રાજુલામાં ડો. બાબાસાહેબ વિશે અપમાનજનક ટિપ્પણી કરનાર શખ્સ સામે ગુનો દાખલ
સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરતા કાર્યવાહી
અગ્ર ગુજરાત, રાજુલા
અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં ડો. બાબાસાહેબ આંબેડકરની ૧૩૫મી જન્મજયંતિની ઉજવણીના વિડીયો (રીલ્સ) પર સોશિયલ મીડિયામાં અભદ્ર અને અપમાનજનક ટિપ્પણી કરવા બદલ એક યુવક વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. આ ઘટનાને પગલે દલિત સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટનાની વિગત મુજબ ગત ૧૪ એપ્રિલ ૨૦૨૬ના રોજ રાજુલામાં ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે ભવ્ય રેલી અને પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમો યોજાયા હતાં. આ ઉજવણીનો વિડીયો વિવેકભાઈ પ્રવીણભાઈ બાબરીયાએ પોતાના ઇન્સ્ટાગ્રામ આઈડી “વિવેક ૨૬” પર રીલ્સ તરીકે અપલોડ કર્યો હતો. આ રીલ્સ પર “koli_vinay_8932” નામના ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી ડો. બાબાસાહેબ આંબેડકર વિશે અત્યંત અપમાનજનક ટિપ્પણી કરવામાં આવી હતી. ત્યારબાદ દલિત સમાજના આગેવાન કિશોરભાઈ ધાખડા, કરશનભાઈ રાઠોડ સહિતના મોટી સંખ્યામાં આગેવાનો રાજુલા પોલીસ સ્ટેશન ખાતે એકઠા થયા હતાં. વિવેકભાઈ બાબરીયાની ફરિયાદના આધારે પોલીસે સોશિયલ મીડિયા પર ટિપ્પણી કરનાર યુવક વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ અને અન્ય કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


