વહેલી તકે શેડ બનાવવા સ્થાનિકોની ઉગ્ર માંગ
વલ્લભીપુરના પાટણા (ભાલ) હાઈવે પર બસ સ્ટેન્ડના અભાવે મુસાફરો બેહાલ
અગાઉના બસ સ્ટેન્ડ પોલીસનો અયોગ્ય કબજો અને ફોરલેન કામગીરી નડતરરૂપ બની
પાટણા સેવા સહકારી મંડળીના પ્રમુખ નરશી ગાબાણીએ એસ.ટી. નિગમ, કલેક્ટર અને ધારાસભ્યને લેખિત રજૂઆત કરી ન્યાય માંગ્યો
અગ્ર ગુજરાત, વલ્લભીપુર
વલ્લભીપુર તાલુકાના સૌથી મોટા એવા પાટણા (ભાલ) ગામેથી પસાર થતા ભાવનગર-અમદાવાદ હાઈવે પર મુસાફરો માટે બસ સ્ટેશન (શેડ) બનાવવાની માંગ સાથે તંત્ર સામે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પાટણા સેવા સહકારી મંડળીના પ્રમુખ અને પાટણા જિલ્લા પંચાયતના ભાજપના ઉમેદવાર ભાવેશ ગાબાણીના પિતા નરશીભાઈ ગાબાણી દ્વારા આ અંગે ભાવનગર ડેપોના એસ.ટી. નિગમના મેનેજર, ભાવનગર કલેક્ટર તેમજ સ્થાનિક ધારાસભ્ય શંભુનાથજી ટુંડિયાને લેખિતમાં ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે.
રજૂઆતમાં જણાવ્યા અનુસાર, અગાઉ હાઈવે પર રોડની બંને બાજુએ મુસાફરોને ટાઢ, તડકો અને વરસાદથી રક્ષણ મળી રહે તે માટે બસ સ્ટેન્ડના પાકા મકાનો બનાવવામાં આવ્યા હતા. પરંતુ હાલ રોડની પૂર્વ દિશામાં આવેલું બસ સ્ટેન્ડનું મકાન છેલ્લા ત્રણ વર્ષથી પોલીસ ખાતાએ પોતાના ઉપયોગ માટે કબજે કરેલું છે. કાયદા અને પ્રજાના રક્ષણની જવાબદારી સંભાળતું ખાતું જ અહીં મુસાફરો માટે અડચણરૂપ સાબિત થઈ રહ્યું છે, કારણ કે આ મકાનનો તેના મૂળ હેતુ બહાર ઉપયોગ થઈ રહ્યો હોવા છતાં તે પેસેન્જરો માટે ખાલી કરવામાં આવતું નથી. બીજી તરફ, ભાવનગર-અમદાવાદ રોડ ફોરલેન (ચાર માર્ગીય) બનવાના કારણે રોડની પશ્ચિમ દિશામાં આવેલું બીજું બસ સ્ટેન્ડનું મકાન પણ તોડી પાડવામાં આવ્યું છે. આમ, તાલુકાના સૌથી મોટા ગામમાં હાઈવેની બંને બાજુએ એક પણ બસ સ્ટેન્ડનું મકાન બચ્યું નથી.
રોડ પહોળો થવાના કારણે આસપાસના છાંયડો આપતા ઘટાદાર વૃક્ષોનું પણ નિકંદન નીકળી ગયું છે. આ પાટણા બસ સ્ટેન્ડનો ઉપયોગ માત્ર પાટણાના જ નહીં, પરંતુ તેની આજુબાજુના ઉજળવાવ, રાજગઢ અને ચકમપર ગામના અસંખ્ય પેસેન્જરો, વિદ્યાર્થીઓ અને દૈનિક મુસાફરો કરે છે. હાલ મે મહિનાની કાળઝાળ ગરમી અને અસહ્ય તાપમાં, છાંયડા કે મકાનની કોઈ સુવિધા ન હોવાને કારણે વૃદ્ધો, મહિલાઓ, બાળકો અને વિદ્યાર્થીઓએ ખુલ્લા આકાશ નીચે કલાકો સુધી બસની રાહ જોઈને ઊભા રહેવું પડે છે. જો વહેલી તકે આ સમસ્યાનો ઉકેલ નહીં આવે, તો આગામી ચોમાસામાં મુસાફરોની સ્થિતિ વધુ બદતર બનશે તેવી ભીતિ સેવાઈ રહી છે.
સ્થાનિક અગ્રણીઓ અને ગ્રામજનોએ આક્રોશ સાથે જણાવ્યું છે કે, લોકોના વ્યાપક હિતમાં એસ.ટી. તંત્ર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ બાબતે સત્વરે યોગ્ય પગલાં લેવામાં આવે, જેથી નિર્દોષ મુસાફરોને આ હાડમારીમાંથી મુક્તિ મળી શકે.
ગ્રામજનોની મુખ્ય માંગણીઓ
* પોલીસ ચોકી ખાલી કરાવો:
ન્યાય અને કાયદાનો અમલ કરાવનાર પોલીસ ખાતા દ્વારા ત્રણ વર્ષથી ગેરકાયદેસર રીતે કબ્જે કરાયેલું મકાન વહેલી તકે મુસાફરો માટે ખાલી કરાવવામાં આવે.
* નવા શેડનું નિર્માણ: ફોરલેન હાઈવેની બંને બાજુએ મુસાફરોની સુવિધા માટે તમામ આધુનિક સગવડો ધરાવતા નવા બસ સ્ટેન્ડ (પેસેન્જર શેડ) નું નિર્માણ તાકીદે કરવામાં આવે.


