખ્યમંત્રીનું સરકારી વિભાગોને ફરમાન
૨૦થી વધારે સેવાઓ ઓનલાઇન ઉપલબ્ધ કરાવવા સહિતની કેબીનેટ બેઠકમાં ચર્ચા
અગ્ર ગુજરાત, ગાંધીનગર
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના શાનદાર પરિણામો બાદ આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મહત્વની કેબિનેટ બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કેબિનેટ બ્રિફિંગ આપતા જણાવ્યું હતું કે, ચૂંટણીમાં ભાજપનો વિજય એ સરકારની કામગીરી પર જનતાએ મૂકેલો વિશ્વાસ છે. બેઠકમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને અભિનંદન પાઠવતો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો.
જીતુ વાઘાણીએ ઉમેર્યું કે, SC, ST અને OBC સમાજના ઉત્થાન માટે સરકારે જે નીતિઓ અમલમાં મૂકી છે, તેનું પ્રતિબિંબ ચૂંટણી પરિણામોમાં જોવા મળ્યું છે. આ વિજય સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ છે. જનતાના આ ભરોસાને જાળવી રાખવા મુખ્યમંત્રીએ વહીવટી તંત્રને સ્પષ્ટ સૂચના આપી છે કે લોકોની જે સમસ્યાઓ ચૂંટણી પ્રચાર દરમિયાન ધ્યાન પર આવી છે, તેનો ત્વરિત નિકાલ કરવામાં આવે. ચીફ સેક્રેટરીને આ અંગે ખાસ આદેશ આપી અધૂરા કામો ઝડપથી પૂર્ણ કરવા જણાવાયું છે.
બેઠકમાં આગામી આયોજનો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આગામી 1 મે ના રોજ સુરત ખાતે ‘રીજિયોનલ વાઈબ્રન્ટ કોન્ફરન્સ’ યોજાશે, જેમાં દક્ષિણ અને મધ્ય ગુજરાતના 16 જિલ્લાઓને આવરી લેવામાં આવશે. આ કોન્ફરન્સમાં ટેક્સટાઈલ, ગ્રીન એનર્જી, સંરક્ષણ અને આઈટી જેવા મહત્વના ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ ઉપરાંત, વહીવટી પારદર્શિતા વધારવા માટે મુખ્યમંત્રીએ 20 જેટલી સરકારી સેવાઓ ઓનલાઈન અને સરળતાથી ઉપલબ્ધ કરાવવા સૂચના આપી છે. નવા શિક્ષણ સત્ર અંગે પણ કેબિનેટમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
૨૦૨૭માં પ્રચંડ વિજય મેળવશે ભાજપ : પ્રવકતા મંત્રી વાઘાણી
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભગવો લહેરાઈ ચૂક્યો છે, ત્યારે અત્યારથી વર્ષ 2027માં આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓને લઈને અત્યારથી જ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ એક મોટું નિવેદન આપતા દાવો કર્યો છે કે વર્ષ 2027માં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થશે.
વિરોધ પક્ષ પર નિશાન સાધતા પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ ભલે ગમે તેટલા પ્રયાસો કરે પરંતુ જનતા તેમને સ્વીકારવા તૈયાર નથી. તેમણે કટાક્ષ કરતા કહ્યું કે 2027માં પણ કોંગ્રેસનો ‘પંનો’ ટૂંકો પડશે, વિપક્ષ પાસે ન તો કોઈ ચોક્કસ વિઝન છે કે ન તો નેતૃત્વ. ભાજપના વિકાસકાર્યો સામે વિરોધ પક્ષના તમામ દાવ ફેઈલ જશે.
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ભાજપે અત્યારથી જ 2027ની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે અમે 2027ની જીત માટેનો મજબૂત પાયો તાજેતરની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જ નાખી દીધો છે. જનતાનો ભાજપ પરનો અતૂટ વિશ્વાસ સાબિત કરે છે કે ભવિષ્યમાં પણ રાજ્યમાં કમળ જ ખીલશે.”
મંત્રીએ વધુમાં ઉમેર્યું કે સરકારની જનકલ્યાણકારી યોજનાઓ અને પાયાની સુવિધાઓના કામોને કારણે ભાજપ હંમેશા લોકોની પ્રથમ પસંદગી રહી છે. સંગઠનલક્ષી તૈયારીઓ અને કાર્યકર્તાઓના જોરે ભાજપ 2027માં ફરી એકવાર પ્રચંડ બહુમતી સાથે સત્તામાં આવશે તેવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો.


