રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ગેરકાયદે હથિયારો સાથે બે શખ્સોને દબોચ્યા
બે પિસ્ટલ, એક દેશી તમંચો અને 8 જીવતા કાર્ટૂસ કબજે કરાયા ; બંને સામે અગાઉ પણ આર્મ્સ એક્ટ સહિતના ગુનાઓ નોંધાયેલા
અગ્ર ગુજરાત, રાજકોટ
શહેરમાં ગેરકાયદેસર હથિયારો ધરાવતા તત્વો સામે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે વધુ એક અસરકારક કાર્યવાહી હાથ ધરી છે. બે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડી પોલીસે બે શખ્સોની ધરપકડ કરી તેમની પાસેથી બે દેશી બનાવટની પિસ્ટલ, એક દેશી તમંચો અને કુલ આઠ જીવતા કાર્ટૂસ કબ્જે કર્યા છે. બંને આરોપીઓ સામે અગાઉ પણ આર્મ્સ એક્ટ સહિતના ગંભીર ગુનાઓ નોંધાયેલા હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
રાજકોટ શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર ચૈતન્ય મંડલીક, નાયબ પોલીસ કમિશ્નર (ક્રાઇમ) જગદીશ બાંગરવા તથા મદદનીશ પોલીસ કમિશ્નર (ક્રાઇમ) ભરત બસીયાના માર્ગદર્શન હેઠળ શહેરમાં ગેરકાયદે હથિયારો ધરાવતા તત્વો સામે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. તેના ભાગરૂપે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એસ. ચાવડા, એમ.એલ. ડામોર અને સી.એચ. જાદવના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવી કાર્યવાહી કરવામાં આવી હતી.
પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.એમ. રાણા અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી ચોક્કસ બાતમીના આધારે વાવડી-રસુલપરા રોડ પરથી રહીમભાઈ ઉર્ફે જામનગરી સિદ્દીકભાઈ સાંધ (ઉ.વ. 50), રહે. રસુલપરા, રાજકોટને ઝડપી પાડવામાં આવ્યો હતો. તેની પાસેથી એક દેશી બનાવટની પિસ્ટલ અને બે જીવતા કાર્ટૂસ મળી આવ્યા હતા. ત્યારબાદ પોલીસે તેના રહેણાંક મકાનની તપાસ કરતાં ત્યાંથી વધુ એક દેશી તમંચો અને ચાર જીવતા કાર્ટૂસ મળી આવ્યા હતા. આમ કુલ એક પિસ્ટલ, એક તમંચો અને છ કાર્ટૂસ સહિત અંદાજે રૂ. 36,200નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આરોપી સામે આર્મ્સ એક્ટ, ભારતીય ન્યાય સંહિતા (BNS) તથા જી.પી. એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
બીજી કાર્યવાહીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.ડી. ડોડીયા અને તેમની ટીમે ખાનગી બાતમીના આધારે 80 ફૂટ રોડ પર અમૂલ સર્કલ નજીક દરોડો પાડી વસીમ ઉર્ફે સાહબાઝ હબીબભાઈ કુરેશી (ઉ.વ. 37), રહે. દુધસાગર રોડ, રાજકોટને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી એક દેશી બનાવટની પિસ્ટલ, બે જીવતા કાર્ટૂસ તેમજ એક મોબાઇલ ફોન મળી આવ્યો હતો. કુલ રૂ. 35,200નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી સામે આર્મ્સ એક્ટ, ભારતીય ન્યાય સંહિતા અને જી.પી. એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.
પકડાયેલા રહીમ ઉર્ફે જામનગરી સામે અગાઉ મારામારી, ધમકી, જાહેર શાંતિ ભંગ તેમજ આર્મ્સ એક્ટના અનેક ગુનાઓ નોંધાયેલા છે. વર્ષ 2022માં તેની સામે પાસા હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી હતી. જ્યારે વસીમ ઉર્ફે સાહબાઝ સામે પણ અગાઉ આર્મ્સ એક્ટ તેમજ મારામારી સંબંધિત ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પ્રાથમિક તપાસમાં બંને આરોપીઓ ગેરકાયદેસર હથિયારો ક્યાંથી લાવ્યા હતા, તેનો ઉપયોગ કયા હેતુ માટે થવાનો હતો અને તેની પાછળ કોઈ મોટું નેટવર્ક કાર્યરત છે કે કેમ તે દિશામાં ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ શરૂ કરી છે. ક્રાઇમ બ્રાન્ચનું માનવું છે કે શહેરમાં ગેરકાયદેસર હથિયારોના પ્રવેશને રોકવા માટે આવી કાર્યવાહી સતત ચાલુ રહેશે. આ સમગ્ર ઓપરેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર એ.એસ. ચાવડા, એમ.એલ. ડામોર, સી.એચ. જાદવ, પીએસઆઈ વી.ડી. ડોડીયા, એસ.એમ. રાણા સહિત ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ અને કર્મચારીઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.


