વેરાવળમાં ફિલ્મીઢબે ફાયરીંગ કરી હત્યા નિપજાવનાર એફ એમ ગ્રૂપના ચારેય આરોપીઓની ધરપકડ
પિસ્તોલ-જીવતા કાર્ટુસો સાથે કેશોદ બાયપાસ અને ઉમરેઠી ડેમ વિસ્તારમાંથી ઝડપી લીધા
ઘંધાકીય હરીફાઈની અદાવત અને ચુંટણીના મનદુઃખના કારણે હત્યા કરી હોવાનો પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલાસો
અગ્ર ગુજરાત, ગીર સોમનાથ
સંવેદનશીલ વેરાવળમાં દિનદહાડે થયેલ ચકચારી ફાયરિંગ વિથ મર્ડરની ઘટનામાં પોલીસને મોટી સફળતા મળવાની સાથે ચોંકાવનારી વિગતો જાણવા મળી છે. આ સરાજાહેર થયેલ ફાયરીંગની ઘટનામાં તુરક સમાજના જાવીદ તજવાણીના મોત બાદ સમગ્ર શહેરમાં ભારે ચકચાર મચી હતી. ત્યારે ગીર સોમનાથ પોલીસે માત્ર 24 કલાકની અંદર જ ઘટનાને અંજામ આપનાર મુખ્ય શુટર કુખ્યાત એફ એમ ગ્રૂપના ફારૂક મૌલાના સહિત ચાર આરોપીઓને ઝડપી પાડયા છે. આ સાથે હત્યામાં ઉપયોગ થયેલ દેશી રીવોલ્વર અને બે જીવતા કાર્ટુસ કબ્જે કરવામાં આવ્યા છે. આ હત્યા ટ્રાન્સપોર્ટના ધંધાની અદાવત અને ચૂંટણી દરમ્યાન થયેલા મનદુઃખના કારણે કરવામાં આવી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે.
વેરાવળના સોમનાથ ટોકીઝ નજીક ગઇકાલે બપોરે ફિલ્મી સ્ટાઇલમાં સરાજાહેર ફાયરિંગની ઘટના બની હતી. જેમાં બર્ગમેન મોપેડ પર આવેલા ચાર આરોપીઓએ જાવીદ ઉર્ફે જાહીદ તજવાણીને નિશાન બનાવી કપાળના ભાગે ગોળી મારી હતી. જેથી ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયેલા ત્યારે સારવાર દરમ્યાન જાવીદનું મોત નિપજ્યું હતું. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા જેમાં હુમલાખોરો સ્પષ્ટ દેખાયા હતા. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી જિલ્લા પોલીસવડા જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એલસીબી, એસઓજી અને વેરાવળ સીટી પોલીસની અલગ અલગ ટીમોની રચના કરી તપાસમાં જોડાઈ હતી. ટેકનિકલ સર્વેલન્સ, સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સિસના આધારે પોલીસે આજે વહેલી સવારે ચારેક વાગ્યા આસપાસ કેશોદ બાયપાસ પરથી ત્રણ અને ઉમરેઠી ડેમ વિસ્તારમાંથી એક મળી ચારેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે પકડેલા આરોપીઓમાં મુખ્ય શૂટર ફારૂક મૌલાના, તેનો પુત્ર જાવેદ, ડ્રાઇવર અનીશ કુરેશી અને સમીર ઉર્ફે બાલીનો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી દેશી બનાવટની પિસ્તોલ, બે જીવતા કારતુસ અને બનાવમાં ઉપયોગમાં લેવાયેલા ત્રણ મોપેડ સ્કુટર પણ કબ્જે કર્યા છે.
આ અંગે માહિતી આપતા પોલીસવડા જયદીપસિંહ જાડેજાના જણાવ્યા મુજબ ટ્રાન્સપોર્ટના ધંધામાં સ્પર્ધાની અદાવત અને સ્થાનિક ચૂંટણીના મનદુઃખના કારણે બંન્ને પક્ષો વચ્ચે ઘણા દિવસોથી રકઝક થઈ રહી હતી. દરમ્યાન આરોપીઓએ પૂર્વયોજિત રીતે હત્યાનું કાવતરૂ રચ્યુ હતુ. મહત્વની વાત એ છે કે મુખ્ય આરોપી ફારૂક મૌલાના સામે અગાઉથી અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. તો હત્યામાં ઉપયોગ થયેલ દેશી કટ્ટો (પિસ્તોલ) ફારૂક મૌલાનાએ ત્રણેક વર્ષ પહેલા ઉત્તરપ્રદેશના ગ્રામ્ય વિસ્તારમાંથી ખરીદેલ હોવાનું જાણવા મળેલ છે.
દિન દહાડે થયેલી આ હત્યાએ વેરાવળ શહેરમાં ભયનો માહોલ ઉભો કર્યો હતો પરંતુ માત્ર 24 કલાકમાં આરોપીઓને ઝડપી પાડી ગીર સોમનાથ પોલીસે ઝડપી કામગીરીનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. હાલ પોલીસ આરોપીઓના અન્ય સાગરિતો અને હથિયારના સ્ત્રોત અંગે વધુ તપાસ ચલાવી રહી છે. તો મૃતક અને આરોપીઓના ધંધાકીય અને રહેણાંક વિસ્તારોમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે હેતુસર ચુસ્ત બંદોબસ્ત તૈનાત રાખેલ છે.
વધુમાં એસપી જયદીપસિંહ જાડેજાના જણાવ્યા મુજબ આ બીજી જીવલેણ ઘટના પણ મુળ ફાયરીંગની ઘટના સંદર્ભમાં જ બન્યો હોવાથી બંન્ને દિશામાં પોલીસ તપાસ ચાલી રહી છે. તો બીજી તરફ મૃતકના ભાઈએ ફાયરીંગની ઘટનાનો મુખ્ય કાવતરાખોર રફીક મૌલાના જ ષડયંત્ર કાર હોવાનો આક્ષેપ કર્યો છે. ત્યારે આગામી દિવસોમાં પોલીસની આગળની તપાસ તરફ સૌ ની નજર ટકેલી છે.
ફારૂક મૌલાનાના ભાઈએ મૃતકના ભત્રીજા પર જીવલેણ હુમલો કરેલ
ગઈકાલે વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં થયેલ સરાજાહેર ફાયરીંગ વિથ મર્ડરની ઘટના બાદ એ જ વિસ્તારમાં એફ એમ ગ્રૂપની ઓફિસ પાસેથી જઈ રહેલ મૃતક જાવીદ તાજવાણીના ભત્રીજા ઇંદ્રિશ તાજવાણી ઉપર પણ જીવલેણ હુમલો થયો હતો. જેથી ગંભીર રીતે ઘવાયેલ ઇંદ્રિશ સારવાર અર્થે હોસ્પીટલમાં આવ્યો હતો. જ્યાં તેની પાસેથી વિગતો જાણી પોલીસે હાથ ધરેલ તપાસમાં ફાયરીંગ કરનાર કુખ્યાત ફારૂક મૌલાનાના ભાઈ રફીક મૌલાના અને અન્ય શખ્સએ જ તલવાર, કુહાડી વડે ઇંદ્રિશ પર હુમલો કર્યો હોવાનું જાણવા મળેલ હતુ. જેથી આ ઘટના સંદર્ભે ઇંદ્રિશની ઉપરોકત વિગતો સાથેની ફરીયાદના આધારે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી રફીક મૌલાનાની ધરપકડ કરવામાં આવી હતી. જયારે બીજા શખ્સની પોલીસે શોધખોળ હાથ ધરી છે.


