સૌરાષ્ટ્રમાં ત્રણ ગંભીર બનાવમાં ૧૦ લોકોના મોત
ચોટીલા નજીક ડામર ભરેલા ટેન્કર સાથે ટ્રાવેલ્સ અથડાતા ભીષણ આગ, ચાર મુસાફરો ભડથું: DNA સિવાય ઓળખ મેળવવી મુશ્કેલ: ૧૦ ઈજાગ્રસ્ત, જીવ બચાવવા બારીમાંથી કૂદયા મુસાફરો
કંડલાના દીનદયાળ પોર્ટ પર કાર્ગો ઓપરેશન દરમિયાન ગેસ ગુંગળામણથી ત્રણ શ્રમિકના મોત
મોરબીના નવા સાદુળકા ગામની ખેત તલાવડીમાં સગીર સહિત ત્રણના ડૂબી જતા મોત
મૃતકોના પરિવારમાં માતમ છવાયો
અગ્ર ગુજરાત, રાજકોટ
સૌરાષ્ટ્ર માટે બુધવાર અમંગળ રહ્યો હતો અને ત્રણ જુદા જુદા ગંભીર બનાવમાં ૧૦ જેટલી માનવ જીંદગી હોમાઈ હતી સ્વજનો ગુમાવતા પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. ચોટીલા, મોરબી અને કંડલા પોર્ટ પર આ ગંભીર અકસ્માતો સર્જાયા હતા.
ચોટીલા-રાજકોટ નેશનલ હાઈવે પર સાંગાણી ગામ નજીક મોડી રાત્રે એક કાળજું કંપાવનારો અકસ્માત સર્જાયો છે. રાજકોટ તરફથી ચોટીલા તરફ જઈ રહેલી ખાનગી ટ્રાવેલ્સની બસ અને ડામર ભરેલા ટેન્કર વચ્ચે થયેલી અથડામણમાં 4 મુસાફરો જીવતા સળગી ગયા છે. હવે તેમની ઓળખ કરવા માટે DNA જ એક રસ્તો છે. , જ્યારે અન્ય 10 મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. જીવ બચાવવા મુસાફરો બસની બારીના કાચ તોડી નીચે કુદ્યા તો કેટલાક નીચે પડેલા ગરમ ડાંમર પર પડ્યા હતા…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ, મોડી રાત્રે આશરે 1:30 વાગ્યાના સુમારે હાઈવે પર જઈ રહેલા ડામર ભરેલા ટેન્કરનું અચાનક ટાયર ફાટ્યું હતું. ટાયર ફાટવાને કારણે ટેન્કરની ગતિ ખોરવાઈ હતી અને પાછળથી પૂરઝડપે આવી રહેલી ખાનગી ટ્રાવેલ્સ તેની સાથે ધડાકાભેર અથડાઈ હતી. અથડામણ એટલી ભીષણ હતી કે બસમાં તાત્કાલિક શોર્ટ સર્કિટ થયું હતું અને જોતજોતામાં આખી ટ્રાવેલ્સ આગની લપેટમાં આવી ગઈ હતી. ઊંઘમાં રહેલા મુસાફરોને બહાર નીકળવાની તક મળે તે પહેલા જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
આ ઘટનામાં 4 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે, જ્યારે અકસ્માતમાં 10 લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી છે. લીંબડીના રહેવાસી નરેન્દ્રભાઈનો હાથ સળગી ગયો હતો. તેઓને તેમજ અન્ય 9 લોકોને પણ સારવાર અર્થે હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. ઘટનાની જાણ થતા જ સ્થાનિક વહીવટી તંત્ર અને ફાયર ફાઈટરની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. મૃતકોના મૃતદેહોને પીએમ અર્થે ચોટીલા રેફરલ હોસ્પિટલ ખાતે રાખવામાં આવ્યા છે.
