ખેડબ્રહ્માના સંગ્રામપુરા ગામમાં મતદાનના દિવસે ત્રિપલ મર્ડર
કૌટુંબીક કલેશમાં માતા-પત્નિ અને પુત્રની નિર્મમ હત્યા
કુહાડીના ઘા ઝીંકી મોતનું તાંડવ કર્યુ : મર્ડર કરનાર શખ્સનું પણ મોત : બનાવથી સમગ્ર પંથકમાં ચકચાર : પોલીસ અને તંત્રમાં દોડધામ મચી : માતમ છવાયો
અગ્ર ગુજરાત, ખેડબ્રહ્મા
સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના સંગ્રામપુરા ગામમાં એક એવી ઘટના બની છે જેણે સમગ્ર પંથકને હચમચાવી દીધો છે. જ્યાં એક તરફ રાજ્યમાં મતદાનની પ્રક્રિયા ચાલી રહી હતી, ત્યાં બીજી તરફ આ ગામમાં એક જ પરિવારના 3 સભ્યોના મોતથી માતમ છવાઈ ગયો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, પરિવારના મોભીએ કોઈ અગમ્ય કારણોસર ઉશ્કેરાઈ જઈને પોતાની સગી જનેતા, પત્ની અને માત્ર બે વર્ષના નિર્દોષ પુત્ર પર કુહાડીના ઘા ઝીંક્યા હતા. આ હુમલો એટલો ભયાનક હતો કે માતા, પત્ની અને પુત્ર ત્રણેયના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા. પ્રાથમિક અનુમાન મુજબ, પારિવારિક ઝઘડો આ હત્યાકાંડ પાછળનું મુખ્ય કારણ હોઈ શકે છે.
ચોંકાવનારી બાબત એ છે કે, આ ભયાનક કૃત્ય આચર્યા બાદ હુમલો કરનાર વ્યક્તિનું પણ મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. જોકે, તેણે આત્મહત્યા કરી છે કે અન્ય કોઈ કારણ છે તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.
હાલમાં સમગ્ર રાજ્યમાં મતદાનનો બંદોબસ્ત હોવાને કારણે પોલીસની પ્રાથમિક ટુકડી ઘટનાસ્થળે પહોંચી હતી. ખેડબ્રહ્મા પોલીસે મૃતોના દેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની પ્રક્રિયા હાથ ધરી છે. જોકે, ચૂંટણીના બંદોબસ્તને કારણે સત્તાવાર ફરિયાદ નોંધવાની પ્રક્રિયામાં વિલંબ થયો છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, મતદાન પૂર્ણ થયા બાદ આ મામલે સઘન તપાસ હાથ ધરવામાં આવશે અને હત્યા પાછળના ચોક્કસ કારણો બહાર આવશે.


