કપરાડામાં વીશશેત્ર ગામ નજીક વાન પલટી જતાં સાત મુસાફરના થયા મોત
૧૦થી વધારે લોકો ઘાયલ થતા સારવારમાં ખસેડાયા : હાઇ-વે પર અફરાતફરી સર્જાય
અગ્ર ગુજરાત, વલસાડ
દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાંથી હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. કપરાડાના વીરશેત્ર ગામે મુસાફરો ભરેલી એક પીકઅપ વાન પલટી ખાઈ જતાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 7 લોકોના કરુણ મોત નિપજ્યા છે, જ્યારે 20 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
મળતી માહિતી મુજબ, વીરશેત્ર ગામ પાસેથી પસાર થઈ રહેલી પીકઅપ વાનની અચાનક બ્રેક ફેલ થઈ ગઈ હતી. ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા વાન જોરદાર ધડાકા સાથે રસ્તા પર પલટી ખાઈ ગઈ હતી. અકસ્માત એટલો ભીષણ હતો કે ઘટનાસ્થળે જ ચીસાચીસ મચી ગઈ હતી. વાનમાં સવાર મુસાફરો માંથી 6 વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે, જેના કારણે સ્થાનિક પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
અકસ્માતને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. આ દુર્ઘટનામાં 20 થી વધુ લોકો ઘાયલ થયા છે, જે પૈકી 10 થી વધુ લોકોની હાલત અત્યંત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. વલસાડ પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મૃતકોના પરિવારજનોમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.