ઘટના અંગે ચોટીલા SDM એચ.ટી. મકવાણાએ કહ્યું કે, મોડી રાત્રે દોઢ વાગ્યે ચોટીલા-રાજકોટ હાઇવે ઉપર સાંગાણી જે ગામ આવેલું છે ત્યાં પાટીયાની નજીક એક ખાનગી ટ્રાવેલ્સ અને ડામર લઈ જતું ડમ્પર વચ્ચે અકસ્માત થયેલો છે. બસ અમદાવાદથી રાજકોટ સાઈડ જતી હતી અને જે આગળ જે ડમ્પર જતું હતું જે ડામર ભરેલું, એને ડમ્પરનું પ્રાથમિક દ્રષ્ટિએ ટાયર ફાટતાં, એ ટાયર સળગી ગયું હતું અને પાછળની સાઈડ આ ટ્રાવેલ્સ અથડાણું, એવી વિગત સામે આવેલ છે. 35થી 40 લોકોને બચાવી લેવામાં આવ્યા છે.”
કંડલાના દીનદયાળ પોર્ટ પર ગેસ ગુંગળામણ થતા 3ના મોત
કચ્છના કંડલા સ્થિત દીનદયાળ પોર્ટ પર એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક દુર્ઘટના સામે આવી છે. જહાજમાં કાર્ગો ઓપરેશન દરમિયાન ઝેરી ગેસની ગુંગળામણને કારણે ત્રણ શ્રમિકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ અકસ્માતને પગલે પોર્ટ વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને તંત્ર દ્વારા આ મામલે ઊંડી તપાસના આદેશો આપવામાં આવ્યા છે.કચ્છના કંડલા ખાતે આવેલા દેશના મહત્વના ગણાતા દીનદયાળ પોર્ટની જેટ્ટી નંબર 13 પર બુધવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ‘એમ.વી. પાન ઓપ્ટિમમ’ (M.V. PAN OPTIMUM) નામના જહાજમાં જ્યારે કાર્ગો ઓપરેશનની કામગીરી ચાલી રહી હતી, ત્યારે અચાનક ત્રણ શ્રમિકો ઝેરી ગેસની અસરમાં આવી ગયા હતા. આ શ્રમિકો રીશી શિપિંગ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ હેઠળ મજૂરી કામ કરી રહ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, રાજેશ, માસુક અલી અને રાજકુમાર નામના ત્રણ મજૂરો જહાજના કાર્ગો હોલ્ડ નંબર 03 ના મેનહોલ વિસ્તારમાં કામ કરી રહ્યા હતા, જ્યાં તેઓ અચાનક બેભાન હાલતમાં મળી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ જહાજના ક્રૂ મેમ્બર્સ અને પોર્ટની રેસ્ક્યુ ટીમ તાત્કાલિક હરકતમાં આવી ગઈ હતી. યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી ત્રણેય મજૂરોને બહાર કાઢવામાં આવ્યા હતા અને પોર્ટની એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબોએ ત્રણેય શ્રમિકોને મૃત જાહેર કર્યા હતા. પ્રાથમિક દ્રષ્ટિએ આ ઘટના જહાજના હોલ્ડમાં એકઠા થયેલા ઝેરી ગેસને કારણે શ્વાસ રુંધાવાથી (ગુંગળામણ) થઈ હોવાનું મનાઈ રહ્યું છે. આ કરુણ ઘટનાને પગલે શ્રમિક પરિવારોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
મોરબીમાં તલાવડીમાં ડૂબી જતાં 3ના મોત
મોરબી જિલ્લાના નવા સાદુળકા ગામે હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ખેત તલાવડીમાં નહાવા ગયેલા બાળક સહિત ત્રણ માલધારીઓના ડૂબી જતાં કરુણ મોત નિપજ્યા છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. માહિતી મુજબ, માલધારી પરિવાર બકરા ચરાવવા માટે ખેતર વિસ્તારમાં ગયો હતો. દરમિયાન પરિવારના કેટલાક સભ્યો ખેત તલાવડીમાં નહાવા ઉતર્યા હતા. અચાનક પાણીમાં ઊંડે જતા ત્રણેય ડૂબી ગયા હતા. સ્થાનિકોએ બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સફળતા મળી નહોતી. ઘટનાની જાણ થતાં ગામલોકો અને પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ત્રણેયના મૃતદેહોને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા. બાળક સહિત ત્રણ લોકોના મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે.


